આને ત્રેવડવાળી નવીન વસ્તુનું ઉદાહરણ કહેવું સહજ લાગે છે, પરંતુ 65 વર્ષીય નારાયણ દેસાઈ તેને પોતાની કળાનું ‘મૃત્યુ’ ગણાવે છે. આ ‘નવીન વસ્તુ’ તેમની શરણાઈની રચના અને ઘટકોમાં ફેરફાર કરીને બનાવેલી છે, જે બજારની વાસ્તવિકતાઓને ધ્યાનમાં લઈને તેમને વિકસાવવાની ફરજ પડી હતી અને તેમની કળાના અસ્તિત્વ માટે ચોક્કસ ખતરો હતો.

શરણાઈ એક સુષિર વાદ્યછે, જે લગ્ન, તહેવારો અને સ્થાનિક કાર્યક્રમોમાં લોકપ્રિય છે.

બે વર્ષ પહેલાં સુધી, દેસાઈએ બનાવેલી દરેક શરણાઈના આગળના છેડે (પિત્તળી) પિત્તળની એક ઘંટડી રહેતી હતી. પરંપરાગત, હાથથી બનાવેલી શરણાઈમાં, મરાઠીમાં વાટી તરીકે ઓળખાતી આ છૂટી ઘંટડી, સંગીતના વાદ્યના લાકડાના ભાગમાંથી નીકળતા સૂરની ગુણવત્તામાં વધારો કરે છે. 1970ના દાયકામાં તેમની કારકિર્દીની ટોચ પર, નારાયણ કર્ણાટકના બેલગાવી જિલ્લાના ચીકોડી શહેરમાંથી મેળવેલી એક ડઝનથી વધુ પિત્તળની ઘંટડીઓનો જથ્થો રાખતા હતા.

જો કે, તાજેતરના વર્ષોમાં, આ બે પરિબળોએ તેમને અડધી સદી કરતાં વધુ સમયથી કારગર નીવડેલી તેમની તકનીકમાં ફેરફાર કરવા માટે મજબૂર કર્યા છેઃ પિત્તળની ઘંટડીઓની વધતી કિંમતો અને ગ્રાહકો તરફથી સારી શરણાઈ બનાવવા માટે જરૂરી કિંમત ચૂકવવાની વધતી અનિચ્છા.

તેઓ કહે છે, “લોકો મારી પાસેથી 300-400 રૂપિયામાં શરણાઈ માંગવા લાગ્યા છે.” આ માંગ સંતોષવી અશક્ય છે, કારણ કે એકલી પિત્તળની ઘંટડીની જ કિંમત આશરે 500 રૂપિયા હોય છે. ઘણા સંભવિત ઓર્ડર ગુમાવ્યા પછી, નારાયણે આખરે એક ઉકેલ શોધી કાઢ્યો. “મેં ગામના મેળામાંથી પ્લાસ્ટિકનાં રણશિંગાં ખરીદ્યા, તેમના લાંબા છેડા કાપી નાખ્યા અને પિત્તળની ઘંટડીની જગ્યાએ શરણાઈમાં આ ઘંટ આકારના પ્લાસ્ટિકના ભાગો લગાવી દીધા.”

તેઓ દુઃખી છે, “આનાથી અવાજની ગુણવત્તા ઘટે છે, પરંતુ લોકોને તેનાથી કોઈ ફેર પડતો નથી.” વધુ સમજદાર ખરીદનારને, તેઓ હજું પણ તેમની વાટી વાળી શરણાઈનો વિકલ્પ પૂરો પાડે છે. પ્લાસ્ટિકથી બનેલી આ શરણાઈ તેમને ફક્ત 10 રૂપિયામાં પડે છે, પણ આમાં તેમની કળા સાથે સમાધાન કરવા બદલ તેમના અંતઃકરણ પર જે બોજ પડે છે તેની ગણતરી કરવામાં નથી આવતી.

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

નારાયણ પ્લાસ્ટિકનું રણશિંગડું (ડાબે) બતાવે છે, જેનો ઉપયોગ તેઓ હવે શરણાઈના આગળના ભાગે પિત્તળની ઘંટડી (જમણે) ના બદલે કરે છે

તેમ છતાં, તેઓ સ્વીકારે છે કે, જો તેમને આ ઉકેલ ન મળ્યો હોત, તો 8346 (વસ્તી ગણતરી 2011)ની વસ્તીવાળા અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલા ઉત્તર કર્ણાટકના માણકપુર ગામમાં શરણાઈ બનાવવાની કળા મરી ગઈ હોત.

જ્યાં સુધી તેમને યાદ છે ત્યાં સુધી, બેલગાવી અને મહારાષ્ટ્રના નજીકના ગામડાઓમાં લગ્ન અને કુસ્તી જેવા શુભ પ્રસંગોએ શરણાઈ વગાડવામાં આવતી હતી. તેઓ ગર્વથી કહે છે, “આજે પણ, અમને કુસ્તીની મેચોમાં પ્રદર્શન કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે. આ પરંપરા હજુ પણ બદલાઈ નથી. કોઈ શરણાઈ વગાડનારની ગેરહાજરીમાં કુસ્તીનો મુકાબલો શરૂ થતો નથી.”

1960ના દાયકાના અંતમાં અને 1970ના દાયકાની શરૂઆતમાં, તેમના પિતા તુકારામને દૂરના સ્થળોએ ખરીદદારો પાસેથી દર મહિને 15થી વધુ શરણાઈ બનાવવાના ઓર્ડર મળતા હતા; 50 વર્ષ પછી, નારાયણને મહિનામાં માંડ બે ઓર્ડર મળે છે. તેઓ કહે છે, “બજારમાં હવે સસ્તા વિકલ્પો આનથી અડધા ભાવે ઉપલબ્ધ છે.”

યુવાન પેઢીના શરણાઈમાં ઘટતા રસ પાછળ તેઓ ઓર્કેસ્ટ્રા, મ્યુઝિકલ બેન્ડ અને ઇલેક્ટ્રોનિક સંગીતના વલણને દોષી ઠેરવે છે. તે પણ તેની માંગને અસર કરી રહી છે. માણકપુરમાં તેમના પોતાના વિસ્તૃત પરિવાર અને સંબંધીઓમાંથી ફક્ત તેમનો 27 વર્ષીય ભત્રીજો, અર્જુન જાવીર જ શરણાઈ વગાડે છે. અને નારાયણ માણકપુરના એકમાત્ર કારીગર છે જેઓ શરણાઈ અને બાંસુરી (વાંસળી) બન્ને વાદ્યોને હાથથી બનાવી શકે છે.

*****

નારાયણ શાળાનાં પગથિયાં ક્યારેય ચઢ્યા નથી. તેમના પિતા અને દાદા દત્તુબા સાથે ગામના મેળાઓમાં જઈ જઈને તેમની શરણાઈ બનાવવાની તાલીમ શરૂ થઈ હતી. તે સમયે, દત્તુબા બેલગાવી જિલ્લાના શ્રેષ્ઠ શરણાઈ વગાડનારાઓમાંના એક હતા. તેઓ લગભગ 12 વર્ષની ઉંમરે પારિવારિક વેપારમાં કઈ રીતે જોડાયા તે અંગે તેઓ કહે છે, “તેઓ શરણાઈ વગાડતા હતા અને હું નાચતો હતો. એક બાળક તરીકે, તમને કોઈ સંગીતનું વાદ્ય કઈ રીતે કામ કરે છે તે જાણવા માટે તેને અડકવાનું મન થયા વગર રહેતું નથી. મને પણ એવી જ જિજ્ઞાસા હતી.” તેઓ શરણાઈ અને વાંસળી વગાડવાની કળા જાતે જ શીખ્યા હતા. તેઓ સ્મિત આપતાં કહે છે, “જો તમને આ વાદ્યો વગાડતાં જ ન આવડે, તો તમે તે બનાવશો કેવી રીતે?”

PHOTO • Sanket Jain

નારાયણ શરણાઈ બનાવવા માટે જે સાધનોનો ઉપયોગ કરે છે તેમાંના કેટલાક સાધનો

PHOTO • Sanket Jain

તેમણે બનાવેલી જી લી ( પાવો ) બરાબર સૂર ઉત્પન્ન કરે છે કે કેમ તે તપાસતા નારાયણ

જ્યારે નારાયણ લગભગ 18 વર્ષના હતા, ત્યારે તેમના પિતા તેમની કળા અને વારસો તેમના પુત્રના હાથમાં મૂકીને પરલોક સિધાવી ગયા હતા. પછીથી, નારાયણે તેમના સસરા, સ્વર્ગીય આનંદ કેંગરના નિષ્ણાત માર્ગદર્શન હેઠળ તેમની કુશળતાને આગળ વધારી, જેઓ માણકપુરના શરણાઈ અને વાંસળી બનાવવાના અન્ય નિષ્ણાત હતા.

નારાયણનો પરિવાર હોલાર સમુદાયથી સંબંધ ધરાવે છે. અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ એવો હોલાર સમુદાયમાં, પરંપરાગત રીતે શરણાઈ અને ડફડા (ખંજરી)ના પ્રખ્યાત કલાકારો રહ્યા છે; દેસાઈ પરિવારની જેમ તેમાંના કેટલાક સભ્યો સંગીતના વાદ્યો બનાવે છે. જો કે, આ હસ્તકળામાં પુરુષોની જ બોલબાલા રહી છે. નારાયણ કહે છે, “શરૂઆતથી જ અમારા ગામમાં માત્ર પુરુષો જ શરણાઈ બનાવે છે.” તેમનાં માતા, સ્વર્ગીય તારાબાઈ, એક ખેતમજૂર હતાં, અને જ્યારે પુરુષો લગ્ન અને કુસ્તીની મેચોમાં શરણાઈ વગાડવા જતા તે વર્ષના છ મહિના દરમિયાન તેઓ એકલા હાથે આખું ઘર ચલાવતાં હતાં.

નારાયણ યાદ કરે છે કે તેમના સફળ દિવસોમાં તેઓ દર વર્ષે સાયકલ લઈને લગભગ 50 જુદા જુદા ગામોની જાત્રાઓમાં ભાગ લેતા હતા. તેઓ કહે છે, “હું દક્ષિણમાં ગોવા અને કર્ણાટકમાં બેલગાવી, તથા મહારાષ્ટ્રમાં સાંગલી અને કોલ્હાપુરના ગામડાઓ સુધી જતો હતો.”

તેમની શરણાઈની માંગમાં ઘટાડો નોંધાયો હોવા છતાં, નારાયણ હજુ પણ તેમના એક ઓરડાના ઘરની બાજુમાં 8*8 ફૂટની વર્કશોપમાં લાંબા કલાકો વિતાવે છે. આ વર્કશોપમાં સાગવન [સાગ], બાવળ [અકાસિયા કેટેચુ], દેવદાર અને અન્ય પ્રકારના ઝાડની સુગંધ પ્રસરે છે. તેઓ કહે છે, “મને અહીં બેસવું ગમે છે કારણ કે તે મને મારા બાળપણની યાદ અપાવે છે.” દાયકાઓ જૂના દુર્ગા અને હનુમાનના પોસ્ટર શેરડી અને શાળું (જુવાર)ના ઘાસચારાથી બનેલી દિવાલોને શણગારે છે. વર્કશોપની મધ્યમાં જ એક ઉંબરવૃક્ષ (અંજીર) ટીનની છતમાંથી બહારની તરફ વધે છે.

છેલ્લા પાંચ દાયકાથી, તેમણે આ જ જગ્યાએ પોતાના હાથોથી 5000થી વધુ શરણાઈઓ બનાવી છે, અને 30,000 કલાકથી વધુ સમય આ કળામાં નિપુણતા મેળવવામાં પસાર કર્યો છે. તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં તેમને એક શરણાઈ તૈયાર કરવામાં લગભગ છ કલાકનો સમય લાગતો હતો, જ્યારે હવે આ કામ તેઓ ચાર કલાકમાં પૂરું કરી શકે છે. તેમના મન અને હાથ આ પ્રક્રિયામાં સામેલ દરેક નાનકડી વિગતને યાદ રાખે છે. તેઓ આનું જીવંત પ્રદર્શન શરૂ કરતાં કહે છે, “હું ઊંઘમાં પણ શરણાઈ બનાવી શકું છું.”

PHOTO • Sanket Jain

તમામ કાચો માલ એકત્રિત કર્યા પછી, પહેલું પગલું છે આરી ( કરવત ) વડે સાગવાન (સાગ)ના લાકડાને કાપ વું

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

ડાબેઃ એક લાકડાના થડને કાપ્યા પછી , નારાયણ લાકડાની સપાટીને છીણે છે અને તેને શંકુ આકાર આપે છે. જમણેઃ નારાયણ જરૂરી લીસાપણું મેળવવા માટે કાચના ટુકડા વડે લાકડાને છીણે છે

પહેલા, તેઓ આરી (કરવતી) વડે સાગવાન (સાગનું લાકડું) કાપે છે. અગાઉ, તેઓ સારી ગુણવત્તાના ખૈર, ચંદન અને શીશમનો ઉપયોગ કરતા હતા, જેનાથી વધુ સારો સૂર પેદા થાય છે.  તેઓ કહે છે, “લગભગ ત્રણ દાયકા પહેલા, માણકપુર અને નજીકના ગામોમાં આ પ્રકારના વૃક્ષો ઘણા વધારે હતા. હવે, તેઓ દુર્લભ બની ગયા છે.” એક ઘનફૂટ ખૈરમાંથી ઓછામાં ઓછી પાંચ શરણાઈ બને છે. 45 મિનિટ સુધી, તેઓ રંધા (બેઠો રંધો)નો ઉપયોગ કરીને લાકડાની સપાટી ઘસે છે. તેઓ કહે છે, “જો તમે અહીં કોઈ ભૂલ કરશો, તો સારો સૂર પેદા નહીં થાય.”

જો કે, નારાયણ તેમને જોઈએ છે તેવું લીસાપણું ફક્ત એક રંધાની મદદથી લાવી શકતા નથી. તેઓ તેમના વર્કશોપની આસપાસ જુએ છે અને એક સફેદ કોથળીમાંથી કાચની બોટલ બહાર કાઢે છે. તેઓ લાદી પર બોટલ પછાડીને તોડે છે, કાળજીપૂર્વક કાચનો એક ટુકડો પસંદ કરે છે અને તેમના ‘જુગાડ’ પર હસતાં હસતાં ફરીથી લાકડાને છીણવાનું શરૂ કરે છે.

આગળના પગલામાં મરાઠીમાં ગર્મિટ તરીકે ઓળખાતા લોખંડના સળિયાઓનો ઉપયોગ કરીને શંકુ આકારની વાંસળીના બન્ને છેડા પર છિદ્રો કરવામાં આવે છે. નારાયણ તેમના ઘરથી 10 કિલોમીટર દૂર આવેલા, મહારાષ્ટ્રના ઇચલકરંજીથી 250 રૂપિયામાં ખરીદેલા એક સ્માર્ટફોનના કદના ગ્રાઇન્ડીંગ પથ્થર પર સળિયાને તેજ કરે છે. તેઓ કહે છે કે તેઓ તેમના માટે જરૂરી ધાતુના તમામ ઉપકરણો જાતે જ બનાવે છે, કારણ કે બધી વસ્તુઓ ખરીદી લેવી એ અવ્યવહારુ છે. તેઓ વાંસળીના બન્ને છેડાઓ પર ઝડપથી ગર્મિટથી ડ્રીલ કરે છે. અહીં એક ભૂલ થવાથી તેમની આંગળીઓને વીંધાઈ શકે છે, પરંતુ તેઓ આનાથી ડરતા નથી. તેઓ થોડીક ક્ષણો માટે છિદ્ર બનાવે છે, પછી તેમને તેનાથી સંતોષ થઈ જાય એટલે તેઓ સાત સ્વરના છિદ્રો બનાવવાના સૌથી મુશ્કેલ ભાગ તરફ આગળ વધે છે.

તેઓ કહે છે, “અહીં એક મિલીમીટરની ભૂલ પણ વિકૃત અવાજ પેદા કરે છે. તેને કેમેય કરીને સુધારી શકાય તેમ નથી.” આવું ન થાય તે માટે, તેઓ પાવર લૂમ્સમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક પર્ન પર સંદર્ભ માટે ટોન મુજબ છિદ્રોને ચિહ્નિત કરે છે. ત્યારપછી તેઓ 17 સેન્ટિમીટર લાંબા લોખંડના ત્રણ સળિયા ગરમ કરવા માટે તેમની ચૂલી તરફ વળે છે. “મને ડ્રિલિંગ મશીન વાપરવું પરવડતું નથી. તેથી, હું આ પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરું છું.” ગરમ સળિયા સાથે કામ કરતાં શીખવું એ કાંઈ સરળ નહોતું; તેઓ તે શીખતી વખતે ઘણી ગંભીર રીતે દાઝી જવાના કિસ્સાઓ યાદ કરે છે. ઝડપથી ત્રણ સળિયાઓને ગરમ કરવા અને ટોનના છિદ્રોને ડ્રિલિંગ કરવાનું કામ કરતાં કરતાં તેઓ કહે છે, “અમે દાઝવા અને કપાવાના આદી થઈ ગયા છીએ.”

આ પ્રક્રિયામાં લગભગ 50 મિનિટનો સમય લાગે છે, જે દરમિયાન શ્વાસમાં ઘણો ધુમાડો જાય છે જેના કારણે તેમને વારંવાર ઉધરસ આવે છે. તેમ છતાં તેઓ એક સેકન્ડનો પણ વિરામ લેતા નથી. “આ ઝડપથી કરવું પડે છે; નહીંતર સળિયાઓ ઠંડા થઈ જાય છે, અને ફરીથી ગરમ કરવામાં વળી પાછો વધુ ધુમાડો થાય છે.”

એકવાર ટોનના છિદ્રો ડ્રિલ થઈ જાય, એટલે તેઓ શરણાઈને ધોઈ નાખે છે. તેઓ ગર્વથી કહે છે, “આ લાકડું પાણી પ્રતિરોધક છે. એકવાર હું શરણાઈ બનાવું, પછી તે ઓછામાં ઓછી વીસ વર્ષ સુધી ચાલે છે.”

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

નારાયણને ડ્રિલિંગ મશીન વાપરવું પરવડતું ન હોવાથી, તે ઓ હોલ પાડવા માટે લોખંડના સળિયાનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયામાં 50 મિનિટનો સમય જાય છે, અને ભૂતકાળમાં તેઓ આ કામ કરવાથી સખત રીતે દાઝ્યા પણ છે

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

ના રાયણ હોલ પાડતી વખતે કોઈ ભૂલ ન થાય તે માટે, પાવર લૂમ્સમાં વપરાતા પ્લાસ્ટિકના પર્ન ઉપર સંદર્ભ રાખે છે. તે ઓ કહે છે, અહીં એક મિલીમીટરની ભૂલ પણ વિકૃત અવાજ પેદા કરે છે

ત્યારબાદ, તેઓ શરણાઈની જીબલી બનાવવાની શરૂઆત કરે છે, જેના માટે તેઓ મરાઠીમાં તાળાચ પાન તરીકે ઓળખાતી બરુંની પ્રજાતિમાંથી એક પ્રકારની બારમાસી શેરડીનો ઉપયોગ કરે છે. આ બરુંને 20-25 દિવસ માટે સૂકવવી જરૂરી છે, અને શ્રેષ્ઠ શેરડીની દાંડીને પછી 15 સેન્ટિમીટર લાંબા ટૂકડાઓમાં કાપવામાં આવે છે. એક ડઝન બરું, જેને તેઓ બેલગાવીના આદિ ગામમાંથી ખરીદે છે, 50 રૂપિયામાં મળે છે. તેઓ કહે છે, “શ્રેષ્ઠ પાન (બરું) શોધવું એ એક પડકાર છે.”

તેઓ બરુંને નાજુક રીતે અડધા ભાગમાં વાળે છે, અને ચાર પડમાં વાળીને તેને 30 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખે છે. તૈયાર થયેલી શરણાઈમાં, આ બે ફોલ્ડ જ છે જે ઇચ્છિત અવાજ પેદા કરવા માટે સામસામે કંપારી પેદા કરે છે. પછી, તેઓ બન્ને છેડાઓને જરૂરિયાત મુજબ કાપી નાખે છે અને તેમને સફેદ સુતરાઉ દોરા વડે મેન્ડ્રેલ સાથે બાંધે છે.

આ નાજુક કામ પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે તેમના કરચલીવાળા કપાળ પરનો સિંદૂર પરસેવામાં ઓગળી જાય છે. તેઓ કહે છે, “જીભલી લા આકાર દ્યાચ કઠીણ અસ્ત [નળીને આકાર આપવો મુશ્કેલ છે]” ધારદાર બ્લેડથી તેમની તર્જની પર બહુવિધ કાપા પડ્યા છે, પરંતુ તેઓ તેનાથી વિચલિત થતા નથી. તેઓ હસીને કહે છે, “જો હું બધા કાપા પર જ ધ્યાન આપીશ, તો હું શરણાઈ ક્યારે બનાવીશ?” તેમને સંતોષ થાય તેવી જીબલી બનાવીને, નારાયણ હવે શરણાઈના મોટા છેડે પ્લાસ્ટિકની ઘંટડી જોડવાના કામમાં લાગી જાય છે, જ્યાં પરંપરાગત પ્રક્રિયામાં આના બદલે પિત્તળની એક ઘંટડી રહેતી હતી.

નારાયણ 22,18, અને 9 ઇંચ એમ જુદી જુદી લંબાઈની શરણાઈઓ બનાવે છે, જેને તેઓ અનુક્રમે 2000 રૂ., 1500 રૂ. અને 400 રૂ.માં વેચે છે. તેઓ કહે છે, “22 અને 18 ઇંચની શરણાઇના ઓર્ડર હવે ભાગ્યે જ મળે છે; મને છેલ્લો ઓર્ડર દસ વર્ષ પહેલા મળ્યો હતો.”

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

નારાયણ તાળાચ પાન (બારમાસી શેરડી)ને પલાળે છે જેથી તેને સરળતાથી રીડમાં આકાર આપી શકાય. રીડ એ શરણાઈનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે, જે તેને તેનો ઇચ્છિત અવાજ પૂરો પાડે છે

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

ડાબે: ના રાયણ બ્લેડની મદદથી વાળેલા શેરડીના પાંદડાને રીડમાં ફેરવે છે. જમણે: તે એક સુતરાઉ દોરા વડે રીડને કાળજીપૂર્વક મેન્ડ્રેલ સાથે જોડે છે

તેમની હાથથી બનાવેલી લાકડાની વાંસળીની માંગમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. “લોકો લાકડાની પાઇપ મોંઘી હોવાનું કહીને તેને ખરીદતા નથી.” તેથી, ત્રણ વર્ષ પહેલાં તેમણે કાળા અને વાદળી રંગના પીવીસી (પોલીવિનાઇલ ક્લોરાઇડ) પાઇપમાંથી વાંસળી બનાવવાનું શરૂ કર્યું. પીવીસીની વાંસળી 50 રૂપિયામાં વેચાય છે, જ્યારે લાકડાની વાંસળી લાકડાની ગુણવત્તા અને કદના આધારે 100 રૂપિયાથી શરૂ થાય છે. જો કે, નારાયણને જે સમાધાન કરવું પડ્યું તેનાથી તેઓ ખુશ નથી. તેઓ કહે છે, “લાકડાની વાંસળી અને પીવીસીની વાંસળી વચ્ચે કોઈ સરખામણી થાય તેમ જ નથી.”

નારાયણ કહે છે, એક શરણાઈ હાથથી બનાવવામાં કરવા પડતા કમરતોડ કામ, સહન કરવી પડતી ચૂલીના ધુમાડાની ઘરઘરાટી, સતત નમેલા રહેવાથી થતો કમરનો દુખાવો, અને નફામાં ઝડપથી થઈ રહેલા ઘટાડાને જોઈને યુવા પેઢી આ હસ્તકળામાં આગળ વધવા જ નથી માંગતી.

જો શરણાઈ બનાવવી સરળ નથી, તો સાથે સાથે તેમાંથી સંગીત બનાવવું પણ સરળ નથી. 2021માં, તેમને કોલ્હાપુરના જ્યોતિબા મંદિરમાં પ્રદર્શન કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓ કહે છે, “હું એક કલાકની અંદર પડી ગયો હતો અને મને ઇન્ટ્રાવેનસ ટીપાં ચઢાવવાં પડ્યાં હતાં.” આ બનાવ પછી તેમણે શરણાઈ વગાડવાનું કામ છોડી દીધું હતું. “આ કામ સહેલું નથી. દરેક પ્રદર્શન પછી શ્વાસ લેવા માટે હાંફતા શરણાઈ વગાડનારનો ચહેરો જુઓ, અને તમે સમજી જશો કે તે કામ કેટલું મુશ્કેલ છે.”

પરંતુ શરણાઈ બનાવવાનું કામ છોડવાની તેમની કોઈ યોજના નથી. તેઓ કહે છે, “ કલેત સુખ અહે [આ કળા મને ખુશી આપે છે].”

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

ડાબેઃ ઊંચા ભાવોને કારણે લાકડાની વાંસળીની માંગ ઘટી હોવાથી, નારાયણે ત્રણ વર્ષ પહેલાં કાળા અને વાદળી પીવીસી (પોલિવિનાઇલ ક્લોરાઇડ) રંગની વાંસળી બનાવવાનું શરૂ કર્યું હતું. જમણેઃ શરણાઈ બનાવતી વખતે કોઈપણ ભૂલ પડે તો તેને સુધારવા . માટે માર્જિન તરીકે રાખેલો વધારાનો ભાગ સાફ કરતા નારાયણ

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

ડાબેઃ નારાયણે છેલ્લા પાંચ દાયકામાં હસ્તકળા પાછળ 30,000 કલાક ગાળ્યા છે અને 5000થી વધુ શરણાઈ બનાવી છે. જમણેઃ અર્જુન જાવીર માણ કપુરના શ્રેષ્ઠ શરણાઈ વગાડનારાઓમાંના એક માનવામાં આવતા તેમના સ્વર્ગસ્થ દાદા મારુતિ દેસાઇની તસવીર પકડીને ઊભા છે

*****

નારાયણ લાંબા સમયથી જાણી ગયા છે કે તેઓ આજીવિકા માટે માત્ર ફક્ત શરણાઈ અને વાંસળી પર આધાર રાખી શકતા નથી. તેથી જ, ત્રણ દાયકા પહેલા, તેમણે પોતાની આવક વધારવા માટે રંગીન પિનવ્હીલ બનાવવાનું શરૂ કર્યું હતું. “ગ્રામીણ મેળાઓમાં, પિનવ્હીલ્સની માંગ હજુ પણ છે કારણ કે દરેક વ્યક્તિને રમતો રમવા માટે સ્માર્ટફોન પરવડી શકે તેમ નથી.” 10 રૂપિયામાં આ પિનવ્હીલ્સ, લોકોના જીવનમાં તો આનંદ લાવે જ છે, અને સાથે સાથે નારાયણ જેવા કલાકારોના ઘરમાં પણ કેટલીક ખૂબ જ જરૂરી આવક લાવે છે.

જેમને જોડવા સરળ છે એવા પિનવ્હીલ્સ ઉપરાંત, તેઓ નાનકડાં સ્પ્રીંગનાં રમકડાં અને પુલ-અપ રમકડાં પણ બનાવે છે. તેઓ 20 પ્રકારનાં રંગબેરંગી ઓરિગામિ પક્ષીઓનો પણ વેચે છે, જેની કિંમત 10-20 રૂપિયા હોય છે. તેઓ કહે છે, “હું ક્યારેય આર્ટ સ્કૂલમાં ગયો નહોતો. પરંતુ, એકવાર હું હાથમાં કાગળ લઈ લઉં છું, તો પછી હું તેમાંથી કંઈક બનાવી ન લઉં, ત્યાં સુધી હું અટકતો નથી.”

કોવિડ-19 મહામારી અને તેના પરિણામે ગ્રામ્ય મેળાઓ અને જાહેર મેળાવડા પર મુકાયેલા પ્રતિબંધના લીધે તેમનો આ વ્યવસાય મુશ્કેલીમાં મુકાયો હતો. તેઓ કહે છે, “હું બે વર્ષ સુધી એક પણ પિનવ્હીલ વેચી શક્યો ન હતો.” કામ છેક માર્ચ 2022માં માણકપુરની મહાશિવરાત્રી યાત્રા સાથે શરૂ થયું હતું. જો કે, હૃદયરોગના હુમલા પછી તેમની તબિયત નબળી પડી ગઈ હોવાથી, તેમના માટે મુસાફરી કરવી મુશ્કેલ બની ગઈ છે અને હવે તેઓ પિનવ્હીલ્સ વેચવા માટે એજન્ટો પર નિર્ભર છે. તેઓ કહે છે, “એજન્ટો જેટલા પિનવ્હીલ વેચે તે મુજબ મારે તેમને દરેક પિનવ્હીલ દીઠ કમિશન તરીકે ત્રણ રૂપિયા આપવા પડે છે. હું આનાથી ખુશ નથી, પરંતુ તેનાથી થોડી આવક થાય છે.” નારાયણ દર મહિને માંડ 5,000 રૂપિયાની કમાણી કરે છે.

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

ડાબેઃ નારાયણનાં પત્ની સુશીલા ઈંટોની ભઠ્ઠીમાં કામ કરે છે અને પિનવ્હીલ, શરણાઈ અને વાંસળી બનાવવામાં પણ નારાયણને મદદ કરે છે. જમણેઃ નારાયણે પોતાની આવક વધારવા માટે ત્રણ દાયકા પહેલાં રંગબેરંગી પિનવ્હીલ્સ બનાવવાનું શરૂ કર્યું હતું

PHOTO • Sanket Jain
PHOTO • Sanket Jain

નારાયણ તેમણે પોતે બનાવેલી લાકડાની સંદર્ભ સ્કેલનો ઉપયોગ કરીને વાંસળી પર સ્વર છિદ્રો (ડાબે) ચિહ્નિત કરે છે અને પછી તેઓ બરાબર સૂર કાઢે છે કે કેમ તેની તપાસ કરે છે (જમણે)

હાલ 40 વર્ષનાં તેમનાં પત્ની સુશીલા, ઈંટોની ભઠ્ઠીમાં કામ કરે છે અને પિનવ્હીલ્સ બનાવવામાં તેમની મદદ કરે છે. કેટલીકવાર, તેઓ તેમને શરણાઈ અને વાંસળી બનાવવામાં પણ મદદ કરે છે, આવું કરીને વરસો વરસથી પુરુષોના પ્રભુત્વવાળા કામમાં પગ પેસારો કરે છે. નારાયણ કહે છે, “જો સુશીલાએ મને મદદ ન કરી હોત, તો આ વ્યવસાય ઘણા વર્ષો પહેલા જ ખતમ થઈ ગયો હોત. તે આ ઘર ચલાવવામાં મદદ કરે છે.”

તેમના પિતા અને દાદાનો શરણાઈ વગાડતો ફ્રેમ કરેલો ફોટો ઉપાડીને તેઓ વિનમ્રતાથી કહે છે, “મારી પાસે બહુ કુશળતા નથી. હું માત્ર એક જ જગ્યાએ બેસું છું અને વસ્તુઓ બનાવું છું. આમી ગેલો મુન્જે ગેલી કલા [આ કળા મારી સાથે મરી જશે].”

આ વાર્તા સંકેત જૈન દ્વારા ગ્રામીણ કારીગરો પરની શ્રેણીનો એક ભાગ છે, અને તે મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન દ્વારા સમર્થિત છે.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Sanket Jain

Sanket Jain is a journalist based in Kolhapur, Maharashtra. He is a 2022 PARI Senior Fellow and a 2019 PARI Fellow.

Other stories by Sanket Jain
Editor : Sangeeta Menon

Sangeeta Menon is a Mumbai-based writer, editor and communications consultant.

Other stories by Sangeeta Menon
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad