30 મી એપ્રિલ, 2023 ના રોજ હિમાલયની ધૌલાધર પર્વતમાળાનું ધર્મશાલા (જેને ધરમશાલા પણ કહેવાય છે) નગર તેની પહેલવહેલી પ્રાઈડ માર્ચનું સાક્ષી બન્યું હતું.

'આ ઘર તમારું, મારું, તેનું, તેણીનું, તેઓનું, તેમનું છે' એવા સૂત્રો લખેલા પ્લેકાર્ડ સાથે લોકો મુખ્ય બજારથી શરુ કરીને ધર્મશાલાની તિબેટિયન  આવેલા દલાઈ લામા મંદિર તરફ કૂચ કરી ગયા હતા. પછીથી ધર્મશાલા નગરના ધમધમતા બજાર વિસ્તાર, કોતવાલી બજાર સુધી આ કૂચ ચાલુ રહી હતી. એલજીબીટીક્યુઆઈએ+ સમુદાયને સમર્થન વ્યક્ત કરવા આયોજિત હિમાચલ પ્રદેશનો આ પહેલો જાહેર મેળાવડો હતો અને ઘણા સહભાગીઓ રાજ્યના ગામડાઓ અને નાના-નાના શહેરોના હતા.

આ કૂચના આયોજકોમાંના એક અને હિમાચલ ક્વિયર ફાઉન્ડેશનના સહ-સ્થાપક ડોન હસર કહે છે, "અમે ‘અજીબ’ શબ્દનો ઉપયોગ ગર્વથી કરી રહ્યા છીએ." તેમની પસંદગી સમજાવતા 30 વર્ષના હસર ઉમેરે છે, “વિલક્ષણતાનું વર્ણન કરવા માટે આપણે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ હિન્દી અને પ્રાદેશિક બોલીઓનું શું? વિલક્ષણતા અને (લૈંગિકતામાં) પ્રવાહિતા વિશે વાત કરવા માટે પ્રાદેશિક બોલીઓમાં અમે ગીતો અને વાર્તાઓનો ઉપયોગ કરીએ છીએ.”

અહીં ભેગા થયેલા 300 લોકો દેશભરમાંથી - દિલ્હી, ચંદીગઢ, કોલકાતા, મુંબઈ અને હિમાચલ પ્રદેશના નાના-નાના નગરોમાંથી આ કૂચનો ભાગ બનવા માટે આવ્યા હતા. આ કૂચ અંગેની માહિતી તેમને થોડા સમય પહેલા જ મળી હતી. આ પ્રાઇડ માર્ચમાં હાજરી આપનાર શિમલાના યુનિવર્સિટીના વિદ્યાર્થી 20 વર્ષના આયુષ કહે છે, "અહીં [હિમાચલ પ્રદેશમાં] આ વિશે [ક્વિયર હોવા વિષે] કોઈ વાત કરતું નથી."  શાળાના સમય દરમિયાન બાથરૂમ જવામાં આયુષને ખૂબ મુશ્કેલી પડતી હતી. “મારા વર્ગના છોકરાઓ મારી મશ્કરી કરીને મને ચીડવતા હતા અને મારી સાથે દાદાગીરી કરતા હતા. આ સમુદાય સાથે ઓનલાઈન જોડાવાથી મેં પહેલા કરતાં વધુ સુરક્ષિતતા અનુભવી. તેનાથી મને સમજી શકે એવા લોકોનો સાથ મેળવવાની મને તક મળી.”

સલાહકાર તરીકે એક પ્રાધ્યાપકને સાથે રાખી ઓપન ડાયલોગ સર્કલ (ખુલ્લા ચર્ચા-સત્ર) નું આયોજન કરીને આયુષ કોલેજમાં આ વિષય સંબંધિત સંવાદ શરુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકો લિંગ અને જાતિયતા વિશે જાણવા માટે આવે છે અને એ પછી પ્રશ્નો પૂછવા અથવા પોતાના વિચારો વ્યક્ત કરવા રોકાય છે.

PHOTO • Sweta Daga

30 મી એપ્રિલ, 2023 ના રોજ ધર્મશાલામાં પહેલવહેલી પ્રાઈડ માર્ચ (ગૌરવ કૂચ) દરમિયાન એલજીબીટીક્યુઆઈએ+ સમુદાયના સમર્થનમાં એક સહભાગી પ્લેકાર્ડ પકડીને ઊભા છે

PHOTO • Sweta Daga

આયુષ શિમલામાં રહેતા 20 વર્ષના વિદ્યાર્થી છે. તેઓ કહે છે, 'અહીં [હિમાચલ પ્રદેશમાં] આ વિશે [ક્વિયર હોવા વિષે] કોઈ વાત કરતું નથી'

શશાંક હિમાચલ ક્વિયર ફાઉન્ડેશનના સહ-સ્થાપક છે અને કાંગડા જિલ્લાના પાલમપુર તહેસીલના એક ગામના રહેવાસી છે. શશાંક કહે છે, “મને હંમેશા મિસફિટ જેવું લાગતું હતું. આખરે સોશિયલ મીડિયા દ્વારા હું મારા જેવા જ પડકારોનો સામનો કરી રહેલા બીજા લોકોને મળ્યો - કેટકેટલા લોકો શરમ અથવા અપરાધભાવ અનુભવે છે. હું ડેટ્સ પર જતો ત્યારે પણ અમે બધા કેટલી એકલતા અનુભવીએ છીએ એ વિષે વાતચીત થતી. આ અનુભવો પરથી જ 2020 માં શશાંકે એક સમર્પિત નંબર સાથે કટોકટીને સમયે મદદ મેળવવા માટે એક હેલ્પલાઇન શરૂ કરી.

હિમાચલ પ્રદેશના વિવિધ ભાગોમાંથી 13 લોકોએ સાથે મળીને હિમાચલ ક્વિયર ફાઉન્ડેશન (એચકયુએફ) ની આયોજક સમિતિની રચના કરી. એચકયુએફના સહ-સ્થાપક ડોન કહે છે, "અમે બે અઠવાડિયામાં (પ્રાઈડ માર્ચની) બધી તૈયારી કરી છે."  તેઓ કોલકતાના છે. આયોજકોએ તૈયારીની શરૂઆત મેક્લોઈડગંજના સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી રેલીની પરવાનગી મેળવવાથી કરી હતી.

એ પછી એચકયુએફ એ સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ મૂકી, તેને ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો. આયોજકોમાંના એક મનીષ થાપા કહે છે, “પ્રાઈડમાં કૂચ કરવા માટે હિંમત જોઈએ. અમે અહીં [નાના-નાના નગરોમાં] આ મુદ્દા પર સંવાદ શરુ કરવા માગતા હતા,”

ડોન ઉમેરે છે કે આ કૂચ જાતિ અને વર્ગ (ના ભેદભાવ), ભૂમિહીનતા અને રાજ્યની બિન-નાગરિકતા વિરુદ્ધ એક થઈને કરાયેલી કૂચ હતી. જેમ કે એક પ્લેકાર્ડમાં લખ્યું હતું કે, 'નો ક્વિયર લિબરેશન વિધાઉટ કાસ્ટ એનિહિલેશન. (જાતિવ્યવસ્થાનો જડમૂળથી નાશ નહીં થાય ત્યાં સુધી સામાજિક રૂઢિઓમાંથી ક્વિયર સમુદાયની મુક્તિ શક્ય નથી.)  જય ભીમ!’

PHOTO • Sweta Daga

આયોજકો કહે છે કે ક્વિયર સમુદાયને સમર્થન દર્શાવવાની સાથોસાથ જાતિ અને વર્ગ (ના ભેદભાવ), ભૂમિહીનતા અને રાજ્યની બિન-નાગરિકતા વિરુદ્ધ એક થઈને કરાયેલી કૂચ કરી હતી

PHOTO • Sweta Daga

અનંત દયાલ, સાન્યા જૈન, મનીષ થાપા, ડોન હસર અને શશાંક (ડાબેથી જમણે) એ પ્રાઈડ માર્ચનું આયોજન કરવામાં મદદ કરી

રેલીના દિવસે રવિવાર હતો.  તે દિવસે પ્રાઈડ માર્ચે નગરના વેપારી વિસ્તારમાંથી ફરીને 90 મિનિટમાં 1.2 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. વચ્ચેવચ્ચે અવારનવાર તેઓ નૃત્ય કરવા અને ભાષણ કરવા રોકાયા હતા. તેઓએ કૂચ માટે આ જગ્યા અને આ માર્ગ કેમ પસંદ કર્યા એ પ્રશ્નના જવાબમાં મનીષ થાપાએ કહ્યું,, “[બજારમાં] લગભગ 300 નાની-નાની દુકાનો છે. મુખ્ય રસ્તાઓ પર કૂચ કરવી અમારા માટે મહત્વપૂર્ણ છે જેથી લોકો અમને જોઈ શકે."

ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટેનું નેશનલ પોર્ટલ દર્શાવે છે કે 2019 માં આ પોર્ટલ શરૂ થયું ત્યારથી માંડીને અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશે માત્ર 17 ટ્રાન્સ આઈડેન્ટિટી કાર્ડ (ઓળખપત્ર) જારી કર્યા છે.

ડોન કહે છે, "હિમાચલના કાંગડા જિલ્લામાં ટ્રાન્સ આઈડેન્ટિટી કાર્ડ ધરાવનાર હું પહેલી વ્યક્તિ હતો. તેઓ ઉમેરે છે, "એ કાર્ડ મેળવવામાં મને કેટકેટલી તકલીફો પડી હતી. (મને તો છેવટે કાર્ડ મળ્યું) પરંતુ જે લોકો તેમના અધિકારો શી રીતે મેળવવા એ જાણતા જ નથી તેમનું શું? નથી કોઈ રાજ્ય કલ્યાણ બોર્ડ; ક્યાં છે શેલ્ટર હોમ્સ (આશ્રય ગૃહો) અને કલ્યાણ યોજનાઓ? સરકારી અધિકારીઓ સંવેદનશીલ કેમ નથી?"

પ્રાઈડ માર્ચ જોઈ રહેલા ઘણા સ્થાનિકોમાં જાગૃતિનો અભાવ પણ જોવા મળ્યો હતો. કોતવાલી બજારમાં આકાશ ભારદ્વાજે એક દુકાન ભાડે રાખી છે, ત્યાં તેઓ ઈલેક્ટ્રોનિક્સ સામાન અને સ્ટેશનરી વેચે છે, તેઓ રેલી જોઈ રહ્યા હતા. તેઓ કહે છે, “મેં આવું પહેલીવાર જોયું અને તેઓ શું કરી રહ્યા છે એ મને બરોબર ખબર નથી, પરંતુ તેમને નૃત્ય કરતા જોઈને મને આનંદ થયો. મને એમાં કંઈ વાંધો નથી."

PHOTO • Sweta Daga
PHOTO • Sweta Daga

ડાબે: તિબેટના પહેલા ટ્રાન્સવુમન તેનઝીન મેરીકોએ આ પ્રાઈડ માર્ચમાં ભાગ લીધો હતો. જમણે: પૃષ્ઠભૂમિમાં રેલીના સહભાગીઓ સાથે ભગતસિંહની પ્રતિમા

છેલ્લા 56 વર્ષથી ધર્મશાલામાં રહેતા નવનીત કોઠીવાલાને નૃત્ય જોવાની મજા આવતી હતી. તેઓ કહે છે, "મેં આવું કંઈક પહેલી જ વાર જોયું, અને એ જોવાની મઝા પડે છે."

પરંતુ આ કૂચ શા માટે યોજવામાં આવી છે એ જાણ્યું ત્યારે તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો. તેઓ કહે છે, "મને નથી લાગતું કે આ યોગ્ય છે, તેઓએ આ કારણસર લડવું ન જોઈએ કારણ કે તેઓ જે માંગે છે તે કુદરતી નથી/તેમની માગણી કુદરતની વિરુદ્ધની છે - તેમને બાળકો શી રીતે થશે?"

ડોન કહે છે, "આ કૂચમાં મારિકો [તિબેટના પહેલા ટ્રાન્સવુમન] એ ભાગ લીધો તેનાથી અમે ખૂબ જ ખુશ હતા."

તિબેટિયન સાધુ ત્સેરિંગ કૂચને દલાઈ લામા મંદિર સુધી પહોંચતી જોઈ રહ્યા હતા. તેઓ કહે છે, "તેઓ તેમના અધિકારો માટે લડી રહ્યા છે અને બીજા ઘણા દેશોએ તેમના લોકોને આ [લગ્નના] અધિકારો આપ્યા છે, કદાચ ભારત માટે આ [લગ્નના] અધિકારો આપવાનો સમય આવી ગયો છે."

2018 માં કલમ 377 નાબૂદ કરવામાં આવી હોવા છતાં, સમલૈંગિક યુગલો માટે લગ્ન કરવા કાયદેસર નથી. ભારતની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવા અંગેની અરજીઓની સુનાવણી એપ્રિલ મહિનાની શરૂઆતમાં પૂરી કરી હતી અને હજી ચુકાદો આવવાનો બાકી છે.

મહિલા પોલીસ નીલમ કપૂર આ કાર્યક્રમ દરમિયાન ટ્રાફિકનું નિયમન કરી રહ્યા છે. તેઓ કહે છે, "પોતાના અધિકારો માટે લડવું એ સારી વાત છે. દરેક વ્યક્તિએ પોતાના ભલા માટે વિચારવું જોઈએ. ક્યાંકથી તો શરૂઆત કરવાની જ છે, તો અહીંથી જ કેમ નહીં?"

PHOTO • Sweta Daga

આયોજકોમાંના એક અનંત દયાલે ટ્રાન્સ અધિકારોના પ્રતીકરૂપ ધ્વજ પકડ્યો છે

PHOTO • Sweta Daga

ડોન હસર ( સફેદ સાડીમાં) કહે છે, ' અમે બે અઠવાડિયામાં ( પ્રાઈડ માર્ચની) બધી તૈયારી કરી છે'

PHOTO • Sweta Sundar Samantara

લોકો મુખ્ય બજારથી શરુ કરીને ધર્મશાલાની તિબેટિયન વસાહત મેક્લોઈડગંજમાં આવેલા દલાઈ લામા મંદિર તરફ કૂચ કરી ગયા હતા

PHOTO • Sweta Daga

પછીથી ધર્મશાલા નગરના ધમધમતા બજાર વિસ્તાર, કોતવાલી બજાર સુધી કૂચ ચાલુ રહી હતી

PHOTO • Sweta Daga

પ્રાઈડ કૂચના જોનારા શું થઈ રહ્યું છે સમજવાનો પ્રયાસ કરે છે. આયોજકોમાંના એક મનીષ થાપા કહે છે, ' મુખ્ય રસ્તાઓ પર કૂચ કરવી અમારા માટે મહત્વપૂર્ણ છે જેથી લોકો અમને જોઈ શકે'

PHOTO • Sweta Daga

મનીષ થાપા ( માઈક સાથે) પ્રાઈડ માર્ચ દરમિયાન ભાષણ કરે છે

PHOTO • Sweta Daga

પ્રાઈડ માર્ચના સહભાગીઓ નૃત્ય કરવા માટે રોકાય છે

PHOTO • Sweta Sundar Samantara

પ્રાઈડ માર્ચે 90 મિનિટમાં 1.2 કિલોમીટરનું અંતર કાપ્યું હતું

PHOTO • Sweta Daga

સાધુ ત્સેરિંગ પરેડ જોઈ રહ્યા છે. તેઓ કહે છે, ' તેઓ તેમના અધિકારો માટે લડી રહ્યા છે અને બીજા ઘણા દેશોએ તેમના લોકોને આ [ લગ્નના] અધિકારો આપ્યા છે, કદાચ ભારત માટે આ [લગ્નના] અધિકારો આપવાનો સમય આવી ગયો છે'

PHOTO • Sweta Daga

શશાંક ટ્રાફિકનું નિયમન કરી રહેલી પોલીસ મહિલા નીલમ કપૂર સાથે વાત કરી રહ્યા છે. નીલમ કહે છે, ' પોતાના અધિકારો માટે લડવું સારી વાત છે. દરેક વ્યક્તિએ પોતાના ભલા માટે વિચારવું જોઈએ'

PHOTO • Sweta Daga

ડોન હસર ( ઊભેલા) અને શશાંક ( બેઠેલા) હિમાચલ ક્વિયર ફાઉન્ડેશન ( એચક્યુએફ) ના સહ- સ્થાપક છે

PHOTO • Sweta Daga

ડોન હસર હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં ટ્રાન્સ આઈડેન્ટિટી કાર્ડ ધરાવનાર પહેલી વ્યક્તિ હતા. ' કાર્ડ મેળવવામાં મને કેટકેટલી તકલીફો પડી હતી.' કહી તેઓ પૂછે છે, ( મને તો છેવટે કાર્ડ મળ્યું) પરંતુ જે લોકો તેમના અધિકારો શી રીતે મેળવવા જાણતા નથી તેમનું શું?

PHOTO • Sweta Daga

કૂચ દરમિયાન પુલ પરથી એક પ્રાઈડ ફ્લેગ ( ગૌરવ ધ્વજ) લહેરાવવામાં આવ્યો છે

PHOTO • Sweta Daga

અહીં ભેગા થયેલા 300 લોકો દેશભરમાંથી - દિલ્હી, ચંદીગઢ, કોલકાતા, મુંબઈ અને હિમાચલ પ્રદેશના નાના- નાના નગરોમાંથી કૂચનો ભાગ બનવા માટે આવ્યા હતા. કૂચ અંગેની માહિતી તેમને થોડા સમય પહેલા મળી હતી

PHOTO • Sweta Daga

ક્વિયર સમુદાયના સમર્થનમાં કૂચમાં પ્રદર્શિત કરાયેલા થોડા પોસ્ટરો

PHOTO • Sweta Daga

કૂચમાં ભાગ લેનારા કેટલાક લોકો સાથેનો ગ્રૂપ ફોટો

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Sweta Daga

Sweta Daga is a Bengaluru-based writer and photographer, and a 2015 PARI fellow. She works across multimedia platforms and writes on climate change, gender and social inequality.

Other stories by Sweta Daga
Editors : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Editors : Sanviti Iyer

Sanviti Iyer is Assistant Editor at the People's Archive of Rural India. She also works with students to help them document and report issues on rural India.

Other stories by Sanviti Iyer
Photo Editor : Binaifer Bharucha

Binaifer Bharucha is a freelance photographer based in Mumbai, and Photo Editor at the People's Archive of Rural India.

Other stories by Binaifer Bharucha
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik