“મહોર  સુકાઈ રહ્યાં છે.”

માર્ચ 2023ની એક હૂંફાળી સવાર છે અને મરુદુપુડ્ડી નાગરાજુ પોમુલા ભીમવરમ ગામમાં તેમની ત્રણ એકર કેરીની (મેંગીફેરા ઇન્ડિકા) વાડીને તપાસી રહ્યા છે.

આંધ્ર પ્રદેશના અનકાપલ્લી જિલ્લામાં તેમની આંખો સામે કદાવર બંગનપલ્લી, રસદાર ચરકુ રસાલુ, મોટા પ્રમાણમાં ખવાતી કાચી તોતાપુરી અને પ્રખ્યાત પંડુરી મામીડી જેવી સ્થાનિક જાતોના 150 વૃક્ષો ઊભા છે.

તેમની વાડીમાં આંબાના ઝાડ કથ્થાઈ−પીળા રંગના કેરીના મહોર થી ઢંકાયેલા હતા. જો કે, આ 62 વર્ષીય ખેડૂત માટે તે સુખદ દૃશ્ય નહોતું − તેઓ કહે છે કે કેરીના મહોર  મોડેથી ખીલ્યા છે. નાગરાજુ કહે છે, “મહોર  સંક્રાતિ [જાન્યુઆરીના મધ્યમાં આવતા તહેવાર] સુધીમાં ખીલી જવા જોઈતા હતા, પરંતુ આવું થયું નહોતું. તેમની ખિલવાની શરૂઆત છેક ફેબ્રુઆરીમાં થઈ હતી.”

અને આ ફળ માર્ચ સુધીમાં લીંબુ જેટલા કદના થઈ જવા જોઈતા હતા. “જો મહોર  નહીં થાય, તો કેરીઓ નહીં થાય, અને ફરી પાછી આ વર્ષે મારે કમાણી નહીં થાય.”

PHOTO • Amrutha Kosuru
PHOTO • Amrutha Kosuru

મરુદુપુડ્ડી નાગરાજુ (ડાબે) અનકાપલ્લી જિલ્લાના પોમુલા ભીમવરમ ગામમાં કેરીની ખેતી કરે છે. તેમનું કહેવું છે કે યોગ્ય સિંચાઈના અભાવે ન પાકેલા ફળો ખરી રહ્યા છે (જમણે)

નાગરાજુની ચિંતા સમજી શકાય તેવી છે. દૈનિક મજૂરી કરતા આ કામદાર માટે તેમની વાડી એ મહેનતથી જીતેલા સ્વપ્ન સમાન છે. આંધ્ર પ્રદેશમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ માડીગા સમુદાયના આ સભ્યને આ જમીન લગભગ 25 વર્ષ પહેલાં રાજ્ય સરકાર દ્વારા સોંપવામાં આવી હતી. આવું રાજ્ય સરકાર દ્વારા આંધ્ર પ્રદેશ જમીન સુધારા (ખેત જમીન ટોચમર્યાદા) અધિનિયમ, 1973 હેઠળ જમીન વિહોણા લોકોમાં જમીનનું પુનઃવિતરણ કરીને કરવામાં આવ્યું હતું.

જ્યારે જૂનમાં કેરીની મોસમ પૂરી થાય છે ત્યારે તેઓ નજીકના ગામોમાં શેરડીના ખેતરોમાં દૈનિક મજૂરીનું કામ કરવા જાય છે. જ્યારે તેમને કામ મળે છે ત્યારે તેઓ રોજના 350 રૂપિયા કમાય છે. તેઓ મનરેગા હેઠળ પણ કામ કરે છે, અને વર્ષમાં 70−75 દિવસ તળાવો ઊંડા કરવા, ખાતર નાખવું, અને અન્ય મજૂરીના કામ કરે છે. તેમને એક દિવસના કામ બદલ 230 થી 250 રૂપિયા મળે છે.

જ્યારે નાગરાજુ પહેલ વહેલી વખત જમીનના માલિક બન્યા હતા, ત્યારે તેમણે હળદર ઉગાડી હતી, પરંતુ લગભગ પાંચ વર્ષ પછી વધુ સારા નફાની આશામાં તેઓ કેરીની ખેતી તરફ વળ્યા હતા. મબલખ પાકના સુખદ દિવસોને યાદ કરતાં તેઓ કહે છે, “જ્યારે મેં [20 વર્ષ પહેલાં] આની શરૂઆત કરી હતી ત્યારે મને દરેક ઝાડમાંથી 50−75 કિલો કેરી મળતી હતી.” તેઓ ઉમેરે છે, “મને કેરી ખૂબ ગમે છે, ખાસ કરીને તોતાપુરી.”

આંધ્રપ્રદેશ દેશનું બીજા ક્રમનું સૌથી મોટું કેરી ઉગાડતું રાજ્ય છે. રાજ્યના બાગાયત વિભાગના કહેવા પ્રમાણે, આ ફળ અંદાજે 3.78 લાખ હેક્ટર વિસ્તારમાં ઉગાડવામાં આવે છે અને 2020−21માં તેનું વાર્ષિક ઉત્પાદન 49.26 લાખ મેટ્રિક ટન થયું હતું.

પોમુલા ભીમવરમ ગામ એ કૃષ્ણા અને ગોદાવરી નદીઓ વચ્ચેના ખેતીની જમીનના પટ્ટામાં આવેલું છે, તે ભારતના પૂર્વ કિનારે જ્યાં તેઓ બંગાળની ખાડીમાં ખાલી થાય છે તેનાથી વધારે દૂર નથી. કેરીના મહોર ને ઓક્ટોબર−નવેમ્બરમાં ઠંડી અને ભેજની જરૂર પડે છે અને સામાન્ય રીતે તેમાં ડિસેમ્બર−જાન્યુઆરીમાં ફળ દેખાવા લાગે છે.

પરંતુ, બેંગલુરુમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ હોર્ટિકલ્ચરલ રિસર્ચ (IIHR)ના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. એમ. શંકરન જણાવે છે કે, “છેલ્લા પાંચ વર્ષમાં ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન કમોસમી વરસાદ વધ્યો છે.”

PHOTO • Amrutha Kosuru
PHOTO • Amrutha Kosuru

નાગરાજુના ખેતરમાં (જમણે) આંબાનાં મહોર  આ વર્ષે મોડા ખીલ્યા હતા. પાણીની અછત અને કમોસમી ગરમીને કારણે ઘણા મહોર  ઉપર (ડાબે) સુકાઈ ગયા હતા

કેરી ઉઘાડતા આ ખેડુત કહે છે કે તેમણે કમોસમી ગરમીના લીધે મહોર ને સુકાઈ જતા જોયા છે, જેના કારણે ઉપજમાં મોટો ઘટાડો થયો છે. તેઓ કહે છે, “કેટલીકવાર, એક ઝાડમાંથી એક પેટી [120−150 કેરી] જેટલી કેરીઓ પણ નથી મળતી. ઉનાળા દરમિયાન આવેલાં વાવાઝોડાં પણ [લગભગ તૈયાર] ફળોને નુકસાન પહોંચાડે છે.”

ખાતર, જંતુનાશકો અને મજૂરી પાછળ થતા ખર્ચને આવરી લેવા માટે, નાગરાજુ છેલ્લા કેટલાક વર્ષોથી નિયમિતપણે 1 લાખ રૂપિયાની લોન લઈ રહ્યા છે. તેઓ આ રકમ એક ખાનગી શાહુકાર પાસેથી 32 ટકાના વાર્ષિક વ્યાજદરે લે છે. તેમની વાર્ષિક કમાણી આશરે 70,000 થી 80,000 રૂપિયા છે, જેમાંથી થોડોક ભાગ જૂન મહિનામાં શાહુકારને ચૂકવવામાં વપરાય છે. પરંતુ ઉપજ ઘટવાથી તેઓ ચિંતા કરે છે કે તેઓ આ ચૂકવણી પણ કરી શકશે કે કેમ; ગમે તે થાય તેમ છતાં તેઓ ઉતાવળમાં કેરીની ખેતી કરવાનું બંધ કરવા માગતા નથી.

*****

તેમના પડોશી, કાંટમરેડ્ડી શ્રીરામમૂર્તિ તેમણે હાથમાં પકડેલા એક આછા પીળા ફૂલને હલાવે છે. લગભગ સૂકાઈ ગયેલા તે ફૂલના તરત જ ટૂકડે ટૂકડા થઈ જાય છે.

આ જ ગામમાં તેમને 1.5 એકર વિસ્તારમાં ફેલાયેલી કેરીની વાડી છે, જેમાં તેઓ બંગનપલ્લી, ચરકુ રસાલુ, અને સુવર્ણરેખા જાતના 75 ઝાડ છે. તેઓ નાગરાજુ સાથે સહમત થઈને કહે છે કે કેરીના મહોર  ખરેખર ઘટી રહ્યા છે. આંધ્ર પ્રદેશમાં અન્ય પછાત વર્ગ તરીકે સૂચિબદ્ધ તુર્પુ કાપુ સમુદાયના આ ખેડૂત કહે છે, “આવું થવા પાછળનું મુખ્ય કારણ છે, ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન વારંવાર થતો કમોસમી વરસાદ, જે છેલ્લા પાંચ વર્ષમાં વધ્યો છે.” તેઓ જુલાઈ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન તેમના એક સંબંધીના શેરડીના ખેતરમાં કામ કરે છે અને તે કામ માટે દર મહિને 10,000 રૂપિયા કમાય છે.

આ વર્ષે (2023) માર્ચ મહિનામાં, શ્રીરામમૂર્તિની કેરીના મહોર  અને ફળો વાવાઝોડાથી ખરી પડ્યા હતા. મહોર  અને ફળની ભારે તારાજી સર્જનારા વરસાદ સાથે આવેલા ભારે વાવાઝોડાનો ઉલ્લેખ કરીને તેઓ કહે છે, “ઉનાળાનો વરસાદ આંબાના ઝાડ માટે સારો હોય છે. પરંતુ આ વર્ષે તે જરૂર કરતાં વધારે હતો.”

PHOTO • Amrutha Kosuru
PHOTO • Amrutha Kosuru

કાંટમરેડ્ડી શ્રીરામમૂર્તિ (ડાબે)એ 2014માં કેરીની ખેતી કરવાનું શરૂ કર્યું હતું. તેમના ખેતરમાં (જમણે) કેરીના મહોર  પણ સુકાઈ રહ્યા છે

બાગાયત વૈજ્ઞાનિક શંકરન કહે છે કે કેરીના મહોર  ખીલવા માટેનું આદર્શ તાપમાન 25−30 ડિગ્રી સેલ્સિયસ હોય છે. તેઓ ઉમેરે છે, “ફેબ્રુઆરી 2023માં, દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચે નોંધપાત્ર તફાવત હતો. વૃક્ષો માટે આ સારી બાબત નથી.”

છેલ્લા કેટલાંક વર્ષોમાં કેરીની ખેતી માટેની પરિસ્થિતિઓ અનુકૂળ ન રહેવાથી, શ્રીરામમૂર્તિને 2014માં તેમણે લીધેલા નિર્ણય બદલ અફસોસ થવા લાગ્યો છે. તે વર્ષે, તેમણે અનકપલ્લી શહેરની નજીક 0.9 એકર જમીન વેચીને તેમાંથી છ લાખ રૂપિયા પોમુલા ભીમવરમમાં કેરીની એક વાડી ખરીદવા માટે પેટ્ટુબડી (રોકાણ) તરીકે આપ્યા હતા.

આવું કરવા પાછળનું કારણ સમજાવતા તેઓ કહે છે, “બધાને કેરીઓ ગમે છે, અને તેમની માંગ પણ છે. મને આશા હતી કે કદાચ કેરીની ખેતીથી [આખરે] મને પૂરતા પૈસા મળશે.”

જો કે, તેઓ કહે છે કે ત્યારથી તેઓ નફો કરી શક્યા નથી. શ્રીરામમૂર્તિ કહે છે, “2014 અને 2022ની વચ્ચેના આઠ વર્ષમાં મળીને કેરીની ખેતીમાંથી મારી કુલ આવક છ લાખ રૂપિયાથી વધારે નથી થઈ.” પોતાની જમીન વેચવાના નિર્ણય પર અફસોસ વ્યક્ત કરતાં તેઓ કહે છે, “મેં જે જમીન વેચી હતી તેની કિંમત હવે ઘણી વધારે છે. મેં કેરીની ખેતી કરવાનું શરૂ ન કર્યું હોત તો સારું હતું.”

ફક્ત ખરાબ હવામાન જ આના પાછળ જવાબદાર નથી. આંબાના વૃક્ષો સાગુ નીરુ (સિંચાઈ) પર પણ આધાર રાખે છે, અને નાગરાજુ કે શ્રીરામમૂર્તિ બેમાંથી એકેયની વાડીમાં પાણીના બોરવેલની સુવિધા નથી. 2018માં, શ્રીરામમૂર્તિએ બોરવેલ ખોદવા માટે 2.5 લાખ રૂપિયા ખર્ચ્યા હતા, પરંતુ તેમાંથી પાણીનું એક ટીપું ય નહોતું નીકળ્યું. બુચ્ચિયાપેટા (જેને બુચ્ચયપેટા પણ કહેવાય છે) મંડળમાં, કે જ્યાં નાગરાજુ અને શ્રીરામમૂર્તિની વાડીઓ આવેલી છે, ત્યાં સત્તાવાર રીતે 35 બોરવેલ અને 30 ખુલ્લા કૂવા છે.

શ્રીરામમૂર્તિ કહે છે કે વૃક્ષોને પાણીનો સતત પુરવઠો આપવાથી મહોર  સુકાઈ જવાની સમસ્યાને ઉકેલી શકાય છે. તેઓ અઠવાડિયામાં બે ટેન્કર પાણી પણ ખરીદે છે જેના માટે તેમણે મહિનામાં 10,000 રૂપિયા ખર્ચ થાય છે. શ્રીરામમૂર્તિ કહે છે, “દરેક ઝાડને દરરોજ ઓછામાં ઓછું એક લિટર પાણી જોઈએ છે. પરંતુ હું તેમને અઠવાડિયામાં માત્ર બે વાર જ પાણી આપું છું.”

પોતાના આંબાના ઝાડને પાણી આપવા માટે, નાગરાજુ અઠવાડિયામાં બે ટેન્કર ખરીદે છે, અને દરેક માટે 8,000 રૂપિયા ચૂકવે છે.

PHOTO • Amrutha Kosuru
PHOTO • Amrutha Kosuru

ડાબે: વલ્વીરેડ્ડી રાજુની વાડીમાં 2021માં વાવેલા કેરીના ઝાડ તેમના કરતાં સહેજે ઊંચા છે. જમણે: લીંબુના કદની કેરી જે મોડા ફૂલ આવવાને કારણે નીચે પડી ગઈ છે

PHOTO • Amrutha Kosuru
PHOTO • Amrutha Kosuru

ડાબે: તેમના ખેતરમાં બોરવેલ ન હોવાથી, નાગરાજુ ટેન્કરોમાંથી પાણી મેળવે છે જેને તેઓ તેમના ખેતરોમાં વાદળી રંગના ડ્રમમાં સંગ્રહે છે. જમણે: રાજુના ખેતરમાં પણ બોરવેલ નથી. આંબાની સંભાળ લેવા માટે સિંચાઈ પાછળ તેઓ એક વર્ષમાં 20,000 રૂપિયા જેટલો ખર્ચ થાય છે

વલ્વીરેડ્ડી રાજુ નવેમ્બરથી અઠવાડિયામાં એક વાર તેમના ઝાડને પાણી આપવાનું શરૂ કરે છે અને ફેબ્રુઆરી મહિના પછીથી તેને વધારીને અઠવાડિયામાં બે વાર પાણી પાવે છે. 45 વર્ષીય વલ્વીરેડ્ડી રાજુ કેરીની ખેતી કરવામાં ગામમાં પ્રમાણમાં નવા ખે, તેમણે તેમની 0.7 એકર જમીનમાં કેરીની ખેતી 2021માં કરી હતી. બે વર્ષ પછી વૃક્ષો રાજુ કરતાંય થોડાં ઊંચે પહોંચી ગયાં છે. તેઓ કહે છે, “નાના આંબાને વધુ કાળજીની જરૂર હોય છે. તેમને દરરોજ લગભગ બે લિટર પાણીની જરૂર પડે છે, ખાસ કરીને ઉનાળામાં.”

તેમના ખેતરમાં એકે બોરવેલ નથી અને તેથી રાજુએ સિંચાઈ પાછળ લગભગ 20,000 રૂપિયા ખર્ચવા પડે છે, જેમાંથી લગભગ અડધો ખર્ચ તેમના ખેતરમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં થાય છે. તેઓ કહે છે કે તેમને તેમના ઝાડને દરરોજ પાણી આપવું પોસાય તેમ નથી. “જો હું દરરોજ આંબાના બધા 40 વૃક્ષોને પાણી આપું, તો મારે મારી માલિકીની દરેક વસ્તુ વેચવાની નોબત આવી શકે છે.”

તેમને આશા છે કે તેમનું ત્રણ વર્ષ પહેલાં કરેલું રોકાણ ફળશે. તેઓ કહે છે, “હું જાણું છું કે મને નફો તો નહીં જ થાય, પરંતુ હું આશા રાખું છું કે મારે નુકસાન વેઠવાનું ન આવે તો સારું છે.”

*****

ગયા મહિને, (એપ્રિલ 2023માં), નાગરાજુ લગભગ 3,500 કિલોગ્રામ અથવા આશરે 130−140 પેટી કેરીની લણણી કરવામાં સફળ રહ્યા હતા. વિશાખાપટ્ટનમના વેપારીઓએ તેમને કિલોગ્રામ દીઠ 15 રૂપિયા આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો; તેઓ પહેલી લણણીમાંથી 52,500 રૂપિયા કમાઈ શક્યા હતા.

તેઓ કહે છે, “મેં બે દાયકા પહેલાં જ્યારથી કેરીની ખેતી કરવાનું શરૂ કર્યું હતું, ત્યારથી તેના વેચાણનો ભાવ 15 રૂપિયે કિલો બદલાયો નથી.” બજારના એસ્ટેટ ઓફિસર પી. જગદેશ્વર રાવ કહે છે, “વિશાખાપટ્ટનમમાં મધુરવાડા રાયતુ બજારમાં એક કિલો બંગનપલ્લી કેરીનો ભાવ હાલમાં 60 રૂપિયા છે. આખા ઉનાળા દરમિયાન તેની કિંમત 50− 100 રૂપિયા વચ્ચે બદલાતી રહે છે.”

PHOTO • Amrutha Kosuru
PHOTO • Amrutha Kosuru

ડાબે: નાગરાજુના ખેતરમાં આંબાનાં મહોર  સુકાયા નથી અને સારી સ્થિતિમાં છે. જમણે: લીલી અને ગોળાકાર પંડુરી મામીડી તેમની પ્રિય કેરી છે

શ્રીરામમૂર્તિને વર્ષની પ્રથમ લણણીમાં 1,400 કિલો કેરી મળી છે. તેમણે તેમાંથી તેમની દીકરીઓ માટે બે−ત્રણ કિલો કેરી અલગ રાખી દીધી છે. બાકીની કેરીઓને તેઓ વિશાખાપટ્ટનમના વેપારીઓને આશરે 11 રૂપિયે કિલોના ભાવે વેચી દેશે. તેઓ પોતે શા માટે તેનો છૂટલ વેપાર નથી કરી શકતા તે સમજાવતાં તેઓ કહે છે, “સૌથી નજીકનું બજાર 40 કિમી દૂર આવેલું છે.”

પોમુલા ભીમવરમના કેરીના ખેડૂતો તેમની વાર્ષિક આવકની ગણતરી કરવા માટે જૂનમાં બીજી ઉપજ આવવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ નાગરાજુ બહુ આશાવાદી નથી. તેઓ કહે છે, “આમાં કોઈ નફો નથી થતો, ફક્ત નુકસાન જ થાય છે.”

મહોર થી છલોછલ એક ઝાડ તરફ વળતાં તેઓ ઉમેરે છે, “અત્યાર સુધીમાં આ ઝાડ પર આટલા કદના [હથેળીના કદના] ફળો આવી જવા જોઈતા હતા.” તે તેમની મનપસંદ કેરી છે − લીલી અને ગોળાકાર પંડુરી મામીડી.

તેઓ ઝાડ પરનાં થોડાં ફળોમાંથી એક તોડીને કહે છે, “આના જેટલી મીઠી કેરી બીજી કોઈ નથી. તે દેખાવમાં લીલી હોય ત્યારે પણ તે સ્વાદમાં લીલી હોય છે; આ તેની વિશેષતા છે.”

આ વાર્તાને રંગ દે ના અનુદાનનું સમર્થન મળેલ છે.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Amrutha Kosuru

Amrutha Kosuru is a 2022 PARI Fellow. She is a graduate of the Asian College of Journalism and lives in Visakhapatnam.

Other stories by Amrutha Kosuru
Editor : Sanviti Iyer

Sanviti Iyer is Assistant Editor at the People's Archive of Rural India. She also works with students to help them document and report issues on rural India.

Other stories by Sanviti Iyer
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad