નાગપુર ગ્રામીણ (મહારાષ્ટ્ર): બાકીનો પ્રદેશ જયારે 47 ડિગ્રી તાપમાન હેઠળ ધીખતો હોય ત્યારે પણ અહીં ઠંડી હોય છે. અમારાથી થોડે દૂર એક જગ્યા છે જ્યાંનું તાપમાન તો માઇનસ 13 ડિગ્રી પર અટકેલું છે. બળબળતા વિદર્ભમાં આવેલો આ “ભારતનો પહેલો સ્નોડોમ” છે.  માત્ર એ બરફના પટને (આઈસ રિંક) પીગળતો રોકવા માટે રોજના 4,000 રૂપિયા વીજળીના બળતણ પાછળ જાય છે.

નાગપુર (ગ્રામીણ) જિલ્લાની બજારગાંવ ગ્રામ પંચાયતના ફન એન્ડ ફૂડ વિલેજ વોટર એન્ડ એમ્યુઝમેન્ટ પાર્કમાં આપનું સ્વાગત છે. મહાત્મા ગાંધીનો એક ફોટો વિશાળ સંકુલની આ ઓફિસમાં મુલાકાતીઓને આવકારે છે. અને તમને ખાતરી આપવામાં આવે છે રોજેરોજ ડિસ્કો, આઈસ સ્કેટિંગ, આઈસ સ્લાઈડિંગ અને 'કોકટેલ્સથી છલકાતા બાર'ની મઝાની. 40-એકરના  પાર્કમાં 18 પ્રકારની વોટર સ્લાઇડ્સ અને રમતો છે. કોન્ફરન્સથી લઈને કીટી પાર્ટીઓ સુધીના કાર્યક્રમો ગોઠવી શકાય એવી અહીં સગવડો પણ છે.

લગભગ 3000 માણસોની વસ્તીવાળા બઝારગાંવ ગામ પોતે જ એક વિશાળ જળ સંકટનો સામનો કરી રહ્યું છે. સરપંચ યમુનાબાઈ ઉઇકે કહે છે, "પાણી માટે સ્ત્રીઓને  દરરોજ એકથી વધુ વાર 15 કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે. આ આખા ગામમાં ગણીને એક સરકારી કૂવો છે. કેટલીકવાર તો અમને ચાર-પાંચ દિવસે એકવાર પાણી મળે છે.  તો કોઈવાર દસ દિવસમાં એકવખત."

2004માં બઝારગાંવને પાણીની તંગીવાળો અછતગ્રસ્ત પ્રદેશ જાહેર કરાવામાં આવેલો છે.  આ ગામે આ પહેલાં ક્યારેય આવી સ્થિતિનો ક્યારેય સામનો કર્યો ન હતો. આ ગામના ભાગમાં છ કલાક કે એથી વધુ સમયના પાવર કટ પણ લગભગ મે મહિના સુધી હતા. આ બધાની અસર આરોગ્યથી લઈને, પરીક્ષા આપતા બાળકોને થતી હેરાનગતિ સુધી  દૈનિક જીવનના દરેક પાસાઓ પર પડી. 47 ડિગ્રી સુધી પહોંચતા ઉનાળાની ગરમીના પારાને કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી હતી.

ગ્રામીણ જીવનના આ બધા લોખંડી નિયમો ફન એન્ડ ફૂડ વિલેજમાં લાગુ પડતા નથી. અહીંના ખાનગી જળાશયમાં બઝારગાંવ સ્વપ્ને પણ ના વિચારી શકે એટલું પાણી છે.  અને અહીં અવિરત વીજળીનો પૂરવઠો ક્યારેય એક ક્ષણ માટે પણ અટકતો નથી. પાર્કના જનરલ મેનેજર જસજીત સિંઘ કહે છે, “અમે મહિનાના લગભગ 4 લાખ વીજળીના બિલમાં ચૂકવીએ છીએ."

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

ડાબે: નાગપુર (ગ્રામીણ)જિલ્લાના બઝારગાંવમાં ફન એન્ડ ફૂડ વિલેજ વૉટર એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક. જમણે: સ્નોડોમની અંદર

આ એક પાર્કનું માસિક વીજળી બિલ લગભગ આખી યમુનાબાઈની ગ્રામ પંચાયતની વાર્ષિક આવકની બરાબર છે. વ્યંગ કહો તો વ્યંગ પણ આ ગામની વીજળીનું સંકટ આ પાર્કને કારણે થોડું ઘટ્યું છે. કારણ બંનેનું સબ-સ્ટેશન એક જ છે. ઉદ્યાન માટેનો સૌથી વ્યસ્ત  સમયગાળો મે મહિનાથી શરૂ થાય છે. અને એટલે જ  ત્યારથી પરિસ્થિતિ થોડી સુધરી છે. ગ્રામ પંચાયતની આવકમાં પાર્કનો ફાળો વર્ષે રૂ. 50,000 નો છે. આ રકમ જે ફન એન્ડ ફૂડ વિલેજ તેના રોજના 700 દૈનિક મુલાકાતીઓ પાસેથી એક દિવસમાં ગેટ પર જેટલા પૈસા એકઠા કરે છે તેનાથી અડધા ભાગની છે.  પાર્કના 110 કામદારોમાંથી માંડ એકાદ ડઝન લોકો બઝારગાંવના રહેવાસીઓ છે.

પાણીની અછતથી ગ્રસ્ત વિદર્ભમાં આવા વોટર પાર્ક અને મનોરંજન કેન્દ્રોની સંખ્યા વધી રહી છે. શેગાંવ, બુલધાનામાં, એક ધાર્મિક ટ્રસ્ટ એક વિશાળ “ધ્યાન કેન્દ્ર અને મનોરંજન પાર્ક” ચલાવે છે. એ કેન્દ્રની અંદર 30 એકરનું 'કૃત્રિમ તળાવ' રાખવાના પ્રયાસો પુષ્કળ પાણી વેડફ્યા બાદ  આ ઉનાળામાં સૂકાઈ ગયા. અહીં પ્રવેશ ટિકિટને  "દાન" તરીકે ઓળખવામાં આવે છે. યવતમાલમાં એક ખાનગી કંપની સહેલાણીઓ માટે થઈને એક  જાહેર તળાવ ચલાવે છે. અમરાવતીમાં આવા બે કે તેથી વધુ સ્થળો છે (હમણાં સુકાઈ ગયેલા). અને નાગપુર અને તેની આસપાસ બીજાં વધારે છે.

આ બધું એવા પ્રદેશમાં છે જ્યાંના  ગામડાઓને ક્યારેક 15 દિવસમાં એકવાર પાણી મળતું હોય છે. અને મહારાષ્ટ્રના આ પ્રદેશમાં ચાલી રહેલા કૃષિ સંકટને કારણે અહીં રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં ખેડૂતો આત્મહત્યા કરતા જોવા મળ્યા છે. નાગપુર સ્થિત પત્રકાર જયદીપ હાર્ડિકર, જેમણે વર્ષોથી આ પ્રદેશને એમના લખાણોમાં આવરી લીધો છે, તેઓ કહે છે, "વિદર્ભમાં દાયકાઓથી  પીવાના પાણીનો કે સિંચાઈનો કોઈ મોટો પ્રોજેક્ટ પૂરો થયો નથી."

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

બુલધાનાના શેગાંવમાં એક ધાર્મિક ટ્રસ્ટ એક વિશાળ ધ્યાન કેન્દ્ર અને મનોરંજન પાર્ક ચલાવે છે. તેના મેદાનમાં તેમણે 30 એકરનું કૃત્રિમ જળાશય બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પુષ્કળ પાણીના બગાડ બાદ છેવટે જળાશય ટૂંક સમયમાં સૂકાઈ ગયું

જસજીત સિંહ અવશ્ય મને છે કે ફન એન્ડ ફૂડ વિલેજ પાણીનો બચાવ કરે છે. "એના એ જ પાણીનો પુનઃઉપયોગ કરવા માટે અમે અત્યાધુનિક ફિલ્ટર પ્લાન્ટનો ઉપયોગ કરીએ છીએ." પરંતુ આ ગરમીમાં બાષ્પીભવનનું પ્રમાણ ઘણું ઊંચું હોય છે. વળી પાણીનો ઉપયોગ માત્ર રમતો માટે જ નથી થતો. તમામ ઉદ્યાનો તેમના બગીચાઓની જાળવણી, સ્વચ્છતા તેમજ  તેમના ગ્રાહકો માટે મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરે છે.

બુલધાનામાં વિનાયક ગાયકવાડ કહે છે, "આ પાણી અને પૈસા બંનેનો ભયંકર બગાડ છે." તેઓ આ જિલ્લાના ખેડૂત અને કિસાન સભાના નેતા છે. આ બધામાં જાહેર સંસાધનોનો ઉપયોગ ખાનગી નફો વધારવા માટે થાય છે એ વાતથી ગાયકવાડ ખૂબ ગુસ્સે છે. "તેને બદલે લોકોની મૂળભૂત પાણીની જરૂરિયાતો પૂરી કરવી જોઈએ."

પેલી તરફ બઝારગાંવમાં, સરપંચ યમુનાબાઈ ઉઇકે ફન એન્ડ ફૂડ વિલેજ કે બીજાઓ દ્વારા જરાય પ્રભાવિત નથી. એમના માટે આ બધા ઉદ્યોગોએ લીધું છે ઘણું પણ આપ્યું બહુ ઓછું  છે. "આ બધામાં આપણા માટે શું છે?" તે જાણવા માંગે છે. તેમના ગામ માટે પ્રમાણભૂત સરકારી પાણીનો પ્રોજેક્ટ મેળવવા માટે પંચાયતે કુલ ખર્ચના 10 ટકા ભોગવવા પડશે. તે થાય લગભગ રૂ. 4.5 લાખ. “આપણને  આટલા રૂપિયા  કેવી રીતે પરવડી શકે? 4,50,000? અમારી હાલત તો જુઓ.” એટલે જ આ જાતના  પ્રોજેક્ટનું કામ કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું છે. પરંતુ તેનો અર્થ ગામના અત્યંત ગરીબ અને જામીનવિહોણાં લોકો માટે લાંબા ગાળે વધુ ખર્ચ અને ઓછું નિયંત્રણ હશે.

અમે વિદાય લઇ રહ્યા છીએ ત્યારે પણ પેલા પાર્કમાં ગાંધીજીનું ચિત્ર હજુ પણ ઓફિસની બહાર મલકે  છે જાણે પાર્કિંગની સામેના 'સ્નોડોમ' તરફ જોઈને. આ માણસના ભાગ્યની વિચિત્રતા તો જુઓ જેણે કહ્યું હતું: "લીવ સિમ્પલી, ધેટ ઓધરસઃ માઇટ સિમ્પલી લીવ. [જીવન માત્ર સાદગીથી જીવો, જેથી અન્ય લોકો પણ જીવી શકે]."

આ લેખ મૂળ 22 જૂન, 2005ના રોજ ધ હિન્દુમાં છપાયો હતો. પી. સાઈનાથ તે સમયે હિન્દૂના ગ્રામીણ અફેર્સ એડિટર હતા.

અનુવાદ : પ્રતિષ્ઠા પંડ્યા

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought'.

Other stories by P. Sainath
Translator : Pratishtha Pandya

Pratishtha Pandya is a poet and a translator who works across Gujarati and English. She also writes and translates for PARI.

Other stories by Pratishtha Pandya