"મને આખા વરસમાં એક દિવસ આવો મળે."

સ્વપ્નાલી દત્તાત્રેય જાધવ 31 ડિસેમ્બર, 2022ની ઘટનાઓનો ઉલ્લેખ કરી રહ્યા છે. મરાઠી ફિલ્મ વેદ તાજેતરમાં જ સિનેમા હોલમાં પ્રદર્શિત થઈ હતી. કેટલાક જાણીતા ચહેરાઓ સાથેની આ ભાવનાપ્રધાન  ફિલ્મે રાષ્ટ્રીય સ્તરે પ્રેક્ષકોનું ધ્યાન ખેંચ્યું ન હતું. પરંતુ ઘરેલુ નોકર સ્વપ્નાલી માટે એ રજાના દિવસે - આખા વર્ષમાં મળતા રજાના માત્ર બે દિવસમાંથી એક દિવસે – એ ફિલ્મ જોવાનું પસંદ કર્યું હતું.

23 વર્ષના સ્વપ્નાલી તેમના રજાના દિવસને યાદ કરતાં કહે છે, “એ દિવસે નવું વર્ષ હતું એટલે. અમે ગોરેગાંવમાં ક્યાંક બહાર જમ્યા પણ હતા.”

મુંબઈમાં છ ઘરોમાં કલાકોના કલાકો સુધી વાસણો માંજતા, કપડાં ધોતા અને ઘરનાં બીજા કામો કરતા સ્વપ્નાલીનું (આ બે રજાના દિવસો સિવાય) બાકીનું આખુંય વરસ મહેનત માગી લેતા એકસરખા કંટાળાજનક રોજિંદા કામકાજમાં પસાર થઈ જાય છે. પરંતુ એક ઘેરથી બીજા ઘેર પહોંચવાની ભાગદોડમાં - વચ્ચે જે 10-15 મિનિટ ફુરસદનો સમય મળે તેમાં તેઓ પણ તેમના ફોન પર મરાઠી ગીતો સાંભળે છે.  એ થોડીક ક્ષણોમાં તેમને મળતો આનંદ યાદ કરતા હસીને કહે છે, "એ (ગીતો) સાંભળીને મારો થોડો સમય (આનંદમાં) પસાર થઈ જાય છે."

PHOTO • Devesh
PHOTO • Devesh

સ્વપ્નાલી જાધવ મુંબઈમાં ઘરેલુ નોકર તરીકે કામ કરે છે. એક ઘેરથી બીજા ઘેર પહોંચવાની ભાગદોડ વચ્ચે તેઓ તેમના ફોન પર ગીતો સાંભળવાનો આનંદ લે છે

નીલમ દેવીના મતે ફોનને કારણે (સતત કામમાંથી) મનને થોડી રાહત મળી રહે છે. 25 વર્ષના નીલમ કહે છે, "જ્યારે પણ સમય મળે ત્યારે મોબાઈલ [ફોન] પર ભોજપુરી અને હિન્દી ફિલ્મો જોવાનું મને ગમે છે." તેઓ એક સ્થળાંતરિત ખેતમજૂર છે, તેઓ બિહારના મોહમ્મદપુર બલિયા ગામમાં આવેલા તેમના ઘરથી - 150 કિલોમીટરથીય વધુ દૂર - મોકામેહ તાલમાં લણણીના મહિનાઓ દરમિયાન કામ કરવા આવ્યા છે.

તેઓ બીજા 15 મહિલા શ્રમિકો સાથે અહીં આવ્યા છે, આ મહિલા ખેતમજૂરો ખેતરોમાંથી લણણી કરીને કઠોળની ગાંસડીઓ વખારમાં લઈ જશે. આ કામના બદલામાં તેમને પૈસા મળતા નથી પણ - કઠોળની દર 12 ગાંસડીની લણણી કરી તેને ઊંચકીને વખાર સુધી પહોંચાડવા માટે તેમને એક ગાંસડી કઠોળ મળે છે. કઠોળ તેમના ખોરાકમાંની સૌથી વધુ મોંઘી વસ્તુ છે અને સુહાગિની સોરેન જણાવે છે તેમ, "આ કઠોળ અમે આખું વરસ ખાઈ શકીએ છીએ અને અમારા નજીકના સંબંધીઓને પણ વહેંચી શકીએ છીએ." તેઓ ઉમેરે છે કે એક મહિનાના વેતન તરીકે તેમને લગભગ એક ક્વિન્ટલ કઠોળ મળી રહે છે.

તેમના પતિઓ કામ માટે વધુ દૂર સુધી સ્થળાંતર કરે છે અને ઘેર આજુબાજુના લોકો તેમના બાળકોનું ધ્યાન રાખતા હોય છે; ખૂબ નાનાં બાળકો તેમની સાથે મુસાફરી કરે છે.

પરંતુ નીલમે રસ્તો શોધી કાઢ્યો છે: મોટાભાગના ટ્રેક્ટર બહાર, શ્રમિકોના કામચલાઉ ઝૂંપડાની નજીક પાર્ક કરેલા હોવાથી, “અમે અગત્યના ફોન કરવા માટે અમારો ફોન ટ્રેક્ટર પર ચાર્જ કરીએ છીએ અને એ પછી ફોન આઘો મૂકી દઈએ છીએ." તેઓ ઉમેરે છે, "જો બરોબર વીજળી મળતી હોત તો અમે ચોક્કસ ફિલ્મો જોતા હોત."

PHOTO • Umesh Kumar Ray
PHOTO • Umesh Kumar Ray

ડાબે:  ફુરસદના સમયમાં નીલમ દેવીને તેમના ફોન પર ફિલ્મો જોવાનું ગમે છે. જમણે: બિહારના મોકામેહ તાલમાં કઠોળની લણણી કર્યા પછી આરામ કરતા સ્થળાંતરિત મહિલા શ્રમિકો

અહીં મોકામેહ તાલમાં આ મહિલાઓ સવારે 6 વાગ્યાથી કામે જોતરાય છે, આખરે ભરબપોરે તડકો ચડે ત્યારે તેઓ તેમના સાધનો હેઠાં મૂકે છે. એ સમય છે તેમના પરિવારો અને ઘરની જરૂરિયાતો માટે ટ્યુબવેલમાંથી પાણી ખેંચવાનો. એ પછી અનીતા કહે છે તેમ, "દરેકે પોતાના માટે થોડો સમય કાઢવો જોઈએ."

અનીતા ઝારખંડના ગિરિડીહ જિલ્લાના નારાયણપુર ગામના એક સંથાલ આદિવાસી છે, તેઓ કહે છે, "હું બપોરે સૂઈ જાઉં છું કારણ કે (બપોરે) ગરમી હોય છે અને (એટલી ગરમીમાં) અમે કામ કરી શકતા નથી." તેઓ દાડિયા મજૂર તરીકે કામ કરે છે, અહીં મોકામેહ તાલમાં કઠોળ અને બીજા પાકની લણણી કરવા માટે તેઓ માર્ચ મહિનામાં ઝારખંડથી બિહાર સ્થળાંતરિત થયા છે.

અડધા પાકની લણણી થઈ ગઈ છે એવા આ ખેતરમાં ઢળતી સાંજે થાકેલા પગ લંબાવીને બારેક મહિલાઓ બેઠી છે.

થાકીને લોથ થયા હોવા છતાં આ મહિલા ખેતમજૂરોના હાથ ચાલી રહ્યા છે. તેઓ કઠોળને અલગ કરવામાં અને સાફ કરવામાં અથવા પછીના દિવસે ગાંસડી ઊંચકી લાવવા માટે ડાંગરના સૂકા તણખલાના દોરડા બનાવવામાં વ્યસ્ત છે. નજીકમાં જ પોલીથીન શીટથી ઢંકાયેલી તેમની ઝૂંપડીઓ છે, ઝૂંપડીઓની ત્રણ ફૂટ ઊંચી દિવાલો સૂકા કઠોળની સૂકી દાંડીઓ વડે બનાવેલી છે. થોડા સમયમાં તેઓ સાંજના ભોજનની તૈયારી શરૂ કરશે એટલે તેમના માટીના ચૂલ્હા સળગશે, તેમની વાતો હવે બીજા દિવસે આગળ વધશે.

2019 ના એનએસઓના આંકડા મુજબ ભારતમાં મહિલાઓએ ઘરેલુ કામકાજ અને પરિવારની સંભાળ રાખવાના કામ માટે રોજની સરેરાશ 280 મિનિટની અવેતન સેવાઓ આપી હતી. પુરુષો એ આ જ કામ માટે ફાળવેલા સમયનો અનુરૂપ આંકડો માત્ર 36 મિનિટ હતો.

PHOTO • Umesh Kumar Ray
PHOTO • Umesh Kumar Ray

અનિતા મરાંડી (ડાબે) અને સુહાગિની સોરેન (જમણે) બિહારના મોકામેહ તાલમાં સ્થળાંતરિત શ્રમિક તરીકે કામ કરે છે. તેઓ એક મહિના માટે કઠોળની લણણી કરે છે, (અને એના બદલામાં) એ સમય દરમિયાન એક ક્વિન્ટલ કઠોળ કમાય છે

PHOTO • Umesh Kumar Ray
PHOTO • Umesh Kumar Ray

ડાબે: શ્રમિકો પોલીથીન શીટ્સ અને સૂકી દાંડીઓની બનેલી તેમની કામચલાઉ ઝૂંપડીઓની બહાર માટીના ચૂલા પર રાંધે છે. જમણે: મોકામેહ તાલમાં ઝૂંપડીઓનો સમૂહ

*****

સાંથાલ આદિવાસી છોકરીઓ આરતી સોરેન અને મંગળી મુર્મુ મુક્ત નવરાશની પળોનો સાથે મળીને આનંદ માણવાની ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે. 15 વર્ષની આ બંને પિતરાઈ બહેનો પશ્ચિમ બંગાળના પારુલડાંગા ગામમાં ભૂમિહીન ખેતમજૂરોના સંતાનો છે.  આરતી અને મંગળી બંને એક ઝાડ નીચે બેસીને નજીકમાં ચરતા તેમના ઢોરનું ધ્યાન રાખી રહ્યા છે ત્યારે આરતી કહે છે, “મને અહીં આવીને પક્ષીઓ જોવાનું ગમે છે. ક્યારેક અમે ફળો તોડીને સાથે મળીને ખાઈએ છીએ."

તે ઉમેરે છે, “આ સમયે [લણણીની મોસમ દરમિયાન] અમારે દૂર જવાની જરૂર પડતી નથી કારણ કે ઢોર લણણી પછી ખેતરમાં રહેલા અનાજના ઠૂંઠા ચરી શકે છે. અમને કોઈ ઝાડ નીચે કે છાંયડામાં બેસવાનો સમય મળી રહે છે."

એક રવિવારે પારીએ આરતી અને મંગળીની મુલાકાત લીધી હતી ત્યારે તેમની માતાઓ બીરભૂમ જિલ્લામાં જ નજીકના ગામમાં એક સંબંધીને મળવા ગઈ હતી. આરતી કહે છે, “સામાન્ય રીતે મારી માતા ઢોર ચરાવવા લઈ જાય છે, પરંતુ રવિવારે હું ઢોરને ચરાવવા લઈ જઉં છું. મને અહીં આવીને મંગળી સાથે થોડો સમય ગાળવો ગમે છે,” અને પોતાની પિતરાઈ બહેન સામે જોઈને હસીને ઉમેરે છે, “તે મારી મિત્ર પણ છે.”

મંગળી માટે ઢોર ચારવા એ રોજનું કામ છે. તેણે 5 મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો અને એ પછી તેના માતા-પિતાને તેનું શિક્ષણ ચાલુ રાખવું પોસાય તેમ ન હોવાથી તેને અભ્યાસ છોડી દેવો પડ્યો હતો. મંગળી કહે છે, "પછી લોકડાઉન આવ્યું અને મને શાળાએ પાછી ભણવા મોકલવાનું તેમના માટે વધારે મુશ્કેલ બન્યું." મંગળી (ઢોર ચરાવવા ઉપરાંત) ઘેર રસોઈ પણ કરે છે. ઢોર ચરાવવામાં તેની ભૂમિકા મહત્ત્વની છે કારણ કે આ ઊંચાઈ પર આવેલા શુષ્ક સપાટ મેદાનમાં પશુપાલન એ સ્થિર આવકનો એકમાત્ર સ્ત્રોત છે.

PHOTO • Smita Khator

પિતરાઈ બહેનો આરતી સોરેન અને મંગળી મુર્મુને સાથે સમય વિતાવવાનું ગમે છે

ઓક્સફેમ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત ડિજિટલ ડિવાઈડ ઈનઈક્વાલિટી રિપોર્ટ 2022 જણાવે છે કે ગ્રામીણ ભારતમાં 61 ટકા પુરુષોની સરખામણીએ માત્ર 31 ટકા મહિલાઓ પાસે મોબાઈલ ફોન છે

આરતી કહે છે, “અમારા માતાપિતા પાસે ફીચર ફોન (સાધારણ ફોન જેનાથી ફોનકોલ થઈ શકે અને મેસેજ મોકલી શકાય) છે. જ્યારે અમે સાથે હોઈએ છીએ ત્યારે અમે કેટલીકવાર આ [પોતાનો ફોન હોવા] વિશે વાત કરીએ છીએ." ડિજિટલ ડિવાઈડ ઈનઈક્વાલિટી રિપોર્ટ 2022 કહે છે ભારતમાં લગભગ 40 ટકા મોબાઈલ ધારકો પાસે સ્માર્ટ ફોન નથી અને (એટલે) આરતી અને મંગળીનો આ અનુભવ હોય એમાં કંઈ નવું નથી.

નવરાશ સંબંધિત મોટાભાગની વાતચીતમાં અને કેટલીકવાર કામને સંબંધિત વાતચીતમાં પણ મોબાઈલ ફોનની વાત આવે છે. ખેત મજૂર સુનીતા પટેલ આ બાબતે પોતાનો ગુસ્સો ઠાલવે છે: “જ્યારે અમે અમારા શાકભાજી વેચવા નગરોમાં જઈએ છીએ અને શાક ખરીદવા માટે મોટેથો બૂમો પાડી લોકોને બોલાવીએ છીએ, ત્યારે તેઓ [શહેરી મહિલાઓ] જવાબ આપવાની તસ્દી પણ લેતા નથી કારણ કે તેઓ તેમના ફોન પર વ્યસ્ત હોય છે. લોકો દ્વારા આવી સદંતર ઉપેક્ષાથી.ખૂબ દુઃખ થાય છે અને (એને લીધે) મને બહુ ગુસ્સો આવે છે."

સુનીતા બપોરનું ભોજન કર્યા પછી છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના રાકા ગામમાં ડાંગરના ખેતરમાં મહિલા મજૂરોના જૂથ સાથે આરામ કરી રહ્યા છે. તેમાંની કેટલીક મહિલાઓ બેઠી હતી અને બીજી કેટલીક આંખ મીંચીને આડી પડીને થોડો આરામ કરી રહી હતી.

દુગડી બાઈ નેતામ કહે છે, હકીકતમાં "અમે આખું વરસ આ ખેતરમાં કામ કરીએ છીએ. અમને ફુરસદ જ મળતી નથી.” તેઓ એક વૃદ્ધ આદિવાસી મહિલા છે, તેમને વિધવા પેન્શન મળે છે પરંતુ તેમ છતાં તેમને દાડિયા મજૂરી કરવી પડે છે. “અત્યારે અમે ડાંગરના ખેતરમાં નીંદણ દૂર કરવામાં વ્યસ્ત છીએ; અમે આખું વરસ કામ કરીએ છીએ.”

એમની દુઃખતી રગ પર હાથ મૂક્યો હોય એમ  સુનીતા તેમની સાથે સંમત થાય છે, “અમને ફુરસદ મળતી જ નથી! ફુરસદ એ તો શહેરી મહિલાઓને નસીબ થતો એક વિશેષાધિકાર છે.” સારા ભોજનને પણ એક વિશેષાધિકાર ગણાવતા તેઓ કહે છે: " ક્યાંક જતા-આવતા સારું સારું ખાવાનું મન તો મનેય થાય છે પણ પૈસાના અભાવે એ ક્યારેય શક્ય નથી બનતું."

*****

PHOTO • Purusottam Thakur

છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના રાકા ગામમાં ડાંગરના ખેતરમાં કામ કર્યા બાદ આરામ કરી રહેલ મહિલા ખેતમજૂરોનું જૂથ

PHOTO • Purusottam Thakur
PHOTO • Purusottam Thakur

ડાબે: છત્તીસગઢના ડાંગરના ખેતરોમાં કામ કરતી મહિલાઓ. જમણે: આટલી મોટી ઉંમર થઈ હોવા છતાં દુગડી બાઈ નેતામને રોજ કામ પર જવું પડે છે

PHOTO • Purusottam Thakur
PHOTO • Purusottam Thakur

છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના રાકા ગામના એક ખેતરમાં ઉમા નિષાદ શક્કરિયાની લણણી કરી રહ્યા છે. વિરામ લઈ રહેલા ઉમા નિષાદ તેમના પરિવાર સાથે (જમણે)

પોતાના વિરામના સમય દરમિયાન યલ્લુબાઈ નંદીવાલે જૈનાપુર ગામ પાસેના કોલ્હાપુર-સાંગલી ધોરીમાર્ગ પર અવરજવર કરતા વાહનો જોઈ રહ્યા છે. તેઓ કાંસકા, હેર એસેસરીઝ (માથામાં નાખવાની પીનો, ચીપિયા, બક્કલ), આર્ટિફિશિયલ જ્વેલરી, એલ્યુમિનિયમના વાસણો અને એવી બીજી ચીજવસ્તુઓ વેચે છે, તેઓ આ બધું વાંસની ટોપલી અને તાડપત્રીની થેલીમાં રાખે છે અને તેનું વજન લગભગ 6-7 કિલો જેટલું થાય છે.

આવતા વર્ષે તેઓ 70 વર્ષના થશે અને તેઓ કહે છે કે તેઓ ઊભા હોય કે પછી અહીં મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં ચાલતા હોય તેમને ઢીંચણમાં દુખાવો થાય છે. અને તેમ છતાં તેમણે કા તો એ બંને કરવું પડે અથવા તેમની દૈનિક આવક જતી કરવી પડે. તેઓ તેમના દુખાતા ઢીંચણને હાથેથી દબાવતા કહે છે, “સો રુપિયાય માંડ મળે છે; કોઈક દિવસ તો કશુંય મળતું નથી."

તેઓ શિરોલ તાલુકાના દાનોલી ગામમાં પોતાના પતિ યલ્લપ્પા સાથે રહે છે. તેઓ ભૂમિહીન છે અને વિચરતા નંદીવાલે સમુદાયના છે.

પોતાની યુવાનીની સુખદ પળોને યાદ કરીને હસીને તેઓ કહે છે, "કોઈક શોખ, મોજ-મસ્તી, નવરાશ... એ બધુંય હતું લગ્ન પહેલા. હું ક્યારેય ઘરમાં બેસી ન રહેતી...  રખડતી રહેતી ખેતરોમાં...  નદીમાં. લગ્ન પછી એમાંનું કંઈ ન રહ્યું. રહ્યું ફક્ત રસોડું અને બાળકો."

PHOTO • Jyoti Shinoli
PHOTO • Jyoti Shinoli

ડાબે: યલ્લુબાઈ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના ગામડાઓમાં કાંસકા, હેર એસેસરીઝ, આર્ટિફિશિયલ જ્વેલરી, એલ્યુમિનિયમના વાસણો વેચે છે. 70 વર્ષના આ વૃદ્ધા તેમનો સામાન એક વાંસની ટોપલી અને તાડપત્રીની બેગમાં રાખે છે, જ્યારે ગ્રાહક આવે ત્યારે તેઓ એ ખોલે છે (જમણે)

આ વિષય (ગ્રામીણ મહિલાઓની રોજિંદી જિંદગી) પર થયેલા સૌ પ્રથમ સર્વેક્ષણમાં જણાવાયું છે કે સમગ્ર દેશમાં ગ્રામીણ મહિલાઓ તેમના દિવસનો આશરે 20 ટકા સમય અવેતન ઘરેલુ કામ અને સંભાળ રાખવાની પ્રવૃત્તિઓમાં વિતાવે છે. ટાઈમ યુઝ ઇન ઈન્ડિયા-2019 શીર્ષક હેઠળનો આ અહેવાલ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશન મંત્રાલય (એમઓએસપીઆઈ) દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

ગ્રામીણ ભારતની ઘણી મહિલાઓ માટે શ્રમિકો, માતાઓ, પત્નીઓ, પુત્રીઓ અને પુત્રવધૂઓ તરીકેની તેમની ભૂમિકા નિભાવતા બચેલો સમય ઘરના કામકાજ – અથાણાં, પાપડ બનાવવવામાં અને સીવણકામમાં ખર્ચાય છે. ઉત્તર પ્રદેશના બૈઠકવા કસ્બામાં રહેતા ઉર્મિલા દેવી કહે છે, “હાથેથી સીવણ, ભરત-ગૂંથણનું કોઈ પણ કામ અમારા માટે રાહત આપનારું છે. અમે કેટલીક જૂની સાડીઓ પસંદ કરીએ છીએ અને પરિવાર માટે કાથરી [રજાઈ] બનાવવા માટે તેને કાપીને એકસાથે સીવીએ છીએ."

50 વર્ષના આ આંગણવાડી કાર્યકર માટે ઉનાળામાં દરરોજ બીજી મહિલાઓ સાથે મળીને ભેંસોને તરવા લઈ જવી એ જીવનના આનંદમાં ગણાય છે. તેઓ કહે છે, "અમારા બાળકો બેલાન નદીના પાણીમાં રમે છે અને નદીના પાણીમાં કૂદી પડે છે છે ત્યારે અમને અમારી વાતો કરવાનો સમય મળે છે." તેઓ તરત ઉમેરે છે કે ઉનાળામાં એ નદી સાવ નાના ઝરણાં જેવી હોય છે એટલે બાળકોની સલામતીની ચિંતા જેવું હોતું નથી.

કોરાઓન જિલ્લાના દેવઘાટ ગામમાં એક આંગણવાડી કાર્યકર તરીકે ઉર્મિલા અઠવાડિયા દરમિયાન યુવાન માતાઓ અને તેમના બાળકોની સંભાળ રાખવામાં અને રસીકરણની અને પ્રસૂતિ પહેલાની અને પ્રસૂતિ પછીની બીજી તપાસની લાંબી સૂચિ નોંધવામાં વ્યસ્ત રહે છે.

ચાર પુખ્ત બાળકોના માતા અને ત્રણ વર્ષના કુંજ કુમારના દાદી ઉર્મિલાએ 2000-2005 સુધી દેવઘાટના ગ્રામ પ્રધાન તરીકે ચૂંટાઈને પદભાર સંભાળ્યો હતો. મોટે ભાગે દલિત વસ્તી ધરાવતા ગામની મુઠ્ઠીભર શિક્ષિત મહિલાઓમાંના તેઓ એક છે. લાચારીથી ખભા ચડાવતા તેઓ કહે છે, “અધવચ્ચે શાળા છોડી દઈને લગ્ન કરી લેતી નાની છોકરીઓને હું હંમેશ ઠપકો આપું છું. પરંતુ નથી એ છોકરીઓ સાંભળતી કે નથી એમના પરિવારો સાંભળતા.”

ઉર્મિલા કહે છે કે લગ્નો અને સગાઈઓ મહિલાઓને તેમનો પોતાનો કહી શકાય એવો થોડો સમય આપે છે, કારણ કે ત્યારે "અમે સાથે ગાઈએ છીએ, સાથે હસીએ છીએ." તેઓ હસીને ઉમેરે છે કે આ ગીતો વૈવાહિક અને કૌટુંબિક સંબંધો સાથે સંકળાયેલા હોય છે અને ક્યારેક ફટાણાં જેવા રમુજી હોય છે.

PHOTO • Priti David
PHOTO • Priti David

ડાબે: ઉર્મિલા દેવી ઉત્તર પ્રદેશના કોરાઓન જિલ્લાના દેવઘાટ ગામમાં આંગણવાડી કાર્યકર છે. જમણે: ઉર્મિલાને પરિવારની ભેંસોની સંભાળ રાખવાનું ગમે છે

PHOTO • Purusottam Thakur
PHOTO • Purusottam Thakur

ચિત્રેખા છત્તીસગઢના ધમતારીમાં ચાર ઘરોમાં ઘરેલુ નોકર તરીકે કામ કરે છે અને રજા મળે ત્યારે તેઓ તીર્થયાત્રા પર જવા માગે છે

વાસ્તવમાં માત્ર લગ્નો જ નહીં પણ તહેવારો પણ મહિલાઓને, ખાસ કરીને યુવાન છોકરીઓને, પોતાનો કહેવાય એવો થોડો સમય આપે છે, તેમના કામકાજમાંથી થોડી રાહત આપે છે.

આરતી અને મંગળી પારીને કહે છે કે જાન્યુઆરીમાં બીરભૂમના સાંથાલ આદિવાસીઓ દ્વારા ઉજવવામાં આવતા બંદના તહેવારમાં - તેમને સૌથી વધુ મઝા આવે છે. આરતી કહે છે, “અમે સરસ રીતે તૈયાર થઈએ છીએ, નૃત્ય કરીએ છીએ અને ગાઈએ છીએ. અમારી માતાઓ ઘેર હોવાથી (અમારે માથે) બહુ કામ હોતું નથી અને અમને અમારા મિત્રો સાથે રહેવાનો સમય મળી રહે છે. કોઈ અમને ઠપકો આપતું નથી અને અમને જે ગમે  તે અમે કરીએ છીએ." આ સમય દરમિયાન તેમના પિતા ઢોરની સંભાળ રાખે છે કારણ કે આ તહેવાર દરમિયાન તેમની પૂજા કરવામાં આવે છે. મંગળી હસીને કહે છે, “મારે કોઈ કામ હોતું નથી."

તીર્થયાત્રાઓને પણ ફુરસદના સમયે કરવાની પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવે છે, ધમતારીના રહેવાસી 49 વર્ષના ચિત્રેખા તેમના નવરાશના સમયમાં કરવાની યાદીમાં તેનો સમાવેશ કરે છે: “હું મારા પરિવાર સાથે હું બે-ત્રણ દિવસ માટે [મધ્યપ્રદેશના] સિહોર જિલ્લાના શિવ મંદિરમાં જવા માંગુ છું. હું રજા લઈને જઈશ કોઈક દિવસ.

છત્તીસગઢની રાજધાનીમાં એક ઘરેલુ નોકર તરીકે કામ કરતા ચિત્રેખા સવારે 6 વાગ્યે ઊઠીને પોતાના ઘરના કામકાજ પરવારી જાય છે અને પછી ચાર ઘરોમાં કામ કરવા માટે આખો દિવસ ભાગદોડ કરીને સાંજે 6 વાગ્યે ઘેર પાછા ફરે છે. આખા દિવસની મહેનતને અંતે તેઓ મહિને 7500 રુપિયા કમાય છે અને તેમની કમાણી તેમના બે બાળકો અને સાસુ સહિતના પાંચ જણના પરિવાર માટે મહત્વપૂર્ણ છે.

*****

ઘરેલુ કામદાર સ્વપ્નાલી માટે (ચડતા પગારે) કામ વગરનો દિવસ દુર્લભ છે. તેઓ સમજાવે છે, “મને મહિનામાં માત્ર બે રજાઓ મળે છે; મારે શનિ રવિ પણ કામ કરવું પડે છે કારણ કે બધાને [સ્વપ્નાલીને નોકરીદાતાઓને] શનિ-રવિની રજા હોય છે એટલે એ દિવસોમાં તો મને રજા મળવાનો કોઈ સવાલ જ નથી." તેમને પોતાને પણ ક્યારેક વિરામની જરૂર હોય એવો વિચાર તેમને પોતાનેય આવતો નથી.

તેઓ ઉમેરે છે, “મારા પતિને રવિવારે કામ કરવું પડતું નથી. કેટલીકવાર તેઓ મને મોડી રાતની ફિલ્મ જોવા જવાનું કહે છે, પરંતુ મારામાં હિંમત નથી, મારે બીજા દિવસે સવારે કામ પર જવાનું હોય છે."

PHOTO • Smita Khator

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં ઢોર ચરાવતી વખતે આરામ કરતી અને ગપસપ કરતી લોહાર મહિલાઓ

જે ઘરોમાં મહિલાઓ પોતાના પરિવારના ભરણપોષણ માટે જુદા જુદા પ્રકારની નોકરીઓ કરે છે તેમને માટે તેઓને જે કામ કરવામાં આનંદ આવે છે તે ફુરસદના સમયમાં કરવાની પ્રવૃત્તિમાં ફેરવાઈ જાય એવું બની શકે છે. રૂમા લોહાર (નામ બદલ્યું છે) કહે છે, “હું ઘેર જઈને ઘરનું કામ પૂરું કરીશ - રસોઈ બનાવવાનું, સફાઈ કરવાનું અને બાળકોને જમાડવાનું. પછી હું બ્લાઉઝ પીસ અને સ્ટોલ્સ પર કાંથા ભરતકામ કરવા બેસીશ."

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના આદિત્યપુર ગામની 28 વર્ષની આ યુવાન મહિલા બીજી ચાર મહિલાઓ સાથે ઘાસના મેદાન પાસે બેઠી છે, તેમના ઢોર મેદાનમાં ચરી રહ્યા છે. 28 થી 65 વર્ષની વયની આ બધી મહિલાઓ ભૂમિહીન છે અને બીજાના ખેતરોમાં કામ કરે છે. તેઓ પશ્ચિમ બંગાળમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ લોહાર સમુદાયની છે.

તેઓ કહે છે, "અમે સવારે ઘરનું બધું કામકાજ પૂરું કરીને અમારી ગાયો અને બકરાઓને ચરાવવા લઈ આવ્યા છીએ."

તેઓ ઉમેરે છે, “અમારે પોતાને માટે સમય શી રીતે કાઢવો એ અમે જાણીએ છીએ. પરંતુ અમે એ કોઈને કહેતા નથી."

અમે પૂછીએ છીએ, "તમે (તમારે પોતાને માટે) સમય કાઢો છો ત્યારે તમે શું કરો છો?"

સમૂહની બીજી મહિલાઓ તરફ અર્થપૂર્ણ રીતે જોતાં રૂમા કહે છે, "મોટે ભાગે કશું જ નહીં. મને એક ઝોકું ખાઈ લેવાનું કે પછી મને ગમતી સ્ત્રીઓ સાથે વાત કરવાનું ગમે છે."  અને તેઓ બધા ખડખડાટ હસી પડે છે.

“બધાને એમ જ લાગે છે કે અમે કશું જ કામ કરતા નથી! બધા એમ જ કહે છે કે અમે [મહિલાઓ] માત્ર સમય શી રીતે બગાડવો તે જ જાણીએ છીએ."

આ વાર્તા માટેના અહેવાલ મહારાષ્ટ્રથી દેવેશ અને જ્યોતિ શિનોલી, છત્તીસગઢથી પુરુષોત્તમ ઠાકુર; બિહારથી ઉમેશ કુમાર રે; પશ્ચિમ બંગાળથી સ્મિતા ખટોર; ઉત્તર પ્રદેશથી પ્રીતિ ડેવિડ દ્વારા, રિયા બહેલ, સંવિતિ ઐયર, જોશુઆ બોધિનેત્રા અને વિશાખા જ્યોર્જની સંપાદકીય સહાય સાથે તૈયાર કરવામાં આવેલ છે અને બીનાફર ભરૂચા દ્વારા ફોટો સંપાદન કરવામાં આવેલ છે.

કવર ફોટો: સ્મિતા ખટોર

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik