37 વર્ષના આ જીપ ટેક્સી ચાલકનું કહેવું છે કે સૌથી પહેલા રસોડામાં મોટી તિરાડો દેખાઈ હતી અને પછીથી તે ઝડપથી તેમના ઘરના બીજા ભાગોમાં ફેલાઈ ગઈ હતી. તેમના બે માળના સાધારણ ઘરમાં સૌથી ઓછી તિરાડોવાળો ઓરડો ઝડપથી કામચલાઉ રસોડામાં ફેરવી દેવામાં આવ્યો હતો. આઠ જણનો આ પરિવાર અચાનક જ બેઘર થઈ ગયો હતો.

રાઘવ કહે છે, “મેં અમારી બે મોટી દીકરીઓ ઐશ્વર્યા [12] અને સૃષ્ટિ [9] ને મારી મોટી બહેન સાથે રહેવા મોકલી દીધી હતી. બાકીનો પરિવાર - રાઘવ, તેમની પત્ની ગૌરી દેવી, છ વર્ષની દીકરી આયશા (6) અને તેમના બે વૃદ્ધ કાકી - અહીં જમે છે. પરંતુ સાંજ સુધીમાં તેઓ હિમાલયના આ નગરમાં કામચલાઉ આશ્રય તરીકે નિયુક્ત કરવામાં આવેલ નજીકની સંસ્કૃત મહાવિદ્યાલય શાળામાં સૂવા માટે જતા રહે છે. આશરે 25-30 વિસ્થાપિત પરિવારોને અહીં ખસેડવામાં આવ્યા છે.

ચમોલી જિલ્લા સત્તાવાળાઓ દ્વારા 21 મી જાન્યુઆરી, 2023ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર અહેવાલ મુજબ જોશીમઠના નવ વોર્ડમાં 181 ઈમારતોને અસુરક્ષિત ઈમારતો તરીકે ચિહ્નિત કરવામાં આવી છે, અને 863 મકાનોમાં દેખીતી રીતે નજરે પડે એવી તિરાડો પડી ગઈ છે. રાઘવ પારી (PARI) ને તેની પડોશના ઘરોમાં પડેલી તિરાડો બતાવે છે.  આ પરિસ્થિતિ તરફ દોરી જનાર નિરંકુશ વિકાસનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે, "અહીંનું એકેએક ઘર જોશીમઠની વાર્તા છે."

રાઘવ કહે છે કે, જોશીમઠમાં ઈમારતોની દિવાલો, છત અને મકાનોના ભોંયતળિયામાં તિરાડો પડવાની શરૂઆત 3 જી જાન્યુઆરી, 2023ના રોજ થઈ હતી. થોડા જ દિવસોમાં તે ગંભીર સંકટમાં પરિણમી હતી. લગભગ તે જ અરસામાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) ના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (એનઆરએસસી) એ જોશીમઠમાં જમીન કેટલી હદે ધસી પડી છે એ દર્શાવતા ફોટા મૂક્યા હતા: ડિસેમ્બર 2022 ના અંત અને જાન્યુઆરી 2023 ની શરૂઆત વચ્ચે જોષીમઠમાં 5.4 સે.મી. જમીન ધસી પડી છે. આ ફોટા હવે એનઆરએસસીની વેબસાઈટ પર જોવા મળતા નથી.

રાઘવ રહે છે તે સિંહધાર વોર્ડમાં 151 ઈમારતોને દેખીતી તિરાડોવાળી ઈમારતો તરીકે ઓળખાવવામાં આવી છે; 98 ઈમારતો અસુરક્ષિત ઝોનમાં છે. આ ઈમારતો રહેઠાણ માટે તો અયોગ્ય અને અસુરક્ષિત છે જ પણ એ ઈમારતોની નજીક જવું પણ અયોગ્ય અને અસુરક્ષિત છે એમ દર્શાવવા જિલ્લા સત્તાવાળાઓ દ્વારા એ બધી ઈમારતોને લાલ ચોકડીથી ચિહ્નિત કરવામાં આવી છે.

PHOTO • Shadab Farooq
PHOTO • Shadab Farooq

ડાબે: પરિવારે સાધારણ તિરાડોવાળા ઓરડામાં કામચલાઉ રસોડું બનાવ્યું છે. જમણે: અહીંથી ઝડપથી બીજે લઈ જવા  માટે તૈયાર કરી રાખેલા કપડાં અને બીજા અંગત સામાનના સુટકેસોમાં ઢગલા કરેલા છે

PHOTO • Shadab Farooq
PHOTO • Shadab Farooq

ડાબે: એક પાડોશી તેમની છત પર છે અને ગૌરી દેવી (જોઈ શકતા નથી) સાથે વાત કરી રહ્યા છે; રાઘવ અને તેમની દીકરી આયેશા પોતાના ઘરની સામે ઊભા છે. જમણે: ચમોલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલા કામચલાઉ આશ્રયમાં ગૌરી દેવી

રાઘવ જે તેમની આખી જીંદગી અહીં જ રહ્યા છે તેઓ તેમના ઘરને લાલ ચોકડીથી ચિહ્નિત થતું બચાવવા માટે બનતા તમામ પ્રયાસ કરી રહ્યા છે. તેઓ કહે છે, "મારે મારી છત પર સૂર્યના તડકામાં બેસીને પર્વતો જોવા માટે ફરીથી અહીં આવવું છે." તેઓ બાળપણમાં તેમના માતા-પિતા અને તેમના મોટા ભાઈ સાથે અહીં રહેતા હતા, તેમના માતા-પિતા અને મોટા ભાઈ હવે હયાત નથી.

તેઓ કહે છે, “લાલ ચોકડીનો અર્થ એ છે કે સત્તાવાળાઓ [ચમોલી જિલ્લાના અધિકારીઓ] ઈમારતને સીલ કરશે. તેનો અર્થ એ પણ છે કે લોકો તેમને ઘેર પાછા નહીં આવી શકે."

રાત પડી ગઈ છે અને પરિવારે રાત્રિભોજન પૂરું કર્યું છે. રાઘવના કાકી સૂવા માટે તેમના કામચલાઉ ઘેર - શાળામાં - જવાની રાહ જોઈ રહ્યા છે.

રાઘવનું ઘર અસ્તવ્યસ્ત છે: એક ખુલ્લી સૂટકેસમાં કપડાંનો ઢગલો છે; લોખંડનું કબાટ ખાલી કરી દેવામાં આવ્યું છે; ફ્રિજને દિવાલથી દૂર ખેંચી લેવામાં આવ્યું છે અને અહીંથી બીજે લઈ જવા માટે તૈયાર કરી રાખેલી પરિવારના સામાનથી ભરેલી નાની થેલીઓ, સ્ટીલ અને પ્લાસ્ટિકના વાસણો અને ખોખાં ચારેય બાજુ પથરાયેલા છે.

રાઘવ ચારે બાજુ જોતા કહે છે, "મારી પાસે [માત્ર] 2000 રુપિયાની એક નોટ છે, એટલા પૈસામાંથી હું મારા આ બધા સામાન માટે ટ્રક બુક કરાવી શકું તેમ નથી."

PHOTO • Shadab Farooq
PHOTO • Shadab Farooq

ડાબે: રાઘવ અને આયેશા તેમના પડોશમાં જમીન પર પડેલી તિરાડોની તપાસ કરી રહ્યાં છે. રાઘવ કહે છે, ‘મારી વાર્તા એ જ આખાય જોશીમઠની વાર્તા છે.’ જમણે: ઘર પરની લાલ ચોકડી એવા ઘરો દર્શાવે છે જે વહીવટીતંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યા છે અને ત્યાંના રહેવાસીઓને તે જગ્યા ખાલી કરાવી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે

PHOTO • Shadab Farooq
PHOTO • Shadab Farooq

ડાબે: રાઘવ અને આયેશા તેમના ઘરની છત પર. 'મારે મારી છત પર સૂર્યના તડકામાં બેસીને પર્વતો જોવા માટે ફરીથી અહીં આવવું છે.'  જમણે: જોશીમઠ નગર અને આસપાસના પર્વતોનું દૃશ્ય જ્યાં ભૂગર્ભ ડ્રિલિંગ ચાલુ છે

તેમના પત્ની ગૌરી તેમને યાદ કરાવે છે કે જિલ્લા સત્તાવાળાઓ "માઈક [માઈક્રોફોન] પર બે દિવસમાં ઘરો ખાલી કરવાની જાહેરાત કરી રહ્યા છે."

તેઓ જવાબ આપે છે કે, “હું જોશીમઠ છોડીશ નહિ. હું ભાગીશ નહીં. આ મારો વિરોધ છે, મારી લડત છે.

આ વાત હતી જાન્યુઆરીના બીજા સપ્તાહની.

*****

એક અઠવાડિયા પછી 20 મી જાન્યુઆરી, 2023 ના રોજ, રાઘવ બે દાડિયા મજૂરોને લઈ આવવા ગયા છે. આગલી રાતે જોશીમઠમાં ભારે હિમવર્ષા થતાં પરિસ્થિતિ વણસી હતી, પરિણામે અસ્થિર ઘરો ધરાવતા લોકો માટે ચિંતાનો નવો દોર શરૂ થયો હતો. બપોરે 1 વાગ્યા સુધીમાં રાઘવ અને મજૂરો સાંકડી ગલીમાંથી ખાટલા અને ફ્રિજ જેવી ઘરવખરીની ભારે ચીજવસ્તુઓ ખસેડી રહ્યા છે અને ટ્રકમાં ભરી રહ્યા છે.

રાઘવ ફોન પર કહે છે, “બરફ પડતો બંધ થઈ ગયો છે પરંતુ રસ્તાઓ ભીના અને લપસણા છે. અમે નીચે પડી જઈએ છીએ. અમારો સામાન ખસેડવાનું મુશ્કેલ થઈ રહ્યું છે." તેઓ તેમના પરિવારને લગભગ 60 કિલોમીટર દૂર નંદપ્રયાગ શહેરમાં લઈ જઈ રહ્યા છે. ત્યાં તેઓ તેમની બહેન જ્યાં રહે છે તેની નજીક એક મકાન ભાડે લેવાનું વિચારે છે.

જોશીમઠ નગરમાં તમામ ઘરોને આવરી લેતા બરફના જાડા સ્તર છતાં આ તિરાડો એટલી જ સ્પષ્ટપણે દેખાય છે જેટલી બહારની દિવાલો પર રંગેલી જાડી લાલ ચોકડીઓ. અહીંના સંખ્યાબંધ મકાનો, દુકાનો અને ધંધાદારી પેઢીઓના મકાનો પાયામાં જ્યાં ઊંડી તિરાડો દેખાઈ છે ત્યાંના રહેવાસીઓને તે જગ્યા ખાલી કરાવી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

PHOTO • Manish Unniyal
PHOTO • Manish Unniyal

ડાબે:  જોશીમઠમાં તેમના ઘરની બહાર ઊભેલારણજિત સિંહ ચૌહાણ, તેમનું ઘર  રહેવા માટે અસુરક્ષિત હોવાનું દર્શાવતી લાલ ચોકડીથી ચિહ્નિત કરવામાં આવ્યું છે. જમણે: જોશીમઠ શહેરના એક વિસ્તાર મનોહર બેગમાં એક ઘર, જેને જમીન ધસી પડવાથી નુકસાન થયું છે

43 વર્ષના રણજિત સિંહ ચૌહાણ સુનીલ વોર્ડમાં તેમના લાલ ચોકડીથી ચિહ્નિત કરેલા બે માળના મકાનના બરફથી છવાયેલા પરિસરમાં ઊભા છે. સિંહને તેમના પત્ની અને ત્રણ બાળકો સાથે નજીકની હોટલમાં કામચલાઉ આશ્રય આપવામાં આવ્યો છે. તેમનો મોટાભાગનો સામાન હજી તેમના ઘરમાં જ છે. બરફ પડતો હોવા છતાં સિંહ તેમનો સામાન ચોરાઈ ન જાય તેનું ધ્યાન રાખવા માટે રોજેરોજ ઘેર આવે છે.

તેઓ કહે છે, "હું મારા પરિવારને દહેરાદૂન અથવા શ્રીનગર - કોઈપણ સુરક્ષિત જગ્યાએ ખસેડવાનો પ્રયાસ કરીશ." ચૌહાણ બદ્રીનાથમાં એક હોટેલ ચલાવે છે જે ઉનાળાના મહિનાઓમાં ધંધા માટે ખુલ્લી હોય છે. હવે ભવિષ્યમાં શું થશે તેની તેમને કંઈ ખબર નથી. પરંતુ તેમને એક વાતની ચોક્કસ ખબર છે - સલામત રહેવાની જરૂરિયાતની. દરમિયાન તેઓ 11 મી જાન્યુઆરી, 2023ના રોજ ઉત્તરાખંડ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ 1.5 લાખ રુપિયાની વચગાળાની રાહત ની રાહ જુએ છે.

હિમાલયના આ નીચે ને નીચે ધસી રહેલા નગરમાં દરેક જગ્યાએ પૈસાની તંગી છે. માત્ર ઘર ગુમાવવા બદલ જ નહીં પરંતુ તેમાં રોકાણ કરેલા નાણાના હિસ્સા બાબતે પણ રાઘવનો જીવ બળે છે. તેઓ કહે છે, “મેં આ નવું ઘર બનાવવા પાછળ  5 લાખ રુપિયા ખર્ચ્યા હતા. બીજી 3 લાખની લોન લીધી હતી એ તો હજી ચૂકવવાનીય બાકી છે." તેમને તો બીજા કંઈક સપના હતા - એક ગેરેજ ખોલવાનું અને તેમની ડ્રાઈવિંગની નોકરી છોડી દેવાનું કારણ કે તેમને તેમની ડાબી આંખે બરોબર દેખાતું નથી. "હવે એમાંનું કંઈ નહીં થઈ શકે."

*****

આ નુકસાન માટે મુખ્યત્વે આ વિસ્તારમાં થતા શ્રેણીબદ્ધ વિકાસ કાર્યો જવાબદાર છે, ખાસ કરીને તાજેતરમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી) દ્વારા તપોવન વિષ્ણુગડ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્લાન્ટ માટે હાથ ધરાયેલા સુરંગ ખોદવાનું કામ આ માટે જવાબદાર છે. હાલમાં ઉત્તરાખંડમાં અંદાજે 42 કાર્યરત હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ છે અને બીજા ઘણા વધુ પ્રોજેક્ટ્સ અંગેની ચર્ચાઓ અને તૈયારીઓ ચાલી રહી છે. હાલ ચાલી રહેલ જોશીમઠની આપત્તિ એ કંઈ હાઈડ્રોપાવર સાથે સંકળાયેલી પહેલવહેલી આપત્તિ નથી

શહેરના બીજા લોકોની જેમ રાઘવ પણ દરરોજ સ્થાનિક તહેસીલ ઓફિસમાં એનટીપીસીના વિરોધમાં ધરણામાં ભાગ લે છે. વિરોધમાં સામેલ થનારા સૌથી પહેલા લોકોમાંના અનિતા લાંબા કહે છે, "અમારા ઘરો તો બરબાદ થઈ ગયા છે, પરંતુ અમારું શહેર ઉજ્જડ ન થઈ જવું જોઈએ." 30 વર્ષના આ આંગણવાડી શિક્ષિકા ઘેર-ઘેર જઈને લોકોને "એનટીપીસી અને તેના વિનાશક પ્રોજેક્ટ્સને દૂર કરવા માટે લડવા" માટે વિનંતી કરે છે.

PHOTO • Shadab Farooq
PHOTO • Shadab Farooq

ડાબે: આ નગરના લોકો સુરંગ ખોદવા સામે અને ડ્રિલિંગ સામે વિરોધ પ્રદર્શિત કરવા ધરણા કરી રહ્યા છે, લોકો જમીન ધસી પાડવા માટે આ સુરંગ ખોદવાની અને ડ્રિલિંગની પ્રવૃત્તિઓને જવાબદાર લેખે છે. સ્થાનિક ડિલિવરી એજન્ટના વાહન પર 'ગો બેક એનટીપીસી' એવું પોસ્ટર ચોંટાડવામાં આવ્યું છે. જમણે: જોશીમઠ અને આજુબાજુના વિસ્તારોની મહિલાઓ આ નગરમાં ધરણા કરી રહી છે

PHOTO • Shadab Farooq
PHOTO • Shadab Farooq

ડાબે: ભગવાનના ફોટા પેક કરી દીધા નથી, અને રાઘવ ખુરશી પર ઊભો રહીને પ્રાર્થના કરી રહ્યો છે. જમણે: આયેશા તેની માતા ગૌરીને ચુન્યાત્યાર તહેવાર માટે ચૂની રોટલી બનાવતા જોઈ રહી છે

વોટર એન્ડ એનર્જી ઈન્ટરનેશનલમાં પ્રકાશિત, ‘ હાઈડ્રોપાવર ડેવલપમેન્ટ ઈન ઉત્તરાખંડ રિજન ઓફ ઈન્ડિયન હિમાલયાસ ( ભારતીય હિમાલયના ઉત્તરાખંડ પ્રદેશમાં જળવિદ્યુત વિકાસ )’ પરના 2017 ના લેખમાં લેખકો સંચિત સરન અગ્રવાલ અને એમ.એલ. કંસલે ઉત્તરાખંડમાં હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સથી ઊભી થતી વિવિધ પર્યાવરણીય સમસ્યાઓની શ્રેણીની યાદી આપી છે. વધુમાં બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) દ્વારા બાંધવામાં આવી રહેલા ચાર ધામ પ્રોજેક્ટ અને હેલાંગ બાયપાસના બાંધકામને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે.

અતુલ સતી એક પર્યાવરણ કાર્યકર્તા છે જેમણે જોશીમઠમાં બીજો ધરણા વિરોધ શરૂ કર્યો છે. તેમનું કહેવું છે કે બદ્રીનાથની તીર્થયાત્રાને લોકપ્રિય બનાવવાના દબાણને કારણે હોટલ અને કોમર્શિયલ ઈમારતોનું ઝડપથી બાંધકામ થઈ રહ્યું છે, જેના કારણે જમીન પર દબાણ વધી રહ્યું છે. આ નગર એક મુખ્ય ધાર્મિક સ્થળ - બદ્રીનાથ મંદિર જતા તીર્થયાત્રીઓ અને પર્વતારોહણની રમત માટે સૌથી ઓછી ઊંચાઈએ આવેલી જગ્યા છે. 2021 માં બંને નગરોમાં મળીને પ્રવાસીઓની કુલ સંખ્યા 3.5 લાખ જેટલી જોવા મળી હતી, જે જોશીમઠની વસ્તી (વસ્તી ગણતરી 2011) કરતા 10 ગણી વધારે હતી.

*****

રાઘવે ખુરશી પર ત્રણ સળગતી અગરબત્તીઓ સાથેનું ધૂપ સ્ટેન્ડ મૂક્યું છે. તેમની સુગંધ નાના ઓરડાને ભરી દે છે.

તેમનો બધો સામાન પેકિંગના તબક્કામાં છે, પરંતુ ભગવાનના ફોટા અને રમકડાંને હજી સુધી હાથ લગાડ્યો નથી. નિરાશા અને સંકટનો અણસારો હોવા છતાં તેમનો પરિવાર ચુન્યાત્યાર ઉજવવાનો છે, ચુન્યાત્યાર એ શિયાળો પૂરો થવાનો સંકેત આપતો લણણીનો તહેવાર છે. ચુની રોટલી એ એક ખાસ પ્રકારની રોટલી છે જે તહેવાર દરમિયાન બનાવવામાં અને ખાવામાં આવે છે

સાંજના ઝાંખા અજવાળામાં આયેશા તેના પિતાનો નારો દોહરાવે છે:
“ચુની રોટી ખાયેંગે, જોશીમઠ બચાએંગે [અમે ચૂની રોટી ખાઈશું; અમે જોશીમઠને બચાવીશું]."

મનીષ ઉન્નિયાલ દિલ્હી સ્થિત ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફર છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Shadab Farooq

Shadab Farooq is an independent journalist based in Delhi and reports from Kashmir, Uttarakhand and Uttar Pradesh. He writes on politics, culture and the environment.

Other stories by Shadab Farooq
Editor : Urvashi Sarkar

Urvashi Sarkar is an independent journalist and a 2016 PARI Fellow.

Other stories by Urvashi Sarkar
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik