નવી દિલ્લીઃ મોબાઈલ એપ આધારિત ટેક્સી ઑપરેટિંગ કંપનીઓના ભાડા અંગેની મનસ્વીતાનો અંત આવશે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ એપ આધારિત ટેક્સીઓનુ બેઝ ભાડુ જાતે નક્કી કરશે. વળી, ટેક્સીઓની માંગમાં વધારો થવાના કિસ્સામાં તેના ભાડામાં વધારાની કિંમત(ભાડામાં વધારો) માટેની મહત્તમ મર્યાદા મૂળ ભાડાના બમણાથી વધુ નહિ હોય. દિલ્લી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ એપ આધારિત ટેક્સી કંપનીઓને રોકવા માટે ટેક્સી એગ્રીગેટર પોલિસી લાવવા જઈ રહ્યુ છે જેનુ કામ અંતિમ તબક્કામાં છે.
ટૂંક સમયમાં તેનુ નોટિફિકેશન લાગુ કરવામાં આવશે. ગયા જૂનમાં પરિવહન વિભાગે એગ્રીગેટર સ્કીમની ડ્રાફ્ટ પૉલિસી જાહેર કરી હતી અને લોકો પાસેથી સૂચનો માંગ્યા હતા. વિભાગને કુલ 160થી વધુ સૂચનો મળ્યા છે. જેમાં એપ આધારિત ટેક્સી ઑપરેટરોના ભાડા, મુસાફરોની સુરક્ષા ઉપરાંત મુસાફરો સાથે ગેરવર્તણૂક અંગેના સૂચનો પણ સામેલ કરવામાં આવ્યા હતા. સૂત્રોનુ માનીએ તો શુક્રવારે પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે આ અંગે એક બેઠક બોલાવી છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે આ યોજના તેના અંતિમ તબક્કામાં છે. આમાં મુસાફરોની સુરક્ષા, મૉનિટરિંગથી લઈને ઈ-ટેક્સીના ભાડાને લઈને ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે.
ઈ-વાહન વધારવા પડશે
વાહનવ્યવહાર વિભાગે મોબાઈલ એપ આધારિત ટેક્સી ઑપરેટરો માટે ઈ-ટેક્સીનો કાફલામાં સમાવેશ કરવાની જોગવાઈ પણ કરી છે. હાલના કાફલા પર કોઈ અસર થશે નહિ પરંતુ આગામી પાંચ વર્ષમાં તમામ વાહનોને તબક્કાવાર ઈ-વાહનોમાં રૂપાંતરિત કરવા પડશે. ઉદાહરણ તરીકે પ્રથમ છ મહિનામાં, કાફલામાંના કુલ વાહનોના 10 ટકા ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર અને પાંચ ટકા ફોર-વ્હીલરના ઈ-વ્હીકલમાં રૂપાંતરિત થવાના રહેશે. એક વર્ષમાં 10થી 25 ટકા અને ચાર વર્ષમાં આ તમામ શ્રેણીઓએ 100 ટકા ઈ-વાહનોને આવરી લેવા પડશે.
નિયંત્રણ કક્ષથી નજર
મોબાઈલ એપ આધારિત ટેક્સીમાં મુસાફરોની સુરક્ષાને લઈને ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે. બુકિંગ સમયે બતાવેલ અથવા જણાવવામાં આવેલ ડ્રાઇવરે જ વાહન સાથે પહોંચવાનુ રહેશે. જો ડ્રાઇવર મુસાફરી દરમિયાન આપેલ રૂટ બદલી નાખે તો તે પહેલા પેસેન્જરે તેની મોબાઇલ એપ પર જાણ કરવી પડશે. મુસાફરોની સુવિધા માટે કંટ્રોલરૂમ 24 કલાક સાત દિવસ ચાલશે.