નવી દિલ્લીઃ દિલ્લીની સરકારી હૉસ્પિટલોમાં આવતા વર્ષ સુધીમાં દર્દીઓ માટે ઉપલબ્ધ બેડની સંખ્યામાં 10 હજારથી વધુનો વધારો થશે. દિલ્લી સરકાર 11 નવી હૉસ્પિટલો બનાવી રહી છે. જેમાંથી ચાર હૉસ્પિટલમાં 3237 બેડ અને સાત હૉસ્પિટલમાં 6838 આઈસીયુ બેડની વ્યવસ્થા કરવામાં આવશે.
દિલ્લીના નાયબ મુખ્યમંત્રી અને જાહેર બાંધકામ વિભાગના પ્રધાન મનીષ સિસોદિયાએ નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરવા માટે PWD અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં તેમણે સિરસપુર, જ્વાલાપુરી, માદીપુર, હસ્તસાલ(વિકાસપુરી) ખાતે બાંધવામાં આવી રહેલી હૉસ્પિટલો તેમજ 6838 ICU બેડની ક્ષમતા ધરાવતી સાત નવી અર્ધ-કાયમી હૉસ્પિટલોના બાંધકામ કામો પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યુ કે તેમનુ કામ ગુણવત્તા સાથે જલ્દી પૂર્ણ થવુ જોઈએ. તેમણે કહ્યુ કે કેજરીવાલ સરકારનો ઉદ્દેશ્ય તેના તમામ નાગરિકોને સારી સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવાનો છે.
અધિકારીઓએ માહિતી આપી હતી કે મોટાભાગની હૉસ્પિટલોનું નિર્માણ કાર્ય આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. કેટલીક હૉસ્પિટલો 2023ના મધ્ય સુધીમાં તૈયાર થઈ જશે. સિસોદિયાએ કહ્યુ કે આ 11 હૉસ્પિટલોમાં 3237 બેડની ક્ષમતાવાળી 4 હૉસ્પિટલો અને 6838 ICU બેડની ક્ષમતાવાળી સાત અર્ધ-સ્થાયી ICU હૉસ્પિટલોનો સમાવેશ થાય છે.
દિલ્લીની સરકારી હૉસ્પિટલોમાં દરરોજ હજારો લોકો સારવાર માટે આવે છે. બેડની સંખ્યા વધારવાથી લાખો દર્દીઓને ફાયદો થશે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ કે દિલ્લીના સ્વાસ્થ્ય માળખાને વિશ્વ કક્ષાનુ બનાવવામાં આવી રહ્યુ છે. સિરસપુરમાં 1164 બેડ, જ્વાલાપુરી, માદીપુર અને હસ્તસાલ(વિકાસપુરી)માં 691 બેડ હશે. જ્વાલાપુરી અને માદીપુરમાં કામ માર્ચ 2023 સુધીમાં, હસ્તસાલમાં 2023ના છેલ્લા મહિના સુધીમાં પૂર્ણ થઈ શકે છે. શાલીમાર બાગમાં 1430 બેડ, કિરારીમાં 458 બેડ, સુલતાનપુરીમાં 527 બેડ, જીટીબી સંકુલમાં 1912 બેડ, ગીતા કોલોનીમાં ચાચા નહેરુ ચિલ્ડ્રન હૉસ્પિટલમાં 610 બેડ, સરિતા વિહારમાં 336 બેડ, રઘુવીર નગરમાં 1565 બેડ બનાવવામાં આવી રહ્યા છે. તે ટૂંક સમયમાં તૈયાર થઈ જશે.
દિલ્લીના વિવિધ વિસ્તારોમાં સ્થપાયેલા 12 નવા મોહલ્લા ક્લિનિક્સ ટૂંક સમયમાં લોકોને સમર્પિત કરવામાં આવશે. આ ઉપરાંત 52 મોહલ્લા ક્લિનિકનુ નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યુ છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે આ ક્લિનિક્સ વહેલી તકે શરૂ કરવામાં આવે જેથી સામાન્ય લોકો અહીં સ્વાસ્થ્ય સુવિધાઓનો લાભ લઈ શકે. મોહલ્લા ક્લિનિકમાં દરરોજ 70 હજારથી વધુ લોકો સારવાર લઈ રહ્યા છે. દિલ્લીમાં 500થી વધુ મોહલ્લા ક્લિનિક્સની સ્થાપના કરવામાં આવી છે. અહીં દર્દીઓને મફત દવાઓ અને અન્ય સુવિધાઓ મળે છે.