ચંદીગઢ : વિધાનસભાના વિશેષ સત્રને રદ કરવાને લઈને આજે ચંદીગઢમાં આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન પંજાબના નાણામંત્રી હરપાલ ચીમાએ સંબોધન કરતા વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ સતત લોકતંત્રને કલંકિત કરી રહ્યું છે. ભાજપ સતત રાજ્ય સરકારોને તોડવાનું કામ કરી રહ્યું છે. પહેલા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા અને હવે પંજાબ દેશની સામે છે.
ચીમાએ કહ્યું કે, ભાજપ એવા રાજ્યોમાં ઓપરેશન લોટસ શરૂ કરવાનું ચાલુ રાખશે જ્યાં લોકો બીજેપીને બહાર કરીને અન્ય પાર્ટીઓ જીત મેળવશે. પોતાની હાર જોઈને બીજેપી અન્ય પાર્ટીઓના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. ચીમાએ કહ્યું કે AAPના 10 ધારાસભ્યોને 25 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી છે. તેમણે કહ્યું કે ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ઓપરેશન લોટસનો એક ભાગ છે.
હરપાલ ચીમાએ વધુમાં જણાવ્યું કે, આજે યોજાનાર બીજી વિધાનસભાનું વિશેષ સત્ર રાજ્યપાલ દ્વારા રદ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યપાલનો નિર્ણય બંધારણની હત્યા કરી રહ્યો છે, લોકતંત્રની હત્યા કરી રહ્યો છે. રાજ્યપાલે પહેલા હા પાડી હતી અને બાદમાં કોંગ્રેસ અને ભાજપના પત્ર પર રાજ્યપાલે તેને રદ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપરેશન લોટસ દ્વારા ભાજપ AAP સરકારને તોડવાનો પ્રયાસ કરી રહી છે.
સત્ર રદ થયા બાદ માન સરકારે આજે સવારે કેબિનેટની બેઠક બોલાવી હતી. આ કેબિનેટની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે 27મીએ વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવશે, જેમાં પંજાબના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સિવાય હરપાલ ચીમાએ કહ્યું કે ગઈકાલે પંજાબનો કાળો દિવસ હતો. AAP સરકારે તો ત્યાં સુધી કહ્યું છે કે રાજ્યપાલ પણ ઓપરેશન લોટસમાં સામેલ છે.