નવી દિલ્લીઃ એક્સાઈઝ પૉલિસી કૌભાંડમાં સીબીઆઈની સાથે ઈડી પણ તપાસ કરી રહી છે. આ મામલામાં હવે તેણે આમ આદમી પાર્ટીના નેતા અને MCD ચૂંટણી પ્રભારી દુર્ગેશ પાઠકને પૂછપરછ માટે બોલાવ્યા છે. જેને લઈને રાજકારણ શરૂ થઈ ગયુ હતુ. કેન્દ્ર અને ભાજપ પર નિશાન સાધતા દિલ્લીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યુ કે આજે ઈડીએ AAPના એમસીડી ચૂંટણી પ્રભારી દુર્ગેશ પાઠકને સમન્સ પાઠવ્યા છે. અમારા એમસીડી ચૂંટણી પ્રભારીને દિલ્લી સરકારની દારૂની નીતિ સાથે શું લેવાદેવા છે? શું તેમનો ટાર્ગેટ લિકર પૉલિસી છે કે એમસીડી ચૂંટણી?
વાસ્તવમાં, ઈડીએ પણ એક્સાઇઝ કૌભાંડમાં તેમની તપાસ તેજ કરી દીધી છે. શુક્રવારે કેન્દ્રીય એજન્સીએ હૈદરાબાદ, બેંગલુરુ, મેંગલુરુ અને ચેન્નાઈમાં 40 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ પછી ઈડીની એક ટીમ તિહાર જેલ પહોંચી હતી. ત્યાં દિલ્લીના મંત્રી સત્યેન્દ્ર જૈનની લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી. હવે આ કેસમાં આપ નેતા દુર્ગેશ પાઠકને સમન્સ મોકલવામાં આવ્યા છે. પાર્ટીનો દાવો છે કે એમસીડી ચૂંટણીમાં આપને નબળી પાડવા માટે ભાજપ તેમની પાર્ટીના નેતાઓને નિશાન બનાવી રહી છે.
વળી, ભાજપે આ કેસના આરોપી અમિત અરોરાનો એક સ્ટિંગ વીડિયો જાહેર કર્યો હતો, જેમાં તેણે કરોડોના ટ્રાન્ઝેક્શનની વાત કરી હતી. તપાસ એજન્સીઓ દ્વારા પણ તેની નોંધ લેવામાં આવી છે. તેમજ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જો કે, આપ દ્વારા આ સ્ટિંગને ખોટુ ગણાવાયુ હતુ. સિસોદિયાએ કહ્યુ હતુ કે ભાજપે આ સ્ટિંગ સીબીઆઈને આપવુ જોઈએ અને તેમને ચાર દિવસમાં તપાસ પૂરી કરવા માટે કહેવુ જોઈએ. જો સ્ટિંગ સાચુ હોય તો મારી તાત્કાલિક ધરપકડ થવી જોઈએ.
કેજરીવાલે પણ કર્યો પલટવાર
રવિવારે દિલ્લીમાં આયોજિત કૉન્ફરન્સમાં કેજરીવાલે કહ્યુ કે સત્યેન્દ્ર જૈન અને અમાનતુલ્લા ખાનને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. આ લોકો હવે સિસોદિયાને જેલમાં ધકેલી દેવાના છે. તેમજ કૈલાશ ગેહલોત પર દરોડાની યોજના છે. ભાજપ અનેક ધારાસભ્યોને જેલમાં ધકેલી દેશે. 3-4 મહિના માટે જેલમાં જવાની તૈયારી કરો. જો આ હિંમત આવી ગઈ તો આ લોકો આપણુ કંઈ નહિ બગાડી શકે.