કિંગ ચાર્લ્સ, પ્રિન્સ વિલિયમ અને હેરી તેમજ અન્ય વરિષ્ઠ રાજવીઓ દ્વારા બકિંઘમ પૅલેસથી વળાવ્યા બાદ મહારાણી એલિઝાબેથ દ્વિતીયનો પાર્થિવ દેહ હવે વૅસ્ટમિન્સ્ટર હૉલમાં મૂકવામાં આવ્યો છે.
તેમના તાબૂત પર તાજ મૂકવામાં આવ્યો છે. શાહી પરિવારનાં ઘરેણાંના સંગ્રહમાં આ કદાચ સૌથી જાણીતી ચીજ છે.
આ તાજમાં બ્રિટિશ રાજાઓ અને રાણીઓ દ્વારા સદીઓથી એકત્રિત કરાયેલાં હજારો અમૂલ્ય રત્નો જડેલાં છે.
આ તાજમાં આશરે ત્રણ હજાર રત્નો જડેલાં છે જેમાં 2,868 હીરા છે, 273 મોતી, 17 નીલમ, 11 નીલમણિ અને પાંચ રૂબી છે.
ધ ક્રાઉન જ્વેલ્સનાં લેખિકા અને ઇતિહાસકાર એના કે કહે છે, "ઘણી વખત તેના તરફ જોતા આંખો અંજાઈ જાય છે, કેમ કે તેની અંદરથી તીવ્ર પ્રકાશ આવે છે. તે ખૂબ જ ચમકીલો છે અને જોવામાં ખૂબ જ જબરજસ્ત છે."
તેઓ કહે છે ઐતિહાસિક રીતે મધ્ય યુગમાં તાજ સંપત્તિ અને પદને દર્શાવતા હતા.
"તે વૈભવ દર્શાવે છે, તે સાર્વભૌમત્વ દર્શાવે છે."
રાણીના પિતા કિંગ જ્યોર્જ ષષ્ઠમના રાજ્યાભિષેક માટે 1937માં બનાવવામાં આવેલા ઇમ્પિરિયલ સ્ટેટ ક્રાઉનને રાણી વિક્ટોરિયાના બદલાયેલા તાજ કરતાં હળવો અને વધુ સારી રીતે ફિટ થાય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યો હતો.
જોકે, ઇમ્પિરિયલ ક્રાઉન હજુ પણ 1.06 કિલોગ્રામ જેટલું વજન ધરાવે છે.
પોતાના શાસન દરમિયાન મહારાણી એલિઝાબેથ દ્વિતીય સંસદસત્રને શરૂ કરવાના વાર્ષિક કાર્યક્રમ દરમિયાન તે પહેરતાં હતાં. તેઓ દરમિયાન તેને પહેરીને સોનાના સિંહાસન પર બેસતાં અને આગામી વર્ષ માટેની સરકારની મુખ્ય સંસદીય યોજનાઓ વાંચતાં હતાં.
2018માં મહારાણીએ મજાકમાં કહ્યું હતું કે આ તાજ પહેરવો તેમના માટે કેટલો ભારે છે.
મહારાણીએ કહ્યું હતું, "સ્પીચ વાંચવા માટે તમે નીચે જોઈ શકતા નથી. તમારે સ્પીચને ઉપર લેવી પડે છે. જો તમે નીચે જુઓ તો તમારી ગરદન જ તૂટી જાય."
"તાજના કેટલાક ગેરફાયદા છે, પરંતુ બાકી રીતે તે ખૂબ મહત્ત્વપૂર્ણ છે."
2019માં જ્યારે મહારાણી પોતાના 90ના દાયકામાં પહોંચ્યાં ત્યારે હળવો તાજ વાપરવામાં આવતો અને 2021માં જ્યારે તેમણે એક સમારોહમાં ભાગ લીધો હતો ત્યારે તેમણે કોઈ પણ તાજ પહેર્યો ન હતો.
ઇમ્પિરિયલ સ્ટેટ ક્રાઉનમાં 317 કૅરેટના કુલીનન 2 હીરા છે જેને ઘણી વખત 'સેકન્ડ સ્ટાર ઑફ આફ્રિકા' પણ કહેવામાં આવે છે. તેને અત્યાર સુધીમાં મળી આવેલા સૌથી મોટા હીરાથી કાપવામાં આવ્યો હતો અને તેને એડવર્ડ સપ્તમને તેમના 66મા જન્મદિવસ પર ટ્રાન્સવાલ સરકાર દ્વારા ભેટમાં આપવામાં આવ્યો હતો.
ટ્રાન્સવાલ એ પૂર્વ બ્રિટિશ ક્રાઉન કૉલોની છે જે હાલનું દક્ષિણ આફ્રિકા છે.
શાહી સંગ્રહમાં સૌથી જૂના રત્નનો પણ સમાવેશ થાય છે જેમાં એક નીલમ છે, જે એક વખત ઇંગ્લૅન્ડના 11મી સદીના રાજા સેન્ટ એડવર્ડ ધ કન્ફેસર દ્વારા રિંગમાં પહેરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
નીલમ હવે તાજના મધ્યમાં તાજની ટોચ પર ગોઠવવામાં આવ્યો છે.
મહારાણી ખાસ કરીને તાજમાં એક મોટા લાલ રત્ન માટે ઉત્સુક હતાં - જે બ્લૅક પ્રિન્સ રૂબી તરીકે ઓળખાય છે.
એવું માનવામાં આવે છે કે તેને 1415માં હેનરી પંચમ દ્વારા 100 વર્ષના એજિનકોર્ટના યુદ્ધ દરમિયાન પહેરવામાં આવ્યું હતું - જ્યારે અંગ્રેજી દળોએ કાલાઈસની દક્ષિણમાં ફ્રેન્ચને હરાવ્યું હતું.
દંતકથા છે કે રાજાએ રૂબીમાં ડ્રિલ કરેલા છિદ્રમાં પીંછું મૂક્યું હતું.
2018માં મહારાણીએ બીબીસીને કહ્યું હતું, "તેને જોવામાં મજા આવે છે. વિચાર એવો હતો કે કલગીને તેમના હેલ્મેટના હીરામાં મૂકવામાં આવે, થોડું અવિચારી છે પણ મને લાગે છે કે તે દિવસોમાં તેમણે એવું કંઈક કર્યું હતું."
બીબીસી સંવાદદાતા ક્લાઇવ માઇરીને આ વર્ષે બીબીસી ડૉક્યુમૅન્ટરી માટે અભૂતપૂર્વ તાજને નજીકથી જોવાની તક મળી હતી, તેઓ તેને "માન્યામાં ન આવે તેવો" ગણાવે છે.
તેઓ કહે છે, "હીરાની જે શુદ્ધતા છે તે અવિશ્વસનીય છે."
નવીનતમ તકનીકની અભૂતપૂર્વ ઍક્સેસ સાથે ક્લાઇવ માઇરી ક્રાઉન જ્વેલ્સમાં લગાવવામાં આવેલા ભવ્ય, આશ્ચર્યજનક, જટિલ ઇતિહાસને ઉજાગર કરે છે.
પરંતુ ઇમ્પિરિયલ સ્ટેટ ક્રાઉન અને તમામ ક્રાઉન જ્વેલ્સની કિંમત જોવા જઈએ તો તેની આકારણી કરવી અશક્ય છે. રૉયલ એક્સપર્ટ એલેસ્ટેર બ્રુસે બીબીસી ડૉક્યુમૅન્ટરીમાં કહ્યું હતું કે આ સંગ્રહનું નાણાકીય મૂલ્ય તારવી શકાતું નથી.
"તેને અમૂલ્ય ગણાવવું ઠીક છે. પરંતુ તમે સંગ્રહમાં જેટલા હીરા છે તેટલા શૂન્ય ઉમેરી શકો છો."
જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે ઇમ્પિરિયલ સ્ટેટ ક્રાઉન ટાવર ઑફ લંડન ખાતેના જ્વેલ હાઉસમાં જાહેર પ્રદર્શનમાં હોય છે. આ જગ્યા ક્રાઉન જ્વેલ્સનું 600 વર્ષ કરતાં વધારે સમયથી ઘર રહી છે.
પરંપરા પ્રમાણે હવે કિંગ ચાર્લ્સ તૃતીય સેન્ટ એડવર્ડનો તાજ તેમના રાજ્યાભિષેક દરમિયાન પહેરશે, પરંતુ સમારોહના અંતમાં વેસ્ટમિન્સ્ટર એબેમાંથી બહાર નીકળતાં સમયે તેઓ સ્ટેટ ક્રાઉન પહેરશે.
આ પછી તેમનાં માતાની જેમ સંસદસત્રના ઉદ્ઘાટન સમયે દર વર્ષે તેમજ બીજા ઔપચારિક કાર્યક્રમો દરમિયાન તેઓ ઇમ્પિરિયલ સ્ટેટ ક્રાઉન પહેરશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.
Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.
YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.