કોલકાતા : પશ્ચિમ બંગાળમાં મંગળવારે મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ ભાજપનો વિરોધ હિંસક બન્યો હતો. સમગ્ર કોલકાતામાં હિંસક અને આગજનીની ઘટનાઓ બની છે. જાહેર સંપત્તિને નોંધપાત્ર નુકસાન થયું છે. આ વિરોધ દરમિયાન ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ પણ થઈ હતી. કલકત્તા હાઈકોર્ટે આ સમગ્ર ઘટના અંગે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે.
હાઈકોર્ટે કોલકાતા પોલીસને એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે કે કોઈ પણ વ્યક્તિની ગેરકાયદેસર ધરપકડ ન થાય અને જાહેર સંપત્તિને કોઈ નુકસાન ન થાય. કલકત્તા હાઈકોર્ટે રાજ્યના ગૃહ સચિવ પાસેથી આજના હિંસક દેખાવો અંગે 19 સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટ માંગ્યો છે.
તમને જણાવી દઈએ કે મંગળવારે ભાજપે શાસક ટીએમસી સરકાર વિરુદ્ધ કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ભાજપના હજારો કાર્યકરો કોલકાતાની સડકો પર ઉતરી આવ્યા હતા. પહેલા પ્રદર્શન શાંતિપૂર્ણ હતું, પરંતુ પોલીસ અને પ્રદર્શનકારીઓ સામસામે આવી ગયા બાદ આ પ્રદર્શન હિંસક બની ગયું હતું અને પછી તોફાનો અને આગચંપીની ઘટનાઓ બની હતી. દેખાવકારોએ પોલીસના વાહનોને આગ ચાંપી દીધી હતી.
પથ્થરમારાની ઘટનાઓમાં કેટલાય લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પોલીસે હાવડા પુલ પાસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી, રાહુલ સિંહા અને સાંસદ લોકેટ ચેટર્જી સહિત ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેટલાક નેતાઓને પણ કોલકાતાના હેસ્ટિંગ્સમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા.