ગેંગસ્ટરો પર આકરી કાર્યવાહી કરતા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આજે દેશમાં લગભગ 50 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ તમામ ગેંગસ્ટરો હથિયારોની દાણચોરી અને ગેંગ વોર સાથે સંકળાયેલા છે, NIA એ તમામને કાબુમાં લેવા માટે એક મોટું પગલું ભર્યું છે, જેમાં લગભગ 160 અધિકારીઓ સામેલ હોવાનું કહેવાય છે. પહેલા એવું જણાવવામાં આવ્યું હતું કે આ દરોડા પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના સંબંધમાં છે, પરંતુ પછી NIA દ્વારા કહેવામાં આવ્યું કે તે સિદ્ધુ મુસેવાલાની હત્યાની તપાસ કરી રહી નથી.
તમને જણાવી દઈએ કે 29 મે 2022ના રોજ પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની કેટલાક અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ગાયક, તેના પાડોશી ગુરવિંદર સિંહ અને પિતરાઈ ભાઈ ગુરપ્રીત સિંહ સાથે, તે સમયે તેના મહિન્દ્રા થાર વાહનમાં ઘરની બહાર નીકળ્યા હતા જ્યારે ઘરથી થોડે દૂર બદમાશોએ તેના પર ગોળીબાર કર્યો હતો. સિદ્ધુ મૂઝવાલાએ ઘણા પંજાબી હિટ ગીતો આપ્યા હતા અને તેમની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી હતી. સિદ્ધુ મુસેવાલાએ કોંગ્રેસની ટિકિટ પર માનસાથી વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી પરંતુ તેમનો પરાજય થયો હતો.
નોંધનીય છે કે એક દિવસ પહેલા જ મુસેવાલા હત્યા કેસના આરોપી દીપક મુંડી, કપિલ પંડિત અને રાજીન્દરને પંજાબની માનસા કોર્ટે 6 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. નેપાળ પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી. દીપક મુંડી સિદ્ધુ મુસેવાલા હત્યા કેસનો મુખ્ય શૂટર હોવાનું કહેવાય છે.
સિદ્ધુ મુસેવાલાના પિતાને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ ગેંગ દ્વારા 'વોર્નિંગ સોપુ ગ્રુપ સે' નામના ઈમેલ પર આપવામાં આવી છે, જેમાં લખ્યું છે કે 'જો તમે વધુ બોલશો તો તમારી હાલત સિદ્ધુ કરતા પણ વધુ ખતરનાક, ભયંકર થશે, તમારા પુત્રએ અમારા ભાઇઓની હત્યા કરાવી અને અમે તમારા પુત્રને મારી નાખ્યો.' હાલ મામલાની તપાસ ચાલી રહી છે.