ચંદીગઢઃ ટેક્સટાઈલ પાર્કના નિર્માણને લઈને મહત્વના સમાચાર છે. પંજાબ સરકારે ટેક્સટાઈલ પાર્ક સ્થાપવા માટે નવી જગ્યા શોધી લીધી છે. મળતી માહિતી મુજબ પી.એમ. મિત્ર યોજના હેઠળ હવે આ પાર્ક ફતેહગઢ સાહિબમાં બનાવવામાં આવશે. સીએમ માને આ પ્રશંસનીય કાર્ય માટે કેન્દ્રીય કાપડ મંત્રી પીયૂષ ગોયલને પ્રસ્તાવ મોકલ્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે ટેક્સટાઇલ પાર્ક બનાવવા માટે 1000 એકર જમીન જરૂરી છે.
પંજાબ સરકારે દાવો કર્યો છે કે પ્રોજેક્ટ પૂર્ણ કરતી વખતે પ્રદૂષણ અને અન્ય સંબંધિત મુદ્દાઓ પર યોગ્ય ધ્યાન આપવામાં આવશે. બીજી તરફ સી.એમ માન કહે છે કે ટેક્સટાઈલ પાર્ક બનાવવાથી રોકાણકારો આવશે અને પંજાબના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. આ ઉપરાંત યુવાનોને રોજગારીની તક પણ મળશે. તમને જણાવી દઈએ કે અગાઉ આ ટેક્સટાઈલ પાર્ક લુધિયાણાના મત્તેવાડા જંગલમાં બનવા જઈ રહ્યો હતો જેનુ મોટા પાયે પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે મત્તેવાડા વન પ્રોજેક્ટને લઈને પર્યાવરણ પ્રેમીઓ, ખેડૂત જૂથો, રાજકીય નેતાઓએ મોટા પાયે પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેના કારણે સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો અને આ ટેક્સટાઈલ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો હતો.
પંજાબ સરકારે જાહેર કરી નવી પૉલિસી
પંજાબ સરકાર દ્વારા રાજ્યના ઉદ્યોગપતિઓ માટે નવી ઔદ્યોગિક નીતિ તૈયાર કરવામાં આવી છે. આ નવી નીતિ આ વર્ષે ઓક્ટોબરથી લાગુ કરવામાં આવી રહી છે. જેને લઈને પંજાબના ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન, લેબર, ટૂરિઝમ મિનિસ્ટર અનમોલ ગગન માન ચંદીગઢ પહોંચ્યા હતા. તેમણે અહીં કહ્યુ કે મુખ્યમંત્રી ભગવંત માનના દૂરંદેશી નેતૃત્વ હેઠળની પંજાબ સરકારની ઉદ્યોગ તરફી નીતિઓએ રાજ્યમાં રૂ.21000 કરોડનુ રોકાણ આકર્ષિત કર્યુ છે. નવા ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સના પ્રવાહથી પંજાબમાં 90,000થી વધુ નોકરીની તકો ઊભી થવાની અપેક્ષા છે. તેઓ ચંદીગઢમાં વેપાર, પ્રવાસન, કરવેરા, વીજળી અને શ્રમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે 'પંજાબમાં ઔદ્યોગિક વિકાસ અને રોકાણને પ્રોત્સાહન' વિષય પર કોન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી(CII) દ્વારા આયોજિત સત્રને સંબોધિત કરી રહ્યા હતા.
તેમણે વધમાં કહ્યુ કે તેઓ પંજાબમાં રોકાણ કરવા માટે તમામ ઉદ્યોગપતિઓને આવકારે છે. ખાસ કરીને કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રોમાં અને પંજાબમાં રોકાણના વાતાવરણને સુધારવા માટે તેમના સૂચનો આપે છે. રાજ્ય સરકાર નવા ઉદ્યોગો અને રોકાણકારોને તેમના વ્યવસાય સ્થાપતી વખતે યોગ્ય અને આરામદાયક વાતાવરણ પૂરુ પાડવા માટે કામ કરી રહી છે. પંજાબમાં ઔદ્યોગિક વાતાવરણની મજબૂતાઈ પર પ્રકાશ પાડતા કેબિનેટ મંત્રીએ જણાવ્યુ હતુ કે રસ્તા, રેલવે અને હવાઈ માર્ગો દ્વારા સરળ કનેક્ટિવિટી ઔદ્યોગિક રોકાણને પ્રોત્સાહિત કરવા માટે અનુકૂળ વાતાવરણ પૂરુ પાડે છે.
પંજાબ સરકારની નવી ઓદ્યોગિક નીતિ મુજબ ઉદ્યોગકારો તેમની જરૂરિયાત મુજબ જમીન લઈ શકશે, તમામ પ્રકારની મંજૂરી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે, ઘણા સેક્ટરમાં પોર્ટલ પર અરજી કરતાની સાથે જ મંજૂરી મળી જશે, દરેક જગ્યાએ નિયમો એકસરખા રહેશે.