નવી દિલ્લીઃ દેશની રાજધાનીને પ્રદૂષણથી બચાવવા માટે દિલ્લી સરકારે મોટો નિર્ણય લીધો છે. દિલ્લીમાં આમ આદમી પાર્ટીની સરકારે ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. દિલ્લીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આ જાણકારી આપી છે. તેમણે કહ્યુ કે, દિલ્લીના લોકોને પ્રદૂષણના ભયથી બચાવવા માટે ગત વર્ષની જેમ આ વખતે પણ તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે જેથી લોકોનો જીવ બચાવી શકાય. આ વખતે દિલ્લીમાંં ફટાકડાના ઓનલાઈન વેચાણ/ડિલિવરી પર પણ પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ 1 જાન્યુઆરી, 2023 સુધી અમલમાં રહેશે. પ્રતિબંધનો કડક અમલ કરવા માટે દિલ્લી પોલીસ, DPCC અને મહેસૂલ વિભાગ સાથે મળીને એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે મંગળવારે દિલ્લી સરકારના વિન્ટર એક્શન પ્લાન પર એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગોપાલ રાયે વિન્ટર એક્શન પ્લાનને લઈને તમામ સંબંધિત વિભાગો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સરકારનુ મુખ્ય ધ્યાન 15 મુદ્દાઓ પર હતુ જેના માટે લગભગ 30 વિભાગોને વિગતવાર યોજના તૈયાર કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. પર્યાવરણ વિભાગને 15 સપ્ટેમ્બર સુધીમાં તેનો વિગતવાર અહેવાલ સુપરત કરવા માટે કહેવામાં આવ્યુ હતુ.
આટલુ જ નહિ પરાલી એટલે કે સૂકુ ઘાસ સળગાવવાથી થતા પ્રદૂષણને ચકાસવા માટે વિકાસ અને મહેસૂલ વિભાગને નોડલ એજન્સી બનાવવામાં આવી છે. તેમજ PWD, MCD, DCB, NDMC, DDA, CPWD, I&FC, દિલ્લી મેટ્રો, મહેસૂલ વિભાગ, દિલ્લી જલ બોર્ડને ધૂળના પ્રદૂષણને ચકાસવા માટે નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વળી, દિલ્લી ટ્રાફિક પોલીસ, પરિવહન વિભાગ, DIMTS, DTC, દિલ્લી મેટ્રો, GADને વાહનોના પ્રદૂષણને રોકવા માટે જવાબદારી સોંપવામાં આવી છે.