શ્રીલંકાની કટોકટીના મૂળ માનવાધિકાર ઉલ્લંઘન સાથે જોડાયેલા છે
આ રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 51મા સત્ર પહેલા જાહેર કરવામાં આવ્યો છે. આ સત્ર જિનીવામાં 12 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર દરમિયાન યોજાશે. તે શ્રીલંકા પર ઠરાવ રજૂ કરે તેવી શક્યતા છે. આ પ્રથમ વખત છે, જ્યારે યુએનની મુખ્ય સંસ્થાએ આર્થિક સંકટને શ્રીલંકાના સ્પષ્ટ માનવાધિકાર ઉલ્લંઘન સાથે જોડ્યું છે.
વિદેશી મુદ્રા ભંડારની તીવ્ર અછતને કારણે કટોકટી સર્જાઈ
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં સ્થાયી પુનઃપ્રાપ્તિ માટે, શ્રીલંકાએ સંકટ તરફ દોરી રહેલા અંતર્ગત કારણોને ઓળખવા અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે.
આ કારણોમાં ભૂતકાળ અને વર્તમાનમાં માનવાધિકારના ઉલ્લંઘન, આર્થિક ગુનાઓ અને ભ્રષ્ટાચારના દોષિતોને સજામાંથી મુક્તિનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા 1948માં આઝાદી બાદ સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. વિદેશી મુદ્રા ભંડારની તીવ્ર અછતને કારણે આ કટોકટી સર્જાઈ હતી.
મોનેટરી ફંડ 2.9 બિલિયનની મદદ કરવા તૈયાર
ગયા અઠવાડિયે, IMF એ જાહેરાત કરી હતી કે, તે નાદાર દેશને આર્થિક કટોકટીમાંથી બહાર કાઢવામાં મદદ કરવા અને તેના નાગરિકોની આજીવિકાનું રક્ષણ કરવા માટે શ્રીલંકાને ચાર વર્ષમાં લગભગ 2.9 બિલિયન ડોલરની લોન આપવા તૈયાર છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શ્રીલંકામાં તમામ સમુદાયો દેશમાં જવાબદારી સાથે લોકતાંત્રિક સુધારાના પક્ષમાં છે. આવી સ્થિતિમાં ભવિષ્ય માટે સહિયારી અને સામાન્ય દ્રષ્ટિ અપનાવીને સુધારા કરવા જોઈએ.
ગોટાબાયા સરકાર સામે દેશમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન
અહેવાલમાં વિક્રમસિંઘે સરકારને કડક સુરક્ષા કાયદાઓને તાત્કાલિક સમાપ્ત કરવા અને વિરોધ પ્રદર્શનો પર કડક કાર્યવાહી બંધ કરવા હાકલ કરવામાં આવી છે. તત્કાલિન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા બાદ વિક્રમસિંઘેએ સત્તા સંભાળી હતી.
ગોટાબાયા સરકાર સામે દેશમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા. આ પછી દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. ગોટાબાયા પરિવાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા.