નવી દિલ્લીઃ દિલ્લી લિકર પૉલિસીના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ના દરોડા ચાલુ છે. ઈડીએ દિલ્લી, મુંબઈ, ગુરુગ્રામ સહિત 30 સ્થળો પર દરોડા પાડ્યા છે. આરોપી સમીર મહેન્દ્રુના દિલ્લીના ઘરે સર્ચ ચાલુ છે. ગુરુગ્રામ, લખનઉ, હૈદરાબાદ, મુંબઈ અને બેંગલુરુ સહિત અન્ય સ્થળોએ પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
ઈન્ડિયા ટુડેના જણાવ્યા મુજબ ઈડીની કોઈ ટીમ હજુ સુધી દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે કે ઑફિસ પહોંચી નથી. તમને જણાવી દઈએ કે મનીષ સિસોદિયા સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહેલી એક્સાઈઝ પૉલિસી કેસમાં પણ આરોપી છે. ગયા મહિને સીબીઆઈએ મનીષ સિસોદિયાના દિલ્લી સ્થિત ઘરે દરોડા પાડ્યા હતા.
IAS અધિકારી અને દિલ્લીના ભૂતપૂર્વ એક્સાઇઝ કમિશનર અર્વા ગોપી કૃષ્ણ સહિત સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 19 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. કેન્દ્રીય તપાસ એજન્સીએ તેની એફઆઈઆરમાં આરોપી મનીષ સિસોદિયા, ભૂતપૂર્વ એક્સાઈઝ કમિશનર અર્વા ગોપી કૃષ્ણ, ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનર આનંદ કુમાર તિવારી, આસિસ્ટન્ટ એક્સાઈઝ કમિશનર પંકજ ભટનાગર, 9 ઉદ્યોગપતિઓ અને બે કંપનીઓના નામ લીધા છે.
મનીષ સિસોદિયાના આરોપો પર CBIનો પલટવાર
CBI અધિકારીની આત્મહત્યાને લઈને મનીષ સિસોદિયાએ મોટુ નિવેદન આપ્યુ હતુ. જેના પર સીબીઆઈએ પલટવાર કર્યો છે અને સીબીઆઈએ મનીષ સિસોદિયાના આરોપોને સંપૂર્ણ રીતે ફગાવી દીધા છે. તેમણે કહ્યુ કે મનીષ સિસોદિયાનુ નિવેદન ભ્રામક અને તોફાની છે. અમે આનો સખત ઇનકાર કરીએ છીએ. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે સીબીઆઈના દિવંગત અધિકારી જિતેન્દ્ર કુમાર આ કેસની તપાસ સાથે કોઈપણ રીતે જોડાયેલા ન હતા.