મુંબઈઃ ટાટા એન્ડ સન્સના ભૂતપૂર્વ ચેરમેન 54 વર્ષીય સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર મંગળવારે એટલે કે આજે સવારે વર્લીના સ્મશાનગૃહમાં થશે. સાયરસ મિસ્ત્રીનુ રવિવારે કાર અકસ્માતમાં મૃત્યુ થયુ હતુ. સાયરસ મિસ્ત્રીના મૃત્યુથી જીવનના તમામ ક્ષેત્રના લોકોને આઘાત લાગ્યો હતો. જેમાં રાજકારણીઓથી લઈને ઉદ્યોગપતિઓ સુધી દરેક દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાયરસ મિસ્ત્રીના મોટાભાગના પરિવારના સભ્યો વિદેશમાં રહે છે અને સોમવારે રાત સુધીમાં મુંબઈ પહોંચી ગયા હતા. 54 વર્ષીય સાયરસ મિસ્ત્રીના પોસ્ટમોર્ટમમાં મૃત્યુનુ કારણ પોલિટ્રોમા, મહત્વપૂર્ણ અવયવોમાં ગંભીર ઈજાઓ હોવાનું બહાર આવ્યુ છે.
સાયરસ મિસ્ત્રી ત્રણ પારિવારિક મિત્રો ડેરિયસ અને જહાંગીર પંડોલે અને ડેરિયસની પત્ની અનાહિતા પંડોલે સાથે ગુજરાતના ઉદવાડાથી મુંબઈ પરત ફરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર સૂર્યા નદીના ચરોટી પુલ પર કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીની સાથે મર્સિડીઝની પાછળની સીટ પર બેઠેલા 49 વર્ષીય જહાંગીરનું પણ મોત થયુ હતુ. પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ અનાહિતા ડ્રાઇવિંગ કરી રહી હતી અને તેનો પતિ ડેરિયસ તેની બાજુમાં આગળની સીટ પર બેઠો હતો. બંનેની સારવાર ચાલી રહી છે. સાક્ષીઓએ જણાવ્યુ હતુ કે અકસ્માતની 10 મિનિટમાં મદદ પહોંચી હતી.
પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં શું છે?
જેજે હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશને સોમવારે બપોરે 2.27 વાગ્યે પોસ્ટમોર્ટમ પૂર્ણ કર્યુ અને કાસા પોલીસ સ્ટેશન કે જ્યાં અકસ્માત થયો હતો તે સ્થાનિક પોલીસ સ્ટેશનને રિપોર્ટ મોકલ્યો. હૉસ્પિટલના એક સૂત્રએ જણાવ્યુ કે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પરથી તમે અનુમાન લગાવી શકો છો કે કાર સ્પીડમાં હતી. સાયરસ મિસ્ત્રીના પોસ્ટમોર્ટમમાં મૃત્યુનુ કારણ પોલીટ્રોમા અને શરીરની બહુવિધ ઇજાઓ હોવાનુ કહેવાય છે. પોલીટ્રોમા એ એવી સ્થિતિ છે જેમાં માથાની અંદરના પેશીઓની અંદર ગંઠાઈ ગયેલા લોહીનો નક્કર સોજો હોય છે. જેને તબીબી રીતે ઇન્ટ્રાક્રેનિયલ હેમેટોમા તરીકે ઓળખવામાં આવે છે. તે મોઢા, છાતી અથવા પેટમાં ઇજાને કારણે પણ હોઈ શકે છે.