પાકિસ્તાનમાં હવે ધીમેધીમે પૂરપીડિતો સુધી મદદ પહોંચતી થઈ છે. પરંતુ હજુ પણ ભીષણ પૂરને કારણે વિસ્થાપિત થયેલા લાખો લોકો સુધી આ મદદ પહોંચી નથી.
પાકિસ્તાનનાં વિદેશમંત્રી હિના રબ્બાની ખારે દેશમાં આવેલા પૂરને 'પ્રલય જેવી કટોકટી' ગણાવી છે.
તેમણે કહ્યું, "પાકિસ્તાનના ભારે ગરીબ લોકો નગણ્ય કાર્બનઉત્સર્જન કરે છે, પરંતુ આબોહવા પરિવર્તનનો સૌથી મોટો ફટકો તેમને જ પડી રહ્યો છે."
પાકિસ્તાનનો ત્રીજો ભાગ પાણીમાં ડૂબી ગયો છે. પૂરમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા એક હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. એક અનુમાન મુજબ, પૂરના કારણે પાકિસ્તાનને લગભગ 10 અબજ ડૉલરનું નુકસાન થયું છે.
'મેં પાણીમાંથી મૃતદેહો કાઢ્યા'
બીબીસીએ પાકિસ્તાનમાં જેમણે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું છે એવા કેટલાક લોકો સાથે વાત કરી છે. આ લોકો કોઈ પણ પ્રકારની મદદની રાહ જોઈ રહ્યા છે.
મહમદ અવેસ તારિક કહે છે, "અહીં મારા વિસ્તારમાં કેટલાય લોકોનાં મૃત્યુ થયાં છે. મેં અને મારા સાથીઓએ પૂરના પાણીમાંથી 15થી વધુ મૃતદેહો બહાર કાઢ્યા છે."
20 વર્ષીય મહમદ અવેસ તારિક તબીબી અભ્યાસ કરી રહ્યા છે અને ઇસ્લામાબાદથી 490 કિલોમિટર દૂર આવેલા નગર તૌંસા શરીફમાં રહે છે.
નગરનો મોટા ભાગનો વિસ્તાર ડૂબી ગયો છે. જેમાં શહેરના કબ્રસ્તાનનો પણ સમાવેશ થાય છે.
"કબ્રસ્તાનમાં કોઈ સૂકી જગ્યા બાકી રહી નથી. આખો વિસ્તાર પાણીમાં ડૂબેલો છે. તેથી અમે નક્કી કર્યું છે કે મૃતકોને તેમના ઘરે જ દફનાવી દેવામાં આવે."
પૂરના પાણીમાં ડૂબીને મૃત્યુ પામેલા ઘણા લોકોના મૃતદેહ હવે ગાયબ છે.
આ મૃતદેહોને શોધતાં તારિકને સમજાયું કે જો પૂર વિશે કોઈ આગાહી અથવા ચેતવણી ન આપવાનાં કેટલાં ભયંકર પરિણામો આવે છે.
તારિક જણાવે છે કે, "મને મારા શહેરની નજીકના એક ગામમાં એક પાંચ વર્ષનો બાળક કાદવમાં લપેટાયેલો મળ્યો. મને ત્યાંના લોકોએ કહ્યું કે થોડા કલાકો પહેલાં જ અચાનક પૂર આવ્યું હતું અને આ બાળક અને તેના પિતા તેમાં ફસાઈ ગયા હતા."
"પિતાએ કોઈક રીતે બાળકને તો સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દીધો પરંતુ પોતાને ના બચાવી શક્યા."
ગામલોકોએ જેમતેમ કરીને પિતાના મૃતદેહને બહાર કાઢ્યો. હાલ આ બાળક એની માતા પાસે સુરક્ષિત છે.
તારિક કહે છે, "અમારો વિસ્તાર 10થી 22 ઑગસ્ટ વચ્ચે પાણીમાં ડૂબેલો હતો. પરંતુ હવે વરસાદ બંધ થઈ ગયો છે. અને પાણીનું સ્તર નીચે આવી રહ્યું છે."
તારિકે એમ પણ જણાવ્યું કે પૂરને લીધે ગામડાના લોકો શહેરો તરફ જઈ રહ્યા છે જેથી પાણીથી બચી શકાય, જીવ બચાવવવા માટે સુરક્ષિત આશરો મેળવી શકાય.
તારિકનું પોતાનું ઘર પાણીમાં ડૂબી ગયું છે.
તેમના નગરમાં ઘણા લોકોનાં ઘરો પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગયાં છે. લગભગ એક અઠવાડિયા બાદ વીજળી પાછી આવી છે જેનાથી સ્થાનિક લોકોને થોડી રાહત મળી છે.
34 વર્ષીય પીરઝાદા પ્રોપર્ટી ડીલર છે અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બુની વિસ્તારમાં રહે છે.
પીરઝાદા કહે છે, "મારા વિસ્તારના ઓછાંમાં ઓછાં છ ગામો પૂરથી પ્રભાવિત થયાં છે. અનેક લોકોનાં ઘર સંપૂર્ણ નાશ પામ્યાં છે. "
"પૂરનું પાણી બુની વિસ્તારમાં પહોંચ્યું નથી, પરંતુ નજીકનાં ગામોમાં ભારે વિનાશ થયો છે. અહીં ભારે વરસાદ પડ્યો છે. સાથે જ કેટલાંક તળાવો પણ છલકાઈ ગયાં છે. આ બધાં કારણોને લીધે ભારે પૂરની સ્થિતિ સર્જાઈ છે."
પીરઝાદા કહે છે કે તેમને નજીકનાં ગામોમાં કોઈના મૃત્યુની જાણ નથી, પરંતુ અહીં સેંકડો લોકો વિસ્થાપિત થયા છે અને હાલ એ બધા તંબુઓમાં રહે છે.
તેમણે બીબીસીને જણાવ્યું કે ઘણાં ઘરોમાં ઘૂંટણ સુધી કાદવ ભરેલો છે અને લોકો પીવાનાં પાણી અને અન્ય જરૂરિયાતોની ભારે અછતનો સામનો કરી રહ્યા છે.
પીરઝાદાએ બીબીસીને કહ્યું, "લોકોને ઠંડીથી બચાવવા માટે સ્વેટર, ધાબળાની જરૂર છે કારણ કે અહીં ભારે ઠંડી છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં તાપમાન શૂન્યથી નીચે આવી જશે. પછી લોકો તંબુમાં રહી નહીં શકે."
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગુજરાત જિલ્લાના મુબીન અંસારે પણ બીબીસી સાથે વાત કરી.
તેઓ કહે છે કે તેમને ત્યાં પૂર આવ્યું નથી. તેઓ પૂરથી ખરાબ રીતે પ્રભાવિત લોકોની મદદ કરવામાં વ્યસ્ત છે.
" અમારા વિસ્તારમાં પૂર આવ્યું નથી. એટલો વરસાદ પણ નથી પડ્યો. હવે અમે અમારા લોકોને પૂરપ્રભાવિત લોકોને મદદ કરવા વિનંતી કરી રહ્યા છીએ."
મુબીન પોતાના 300 લોકોની વસતી ધરાવતા ગામમાંથી પૂરપીડિતો માટે કપડાં એકઠાં કરી રહ્યા છે.
"અમે લોકો પાસેથી મદદ મેળવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છીએ. અમે મસ્જિદમાં પણ રાહત સામગ્રી એકઠી કરી રહ્યા છીએ."
મુબીનનું કહેવું છે કે તેઓએ અત્યાર સુધીમાં પૂર પીડિતો માટે ટ્રક ભરીને કપડાં, ચોખા અને દાળ રાહતમાં આપ્યાં છે.
"અમે હવે બૅબી ફૂડ અને સેનિટરી નેપકીન ખરીદવાની યોજના બનાવી રહ્યા છીએ."મુબીનના ગ્રામજનોએ લોકોની મદદ માટે લગભગ ચાર લાખ રૂપિયા એકઠા કર્યા છે. મુબીન અને તેના મિત્રો શક્ય તમામ મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.
Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.
YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.