તાઈવાન અને ચીન વચ્ચેનો તણાવ યથાવત છે. ચીન છાશવારે એવી કોઈને કોઈ હરકત કરી જ રહ્યું છે કે જેથી આ ટેન્શન ઓછું ના થાય. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, તાઈવાનની આસપાસના વિસ્તારોમાં ગુરૂવારે સાંજે પાંચ વાગ્યે ચીનની એરફોર્સના 53 એરક્રાફટ અને નેવીના આઠ જહાજો જોવા મળ્યા હતા. જેમાંથી 14 વિમાનોએ તાઈવાનની બોર્ડર ક્રોસ કરી હતી.
તાઈવાનનું કહેવું છે કે, ચીનના વિમાનો ટ્રેક કરવા માટે અમે સિસ્ટમ તૈનાત કરી છે. તાઈવાનને વિમાનો તેમજ જહાજોને રેડિયો પ્રસારણ કરીને ચીમકી આપી હતી. ચીને જે વિમાનોને તાઈવાનના વિસ્તારોમાં મોકલ્યા હતા. તેમાં એક એન્ટી સબમરિન વોરફેર પ્લેન, ફાઈટર જેટ્સ, બોમ્બર તેમજ એરબોર્ન એવાક્સ પ્રકારના વિમાનોનો સમાવેશ થતો હતો.
ગત ઓગસ્ટમાં અમેરિકાની સંસદના સ્પીકર નેન્સી પેલોસીએ તાઈવાનની મુલાકાત લીધા બાદ ચીન છંછેડાયું હતું અને તેણે તાઈવાનને અડીને આવેલા વિસ્તારોમાં મિલિટરી કવાયત શરૂ કરી દીધી હતી. તાઈવાનની આસપાસ 6 વિસ્તારોમાં ચીનની સેનાએ લાઈવ ફાયર ડ્રિલ કરી હતી. બંને દેશો વચ્ચેનો ટકરાવ હવે એ હદે વધી ગયો છે કે, એક બીજાને આ દેશો ચેતવણી આપી રહ્યા છે.