નવી દિલ્લીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA) એ અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેની 'D' કંપની ગેંગ લિંક્સ વિશે માહિતી આપવા માટે રોકડ ઈનામની જાહેરાત કરી છે. NIAએ અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ પર 25 લાખનુ ઈનામ જાહેર કર્યુ છે. NIAએ બુધવારે જણાવ્યુ કે દાઉદ ઈબ્રાહિમે પોતાના સહયોગીઓ માટે 'D' કંપની, ઈબ્રાહીમની કંપની સાથે સંબંધિત તપાસમાં તેના સહયોગીઓ માટે હથિયારો, વિસ્ફોટકો, ડ્રગ્સ અને નકલી ભારતીય ચલણી નોટો (FICN)ની દાણચોરી માટે ભારતમાં એક યુનિટ બનાવ્યુ છે. અને પાકિસ્તાની એજન્સીઓ અને આતંકવાદી સંગઠનો સાથે મળીને આતંકવાદી હુમલા કરવાની પણ યોજના બનાવે છે.
હિન્દુસ્તાન ટાઈમ્સે નામ ન આપવાની શરતે એક અધિકારીને ટાંકીને જણાવ્યુ છે કે એજન્સીએ દાઉદ ઈબ્રાહિમના ભાઈ અનીસ ઈબ્રાહીમ ઉર્ફે હાજી અનીસ માટે પણ ઈનામની જાહેરાત પણ કરી છે, નજીકના સાથીદારો જાવેદ પટેલ ઉર્ફે જાવેદ ચિકના, શકીલ શેખ ઉર્ફે છોટા શકીલ અને ઈબ્રાહીમ મુશ્તાક અબ્દુલ રઝાક મેમણ ઉર્ફે ટાઈગર મેમણ માટે પણ ઈનામો જાહેર કરવામાં આવ્યા છે. દાઉદ ઈબ્રાહિમ માટે ઈનામની રકમ રૂ. 25 લાખ છે, જ્યારે એજન્સીએ છોટા શકીલ માટે રૂ. 20 લાખ અને અનીસ, ચિકના અને મેમણ માટે રૂ. 15-15 લાખની જાહેરાત કરી છે એમ અધિકારીએ જણાવ્યુ હતુ.
એજન્સીનો દાવો છે કે દાઉદ પાકિસ્તાનના કરાંચીમાં છે. 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટો સહિત ભારતમાં અનેક આતંકવાદી પ્રવૃત્તિઓ માટે વૉન્ટેડ દાઉદ ઈબ્રાહિમ પર પહેલેથી જ $25 મિલિયનનુ ઈનામ છે. 2003માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. દાઉદ ઈબ્રાહિમ લશ્કર-એ-તૈયબા (LeT)ના વડા હાફિઝ સઈદ, જૈશ-એ-મોહમ્મદ (JeM)ના વડા મૌલાના મસૂદ અઝહર, હિઝબુલ મુજાહિદ્દીનના સ્થાપક સૈયદ સલાહુદ્દીન અને તેના નજીકના સાથી અબ્દુલ રઉફ અસગર સાથે ભારતના મોસ્ટ વૉન્ટેડ લોકોમાં સામેલ છે.