કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું હતું કે,
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે અભિપ્રાય આપવો જોઈએ કે, શું હિન્દુઓને એવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લઘુમતીનો દરજ્જો આપવો જોઈએ કે, જ્યાં તેમની સંખ્યા અન્ય સમુદાયોની તુલનામાં ઓછી હોય. આ પહેલા કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, તેમને આ અંગે પોતાનો અભિપ્રાય આપવા માટે હજૂ થોડો સમય જોઈએ છે.
સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે
આ પહેલા સોમવારના રોજ કેન્દ્ર સરકારે આ મામલે જવાબ આપવા માટે કોર્ટ પાસે થોડો સમય માંગ્યો હતો. દેશના 10 કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યોમાં હિંદુઓ લઘુમતી છે. આ આધારને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે કે, જ્યાં હિન્દુઓની વસ્તી ઓછી છે, ત્યાં તેમને લઘુમતીનો દરજ્જો આપવામાં આવે.
આ મુદ્દે બોલતા કેન્દ્રીય લઘુમતી કલ્યાણ મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, હજૂ સુધી આ મુદ્દે નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર તરફથી કોઈ જવાબ મળ્યો નથી. આ સિવાય હિમાચલ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાંથી પણ કોઈ પ્રતિક્રિયા મળી નથી.
લઘુમતીનો દરજ્જો આપવાના મામલે કેન્દ્ર અને રાજ્યો સમાંતર સંસ્થાઓ છે
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, તે આ મુદ્દે બેઠક કરશે અને વિચાર-મંથન પછી જ કોઈ જવાબ આપી શકાશે. આ અગાઉ મે મહિનામાં કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા વારંવાર સ્ટેન્ડ બદલવા પર નારાજગી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે આ મુદ્દે 25 માર્ચના રોજ કોર્ટમાં જણાવ્યું હતું કે, લઘુમતીનો દરજ્જો આપવાના મામલે કેન્દ્ર અને રાજ્યો સમાંતર સંસ્થાઓ છે.
સરકારે જણાવ્યું હતું કે, કોઈપણ સમુદાયને રાજ્યો તેમના સ્તરે લઘુમતીનો દરજ્જો આપી શકે છે, પરંતુ બે મહિના બાદ મે મહિનામાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, લઘુમતીનો દરજ્જો નક્કી કરવાનો અધિકાર માત્ર કેન્દ્રને છે. સર્વોચ્ચ અદાલતે તેમના બદલાયેલા વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી.