નવી દિલ્લીઃ દિલ્લી વિધાનસભાનું આજે બે દિવસનુ વિશેષ સત્ર થવા જઈ રહ્યુ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગૃહમાં વિશ્વાસ મત રજૂ કરશે. માનવામાં આવે છે કે આજે ગૃહમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર હંગામો થઈ શકે છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ એક્સાઈઝ નીતિ અને તપાસને કારણે દિલ્લી સરકાર જે રીતે સકંજામાં આવી રહી છે તે મુદ્દે આજે ગૃહમાં ભારે હોબાળો થવાની સંભાવના છે. ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરતા અરવિંદ કેજરીવાલે કહ્યુ કે ભાજપ તેમની સરકારને તોડવાની કોશિશ કરી રહી છે. ભાજપે તેમની સરકારને તોડવા માટે ઓપરેશન લોટસ શરૂ કર્યુ હતુ પરંતુ તે નિષ્ફળ જતાં ભાજપ અમારા એક ધારાસભ્યને પણ ખરીદી શકી નથી. અમારા 40 ધારાસભ્યોને 20-20 કરોડ રૂપિયામાં ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સવારે 11:00 વાગ્યે ગૃહ શરૂ થતાની સાથે જ પ્રસ્તાવ રજૂ કરશે. તમને જણાવી દઈએ કે વિશ્વાસ મત યોજવાનો પ્રસ્તાવ AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલે જ રજૂ કર્યો હતો કારણ કે તેઓ સાબિત કરવા માંગતા હતા કે તેમની પાર્ટીમાં કોઈ ભંગાણ નથી. હકીકતમાં, તેમણે ભૂતકાળમાં ભાજપ પર સનસનાટીભર્યા આરોપ મૂક્યો હતો કે ભાજપે તેમની પાર્ટીના ધારાસભ્યોને પક્ષ બદલવા માટે 20 કરોડ રૂપિયાની ઓફર કરી છે.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે અરવિંદ કેજરીવાલે તેમના પક્ષના ધારાસભ્યો સાથે મહાત્મા ગાંધીના સ્મારક રાજઘાટ પર પ્રાર્થના કરી હતી, ત્યારબાદ તેમના નિવાસસ્થાને એક બેઠક મળી હતી. જેમાં દિલ્લીમાં આપના 62માંથી 53 ધારાસભ્યોએ હાજરી આપી હતી. જ્યારે અન્યોએ વર્ચ્યુઅલ રીતે હાજરી આપી હતી. કેજરીવાલે કહ્યુ હતુ, 'મેં સાંભળ્યુ છે કે તેઓ 40 ધારાસભ્યોને લાંચ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. મને ખુશી છે કે એક પણ ધારાસભ્યએ હાર માની નથી.'
આપે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો છે કે તેઓ અરવિંદ કેજરીવાલને 'ડરાવવા' માટે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યા છે કે જેઓ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે તેમના 'પ્રશંસનીય' કાર્ય માટે લોકપ્રિયતા મેળવી રહ્યા છે. જો કે, ભાજપે આપના આરોપોને નકારી કાઢ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તે તેમની સરકારમાં પ્રચંડ ભ્રષ્ટાચારથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે 70 સભ્યોની દિલ્લી વિધાનસભામાં આપના 62 ધારાસભ્યો છે. ભાજપ પાસે આઠ છે અને બહુમત માટે વધુ 28ની જરૂર છે.