સીસીટીવી ફૂટેજમાં ખુલાસો
ગોવાના આઈજી ઓમવીર સિંહ વિશ્નોઈએ કહ્યું કે, ઉપલબ્ધ પુરાવાના આધારે ક્લબમાંથી લેવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં સુધીર સાંગવાન અને તેના સહયોગી સુખવિંદર સિંહને ક્લબમાં પીડિતા સાથે પાર્ટી કરતા જોવા મળ્યા હતા. તે જ સમયે એવું જોવા મળ્યું હતું કે એક શંકાસ્પદ આરોપી પીડિતાને બળજબરીથી કંઈક આપી રહ્યો છે.
ડ્રિંકમાં કેમિકલ અપાયુ
IGએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે અમે આ હકીકત વિશે પૂછપરછ કરી ત્યારે સુખવિંદર અને સુધીર સાંગવાને પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે પીડિતાને પ્રવાહીમાં ભેળવેલું કેમિકલ પીવડાવ્યું હતું, જેના પછી પીડિતાએ તેનું ભાન ગુમાવ્યું હતું. પછી તેને સંભાળવામાં આવી હતી. બીજા શૉટમાં તેને કંઈક ખવડાવતા જોવા મળે છે.
આરોપીઓ શૌચાલયમાં લઈ જતા દેખાયા
પીસીમાં આઈજીએ કહ્યું કે, સવારે 4.30 વાગ્યે જ્યારે તે પોતાની જાતને સંભાળવામાં નિષ્ફળ રહી ત્યારે આરોપી પીડિતાને ટોયલેટ તરફ લઈ જાય છે. તેઓ લગભગ બે કલાક ત્યાં રહે છે, જેના માટે હજુ સુધી આરોપીઓ દ્વારા કોઈ ખુલાસો આપવામાં આવ્યો નથી. બંનેની ધરપકડ કરવામાં આવી છે. કસ્ટોડિયલ પૂછપરછ દરમિયાન બાકીના પ્રશ્નોના જવાબ મળશે.
બે સહયોગીઓની ધરપકડ
હરિયાણાના બીજેપી નેતા સોનાલી ફોગાટની હત્યામાં સંડોવણી બદલ ગોવા પોલીસે ગુરુવારે સોનાલીના બે સહયોગીની ધરપકડ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સોનાલી ફોગાટના શરીર પર ઈજાના ઘા જોવા મળ્યા બાદ ગોવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. સમાચાર એજન્સીએ ગોવા પોલીસ અધિકારીઓને ટાંકીને અહેવાલમાં કહ્યું હતું કે સોનાલી ફોગાટના શરીર પર કોઈ તીક્ષ્ણ ઈજાના નિશાન નથી.
ભાઈએ બળાત્કારનો આરોપ લગાવ્યો
સોનાલી ફોગાટના મોતના મામલામાં પહેલો આરોપ તેના ભાઈએ લગાવ્યો હતો. સોનાલીના ભાઈએ પહેલા સોનાલીના પીએ સુધીર સાંગવાન પર શંકા વ્યક્ત કરી હતી. આ સાથે તેણે એક સનસનીખેજ ખુલાસો કર્યો હતો કે સુધીર સાંગવાને સોનાલી પર અનેક વખત બળાત્કાર પણ કર્યો હતો અને તે સોનાલીને બ્લેકમેલ કરતો હતો. ભાઈ રિંકુએ એવું પણ કહ્યું હતું કે સોનાલીની હત્યા કરવામાં આવી હતી અને તેના ખોરાકમાં કંઈક ભેળવવામાં આવ્યું હતું.
પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી
સોનાલીના પરિવારે ગોવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે પર્સનલ આસિસ્ટન્ટ (PA) સુધીર સાંગવાન અને તેના સહયોગી સુખવિન્દર વાસી સામે તેમના મૃત્યુના સંબંધમાં હત્યાનો ગુનો નોંધવામાં આવે. રિંકુએ દાવો કર્યો હતો કે સુધીરે ત્રણ વર્ષ પહેલા સોનાલીના ભોજનમાં નશીલા પદાર્થ ભેળવીને બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન તેણે એક વીડિયો પણ બનાવ્યો હતો અને ધમકી પણ આપતો હતો કે જો તે કોઈને કહીશ તો વાઈરલ કરીને તેની રાજકીય અને ફિલ્મી કારકિર્દી બરબાદ કરી દઈશ.