'સ્મશાનમાં સાપ સાથે રહેતા હતા શિવ'
ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ કાર્યક્રમની થીમ 'લૈંગિક ન્યાય અંગે ડૉ.બી.આર.આંબેડકરના વિચારોઃ સમાન નાગરિક સંહિતા' હતી. જેના પર બોલતા શાંતિશ્રી ધૂલીપુડી પંડિતે કહ્યુ, 'કૃપા કરીને માનવશાસ્ત્ર અને વિજ્ઞાનના દૃષ્ટિકોણથી આપણા દેવતાઓની ઉત્પત્તિ પર વિચાર કરો. આપણા કોઈ દેવો બ્રાહ્મણ નથી. સૌથી ઉંચા ક્ષત્રિયો છે. જો તમે ભગવાન શિવને પણ જોશો તો તે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિમાંથી હોવા જોઈએ. તેનુ કારણ છે, તે સ્મશાનમાં સાપ સાથે રહે છે, તેમણે કપડાં પણ ખૂબ ઓછા પહેર્યા છે.
'આમાં લક્ષ્મી, શક્તિ અને બધા દેવી-દેવતા સામેલ'
શાંતિશ્રી ધૂલીપુડી પંડિતે આગળ કહ્યુ, 'મને બિલકુલ નથી લાગતુ કે બ્રાહ્મણ સ્મશાનમાં આવી રીતે બેસી શકે. તેથી જો તમે નૃવંશશાસ્ત્રના આધારે ઊંડાણપૂર્વક જુઓ તો તે એકદમ સ્પષ્ટ છે કે હિંદુ દેવી-દેવતાઓ ઉચ્ચ જાતિમાંથી આવતા નથી. તેમાં લક્ષ્મી, શક્તિ અને તમામ દેવી-દેવતાઓનો પણ સમાવેશ થાય છે. સાથે જ ભગવાન જગન્નાથને જુઓ તો તે પણ આદિવાસી છે. તો, શા માટે આપણે અત્યાર સુધી આ ભેદભાવ ચાલુ રાખીએ છીએ, જે ખૂબ જ અમાનવીય છે.'
'કોઈ મહિલા દાવો ના કરી શકે કે તે બ્રાહ્મણ છે'
આ સિવાય જેએનયુ વીસીએ એમ પણ કહ્યુ કે મનુસ્મૃતિએ તમામ મહિલાઓને શુદ્રની શ્રેણીમાં વહેંચી છે. શાંતાશ્રી ધૂલીપુડી પંડિતે કહ્યુ, 'જો આપણે મનુસ્મૃતિ જોઈએ તો બધી સ્ત્રીઓ શુદ્ર છે. તેથી કોઈપણ સ્ત્રી દાવો કરી શકતી નથી કે તે બ્રાહ્મણ છે કે બીજુ કંઈ છે. હું માનુ છુ કે લગ્ન દ્વારા જ તમને પતિ કે પિતાની જાતિ મળે છે.'
'જાતિ, જન્મના આધારે જ નક્કી થાય છે'
શાંતિશ્રી ધૂલીપુડી પંડિતે પોતાના ભાષણમાં રાજસ્થાનમાં 9 વર્ષના દલિત બાળકના મૃત્યુનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, 'દુર્ભાગ્યની વાત છે કે એવા ઘણા લોકો છે જે માને છે કે જાતિ જન્મથી નક્કી થતી નથી પરંતુ આજે એવુ નથી. જાતિ જન્મના આધારે નક્કી થાય છે. જો બ્રાહ્મણ કે અન્ય જ્ઞાતિની વ્યક્તિ મોચીનુ કામ કરે તો શું તે દલિત ગણાશે?'
'અહીં સવાલ માનવ અધિકારોનો છે'
શાંતિશ્રી ધૂલીપુડી પંડિતે કહ્યુ, 'ના, તેને દલિત ગણવામાં આવશે નહિ. હું આ એટલા માટે કહી રહી છુ કારણ કે તાજેતરમાં રાજસ્થાનમાં એક દલિત છોકરાને માર મારવામાં આવ્યો હતો કારણ કે તેણે ઉચ્ચ જાતિના માણસના પાણીને સ્પર્શ કર્યો હતો, પીધુ નહોતુ માત્ર સ્પર્શ કર્યો હતો. મહેરબાની કરીને સમજો કે અહીં પ્રશ્ન માનવ અધિકારનો છે. આપણે આપણી નજીકની વ્યક્તિ સાથે આવો વ્યવહાર કેવી રીતે કરી શકીએ.'
'જાતિનો વિનાશ બહુ જરુરી છે'
ડૉ.આંબેડકરના ઐતિહાસિક પુસ્તક 'જાતિના વિનાશ'નો ઉલ્લેખ કરતાં જેએનયુ વીસીએ કહ્યુ, 'જો આપણો સમાજ ખરેખર સારુ ભારત બનાવવા માગતો હોય તો જાતિનો નાશ કરવો ખૂબ જ જરૂરી છે. મને સમજાતુ નથી કે આપણને વિભાજિત કરતી ઓળખ વિશે આપણે આટલા ઉત્સાહી કેમ હોઈએ છીએ. અને એટલુ જ નહિ આ કહેવાતી નકલી ઓળખ માટે આપણે કોઈનો જીવ લેવા પણ તૈયાર છીએ.'
'બૌદ્ધ ધર્મ દુનિયાના સૌથી મહાન ધર્મોમાંથી એક'
શાંતિશ્રી ધૂલીપુડી પંડિતે વધુમાં કહ્યુ કે, 'જો તમે મહિલા છો અને અનામત વર્ગમાંથી આવો છો તો તમે બે રીતે હાંસિયામાં ધકેલાઈ ગયા છો. પ્રથમ - કારણ કે તમે એક સ્ત્રી છો અને બીજુ, કારણ કે તમે એક કહેવાતી જાતિમાંથી આવો છો જે તમામ પ્રકારની રુઢિવાદીઓથી ઘેરાયેલી છે. હું માનુ છુ કે બૌદ્ધ ધર્મ એ વિશ્વના મહાન ધર્મોમાંનો એક છે. આનુ કારણ એ છે કે તે સાબિત કરે છે કે ભારતીય સભ્યતા મતભેદ, વિવિધતા અને તફાવતને સ્વીકારે છે.
કોણ છે શાંતિશ્રી ધૂલીપુડી પંડિત
જેએનયુના વીસી શાંતિશ્રી ધૂલીપુડી પંડિત અગાઉ સાવિત્રી ફૂલે પુણે યુનિવર્સિટીમાં રાજનીતિ અને જાહેર વહીવટ વિભાગમાં પ્રોફેસર રહી ચૂક્યા છે. શાંતિશ્રી ધૂલીપુડી પંડિત કે જેઓ તેલુગુ, તમિલ, મરાઠી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષાઓનુ જ્ઞાન ધરાવે છે તે જેએનયુના પ્રથમ મહિલા વીસી છે અને આ વર્ષે ફેબ્રુઆરીમાં પાંચ વર્ષ માટે આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.