દિલ્હી એક્સાઇઝ કૌભાંડ મામલે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી રહી છે. સીબીઆઈએ આ કેસમાં તેની એફઆઈઆરમાં 15 લોકોનું નામ લીસ્ટ કર્યું છે. જેમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. શરાબ કૌભાંડ કેસમાં શુક્રવારે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે CBI દ્વારા કેટલાક કલાકો સુધી તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં સરકારી અધિકારીના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. તપાસ એજન્સીને એક્સાઇઝ ડ્યુટી સંબંધિત કેટલાક ગોપનીય દસ્તાવેજો મળ્યા છે.
શુક્રવારે સવારથી દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડા ચાલુ હતા. સીબીઆઈએ સરકારી અધિકારીના ઘરે પણ દરોડા પાડ્યા છે. સૂત્રોનું માનીએ તો સીબીઆઈ અધિકારીઓએ દરોડા દરમિયાન કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો જમા કરાવ્યા છે. જો કે, તપાસ એજન્સીએ આ દસ્તાવેજો ક્યાંથી મળ્યા તે જણાવવાનો ઇનકાર કર્યો હતો. આ કાર્યવાહી દારૂ કૌભાંડમાં સીબીઆઈની કાર્યવાહીને લઈને એક મોટી ઘટના માનવામાં આવી રહી છે.
સીબીઆઈએ કથિત એક્સાઈઝ કૌભાંડ પર પોતાની એફઆઈઆરમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સહિત 15 આરોપીઓને લિસ્ટ કર્યા છે. જેમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, દારૂ કંપનીના અધિકારીઓ, ડીલરો તેમજ અજાણ્યા સરકારી કર્મચારીઓ અને ખાનગી વ્યક્તિઓ સહિત એક્સાઇઝ અધિકારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.