ચંદીગઢઃ આમ આદમી પાર્ટી (AAP) સરકાર પંજાબમાં એક પછી એક લોક કલ્યાણ યોજનાઓ લાગુ કરી રહી છે. આ સરકારે તાજેતરમાં આટા-દાળ યોજનાની હોમ ડિલિવરી શરૂ કરવાનુ વચન આપ્યુ હતુ. હવે વૃદ્ધોના પેન્શનને લઈને વધુ એક સારા સમાચાર આપવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન ભગવંત માને જાહેરાત કરી છે કે તેમની સરકાર હવે વૃદ્ધોની વૃદ્ધાવસ્થા પેન્શનની હોમ ડિલિવરી કરશે.
હવે વૃદ્ધાવસ્થાના પેન્શનની હોમ ડિલીવરી
વૃદ્ધાવસ્થા પેન્શનની હોમ ડિલિવરીનો અર્થ એ છે કે વૃદ્ધોએ હવે પેન્શન લેવા માટે બેંકોની લાંબી લાઈનોમાં ઊભા રહીને તેમના વારાની રાહ જોવી પડશે નહિ પરંતુ સરકાર તેની હોમ ડિલિવરી કરશે. હા, જનહિત માટે આ યોજના શરૂ કરવાની માહિતી મુખ્યમંત્રીએ આમ આદમી ક્લિનિક્સનુ ઉદ્ઘાટન કર્યા બાદ આપી હતી. તેમણે કહ્યુ કે વૃદ્ધાવસ્થા અને વિધવા પેન્શનના લાભાર્થીઓને પૈસા મેળવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને અમારી સરકારે આ યોજનાને હોમ ડિલિવરી સાથે જોડવાનો નિર્ણય કર્યો છે.
સરકાર પ્રતિબંધો ખતમ કરશે
મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે વૃદ્ધોને બેંકમાં જઈને લાઈનમાં ઊભા રહેવુ પડે છે અને જો કોઈ દસ્તાવેજ ખૂટે તો તેને લેવા માટે પણ ઘરે પાછા જવુ પડે છે. ઘણી વખત બેંકમાં પૈસા નથી હોતા અને બપોરે 2 વાગ્યા પછી પણ ઘણાને રોકડ મળતી નથી. આ સમસ્યા ઘણા વૃદ્ધોને થઈ હશે. અમને આનો અહેસાસ થયો તેથી આમ આદમી પાર્ટીની સરકાર આવા પ્રતિબંધો ખતમ કરશે.
લાભપાત્રીના ઘરે સરકારનો સ્ટાફ આવશે
મુખ્યમંત્રીએ કહ્યુ કે હવે વૃદ્ધોએ પેન્શન મેળવવા માટે ક્યાંય જવુ પડશે નહિ પરંતુ તેની પણ હોમ ડિલિવરી પણ થશે. તેમણે કહ્યુ કે હવે સરકાર તરફથી જ સ્ટાફ લાભાર્થીના ઘરે આવશે અને બાયોમેટ્રિક થમ્બ મેળવીને પેન્શન આપશે.