જાણીતા લેખક સલમાન રશ્દી પર અમેરિકાના ન્યૂયૉર્કમાં સ્ટેજ પર ચપ્પુ વડે હુમલો કરાયો છે. તેઓ પાછલાં ઘણાં વરસોથી તેમની પાંચ દાયકા લાંબી કારકિર્દીમાં કરેલાં કામને લઈને સતત મૃત્યુ નિપજાવવાની ધમકીઓનો સામનો કરી રહ્યા હતા.
આ નવલકથાકારનાં અમુક પુસ્તકો ખૂબ જ સફળ થયાં છે. પરંતુ તેમની બીજી નવલકથા મિડનાઇટ્સ ચિલ્ડ્રને લેખકને વર્ષ 1981નો બૂકર પુરસ્કાર અપાવી દીધો.
પરંતુ તેમની વર્ષ 1988માં પ્રકાશિત થયેલી ચોથી નવલકથા ધ સેટેનિક વર્સિસને કારણે તેઓ ખૂબ મોટા વિવાદમાં સપડાયા હતા. આ પુસ્તકના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે અભૂતપૂર્વ વિવાદ થયો હતો.
રશ્દીને મૃત્યુ નિપજાવવાની ધમકીઓ મળવા લાગી હતી. 75 વર્ષીય રશ્દીને આ પુસ્તકના પ્રકાશન બાદ ગુપ્તવાસમાં રહેવાની ફરજ પડી હતી અને બ્રિટિશ સરકારે લેખકને પોલીસ પ્રૉટેક્શન પૂરું પાડવું પડ્યું હતું.
યુકે અને ઈરાન વચ્ચેના રાજદ્વારી સંબંધોનો અંત આવ્યો હતો. પરંતુ પશ્ચિમના દેશોના ઘણા લેખકો અને બુદ્ધિજીવીઓએ આ પ્રકારની ધમકીઓને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે ખતરો ગણાવી હતી.
નોંધનીય છે કે ધ સેટેનિક વર્સિસ મામલે મુસ્લિમ સમાજની કેટલીક વ્યક્તિઓની પ્રતિક્રિયાને કારણે આ ટીકા થઈ રહી હતી.
ભારતને બ્રિટન પાસેથી સ્વતંત્રતા મળી તેના બે માસ બાદ સલમાન રશ્દીનો બૉમ્બેમાં જન્મ થયો હતો.
14 વર્ષની વયે તેમને ઇંગ્લૅન્ડ અને રગ્બી સ્કૂલ મોકલાયા, જ્યાં તેમણે બાદમાં ખ્યાતનામ કૅમ્બ્રિજમાં કિંગ્સ કૉલેજમાંથી ઇતિહાસમાં ઑનર્સની ડિગ્રી મેળવી.
બાદ તેઓ બ્રિટિશ નાગરિક બન્યા અને તેમની મુસ્લિમ શ્રદ્ધામાં વ્યવધાન આવવા દીધું. તેમણે થોડો સમય માટે ઍક્ટર તરીકે પણ કામ કર્યું - તેઓ કૅમ્બ્રિજ ફૂટલાઇટ્સ (ડ્રામાટિક ક્લબ)માં પણ રહી ચૂક્યા છે - અને તે બાદ ઍડ્વર્ટાઇઝિંગ કૉપી રાઇટર તરીકે પણ કામ કર્યું, અને સાથેસાથે નવલકથાઓ પણ લખી.
તેમનું પ્રથમ પ્રકાશિત થયેલું પુસ્તક ગ્રીમસ ઝાઝું સફળ થયું નહોતું. પરંતુ કેટલાક ક્રિટિકે તેમને પ્રતિભાવાન લેખક તરીકે ઓળખાવ્યા હતા.
રશ્દીએ તેમનું બીજું પુસ્તક લખવા માટે પાંચ વર્ષનો સમય લીધો, તે પુસ્તક હતું મિડનાઇટ્સ ચિલ્ડ્રન. જેના માટે તેમને વર્ષ 1981માં બુકર પુરસ્કાર મળ્યો.
આ પુસ્તકની ઘણી પ્રશંસા થઈ અને તેની પાંચ લાખ કૉપી વેચાઈ ગઈ.
મિડનાઇટ્સ ચિલ્ડ્રન એ ભારત પર હતું. તેમનું ત્રીજું પુસ્તક શૅમ, જે વર્ષ 1983માં આવ્યું, તે ઓછાવત્તા અંશે પાકિસ્તાન પર આધારિત હોવાનું મનાય છે. ચાર વર્ષ બાદ રશ્દીએ જેગુઆર સ્માઇલ નામનું પુસ્તક લખ્યું, જે નિકારાગુઆના પ્રવાસનું આલેખન હતું.
સપ્ટેમ્બર 1988માં તેમના જીવને જોખમમાં મૂકતું તેમનું કામ બહાર આવ્યું, એટલે કે ધ સેટેનિક વર્સિસ. આ આધુનિક વિચારધારાની નવલકથાએ કેટલાક મુસ્લિમોમાં રોષ જન્માવ્યો. કેટલાક મુસ્લિમ સમાજના લોકોએ આ નવલકથાના શ્રેષ્ઠ ભાગને ઈશનિંદા ગણાવ્યો.
ભારત આ પુસ્તકને પ્રતિબંધિત કરનાર પ્રથમ દેશ બન્યો. પાકિસ્તાને પણ તેવું જ કર્યું. તેમજ સાઉથ આફ્રિકા સહિત ઘણા મુસ્લિમ દેશોએ પણ આ જ પગલાનું અનુકરણ કર્યું.
ઘણી જગ્યાએ આ નવલકથાની પ્રશંસા થઈ અને નવલકથા માટેનો વ્હિટબ્રેડ પુરસ્કાર મળ્યો. પરંતુ આ પુસ્તકની ટીકા વધુ વ્યાપક પ્રમાણમાં થતી ગઈ અને બે માસ બાદ શેરી પ્રદર્શનોએ જોર પકડ્યું.
કેટલાક મુસ્લિમોએ આ નવલકથાને ઇસ્લામનું અપમાન ગણાવી. તેમણે અન્ય કેટલાક વાંધા પણ ઉઠાવ્યા હતા. પરંતુ બે વેશ્યાના પાત્રને લઈને ખાસ કરીને વિરોધ થયો હતો. તેમનું નામ પયગંબર મહમદનાં બે પત્નીનાં નામ પર હતું.
બુકનું શીર્ષક મહમદ દ્વારા કુરાનમાંથી દૂર કરાયેલી બે આયતને દર્શાવતું હતું, કારણ કે તેમને લાગ્યું હતું કે તે શયતાન દ્વારા પ્રેરિત હતી.
જાન્યુઆરી 1989માં બ્રેડફર્ડમાં કેટલાક મુસ્લિમોએ પુસ્તક સળગાવી વિરોધ કર્યો અને ન્યૂઝ એજન્ટ ડબલ્યુએચ સ્મિથે પુસ્તકનું પ્રકાશન બંધ કરી દીધું. રશ્દીએ ઈશનિંદાના આરોપોનો ઇનકાર કર્યો હતો.
ફેબ્રુઆરીમાં રશ્દીવિરોધી પ્રદર્શનોમાં કેટલાકનાં મૃત્યુ થયાં હતાં. તહેરાનમાં બ્રિટિશ દૂતાવાસ પર પથ્થરમારો કરાયો હતો. તેમજ રશ્દીના માથે ત્રણ મિલિયન ડૉલરનું ઇનામ રાખવામાં આવ્યું હતું.
દરમિયાન યુકેમાં કેટલાક મુસ્લિમ નેતાઓએ સંયમ જાળવવાની વિનંતી કરી, તો કેટલાકે અયાતોલ્લાહની વાત સાથે સંમતિ વ્યક્ત કરી. અમેરિકા, ફ્રાન્સ અને પશ્ચિમના અન્ય કેટલાક દેશોએ મૃત્યુ નિપજાવવાની ધમકીઓની ટીકા કરી હતી.
રશ્દી અત્યાર સુધી પોલીસસુરક્ષામાં તેમનાં પત્ની સાથે છુપાઈ રહ્યા હતા, જે મુસ્લિમ સમાજને તેમના કારણે તકલીફ થયેલી એ અંગે તેમણે દુ:ખ વ્યક્ત કર્યું હતું, પરંતુ અયાતોલ્લાહે લેખકનું મૃત્યુ નિપજાવવા માટેની પોતાની વાત ફરી જાહેર કરી.
આ પુસ્તકના પ્રકાશક વાઇકિંગ પૅન્ગ્વિની લંડન ઑફિસ સામે વિરોધપ્રદર્શન કરાયું અને ન્યૂયૉર્ક ઑફિસ ખાતે મોતની ધમકીઓ પણ આવી હતી.
પરંતુ ઍટલાન્ટિકની બંને બાજુએ આ પુસ્તક બેસ્ટ-સેલર બન્યું. મુસ્લિમ સમાજના કેટલાક લોકો તરફથી આવી રહેલ આત્યંતિક પ્રતિક્રિયાઓ સામે થઈ રહેલાં પ્રદર્શનને EEC દેશોનો ટેકો હતો, જે પૈકી બધા દેશોએ પોતાના રાજદૂતોને તહેરાનમાંથી પાછા બોલાવી લીધા હતા.
પરંતુ એવું નહોતું કે પુસ્તકને કારણે માત્ર લેખક પર હુમલો થઈ રહ્યો હતો.
જુલાઈ 1991માં ધ સેટેનિક વર્સિસના જાપાનીઝ ભાષાંતરકાર ઉત્તર-પૂર્વ ટોક્યોમાં એક યુનિવર્સિટી ખાતેથી મૃત અવસ્થામાં મળી આવ્યા હતા
પોલીસે કહ્યું કે ભાષાંતરકાર હિતોશી ઇગારાશી કમ્પૅરેટિવ કલ્ચરના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતાં હતા, તેમને ચપ્પુ વડે ઘણા ઘા કરીને સુબુકા યુનિવર્સિટી ખાતેની તેમની ઑફિસ બહાર છોડી દેવાયા હતા.
તે જ મહિને અગાઉ એટ્ટોરે કાપ્રીઓલો નામના ભાષાંતરકાર પર મિલાનમાં તેમના ઍપાર્ટમેન્ટ ખાતે ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જોકે તેઓ આ હુમલામાં બચી ગયા હતા.
રશ્દી વિરુદ્ધના ફરમાનને ઈરાન સરકારનો ટેકો વર્ષ 1998માં પાછો ખેંચી લેવાયો હતો.
ધ સેટેનિક વર્સિસના વિરોધના કારણે રશ્દીએ ગુપ્તવાસમાં રહેવું પડ્યું હતું અને તેમને પોલીસ પ્રૉટેક્શન પણ અપાયું હતું.
તે પછી રશ્દીએ લખેલી નવલકથાઓમાં બાળકો માટેની નવલકથા હારુન ઍન્ડ ધ સી ઑફ સ્ટોરીઝ હતી (1990), નિબંધસંગ્રહ ઇમેજિનરી હોમલૅન્ડ્સ (1991). આ સિવાય ઇસ્ટ, વેસ્ટ નવલકથાઓ (1994), ધ મૂર્સ લાસ્ટ સાઇ (1995), ધ ગ્રાઉન્ડ બિનીથ હર ફીટ (1999), અને ફ્યુરી (2001) સામેલ છે.
તેઓ ધ મિડનાઇટ્સ ચિલ્ડ્રનના સ્ટેજ અડેપ્ટેશનનો પણ ભાગ હતા, જે વર્ષ 2003માં લંડનમાં રિલીઝ થયું હતું.
છેલ્લા બે દાયકામાં તેમણે શાલિમાર ધ ક્લાઉન, ધ એન્ચેન્ટ્રેસ ઑફ ફ્લૉરેન્સ, ટુ યર્સ એઇટ મંથ્સ ઍન્ડ ટ્વેન્ટી-એઇટ નાઇટ્સ, ધ ગોલ્ડન હાઉસ અને ક્વિકોટ જેવાં પુસ્તક બહાર પાડ્યાં.
રશ્દીનાં ચાર વખત લગ્ન થઈ ચૂક્યાં છે અને તેમનાં બે બાળક પણ છે. તેઓ હાલ યુએસમાં રહે છે. તેમજ તેમને વર્ષ 2007માં સાહિત્યમાં તેમના યોગદાન માટે નાઇડહૂડથી નવાજવામાં આવ્યા હતા.
વર્ષ 2012માં તેમણે તેમની જીવનકથા લખી, જેમાં તેમણે ધ સેટેનિક વર્સિસના પ્રકાશન સાથે બદલાયેલા તેમના જીવન વિશે વાત કરી હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.
Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.
YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
Twitter પર બીબીસી ગુજરાતીની ફૉલો કરવા અહીં ક્લિક કરો.