ન્યૂયોર્ક, 12 ઓગસ્ટ : જાણીતા અંગ્રેજી લેખક સલમાન રશ્દી પર પશ્ચિમી ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન જીવલેણ હુમલો કરાયો હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરે રશ્દીના ગળામાં ચાકુથી ઘા કર્યો હતો. પોલીસે જણાવ્યું કે રશ્દીને તરત જ એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હુમલા સમયે તેઓ એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર હાજર હતા. સલમાન રશ્દીને કેટલી ગંભીર ઈજાઓ થઈ છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
મળતી માહિતી મુજબ, જ્યારે તેઓ ચૌટૌકા ઈન્સ્ટિટ્યૂટમાં સ્ટેજ પર લેક્ચર આપવા જઈ રહ્યા હતા તે જ સમયે એક વ્યક્તિ સ્ટેજ પર આવ્યો અને તેને મુક્કો મારવા લાગ્યો. કહેવામાં આવી રહ્યું છે કે તેના પર ચાકુથી પણ હુમલો કરવામાં આવ્યો છે. હુમલા બાદ લેખક જમીન પર પડ્યા હતા. જો કે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે રશ્દીના પુસ્તક "ધ સેટેનિક વર્સેસ" પર 1988થી ઈરાનમાં પ્રતિબંધ છે, કારણ કે ઘણા મુસ્લિમો તેને ઈશનિંદા માને છે. ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક 75 વર્ષીય સલમાન રશ્દી છેલ્લા 20 વર્ષથી અમેરિકામાં રહે છે.