મુંબઈ : મહારાષ્ટ્રમાં શિવસેનાના શિંદે જૂથ સાથે સરકાર બનાવ્યા બાદ ભાજપે રાજ્યમાં મોટો ફેરફાર કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ચંદ્રશેખર બાવનકુલેને મહારાષ્ટ્રના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત ધારાસભ્ય આશિષ શેલારને મુંબઈના નવા જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બંને નેતાઓને તાત્કાલિક આ નવી જવાબદારી સોંપવામાં આવી છે.
જણાવી દઈએ કે અત્યાર સુધી મહારાષ્ટ્ર ભાજપની કમાન ચંદ્રકાંત પાટીલના હાથમાં હતી, જ્યારે મુંબઈ એકમના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્ય એકમમાં આ બંને ફેરફારો આગામી BMC ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. હવે આગામી ચૂંટણી આ નવા નેતૃત્વ હેઠળ લડવામાં આવશે.
પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે પણ ચંદ્રશેખર બાવનકુલેને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે, મને વિશ્વાસ છે કે તેમના નેતૃત્વમાં ભાજપ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ નવા જોશ સાથે લડશે અને શાનદાર જીત મેળવશે.
ચંદ્રશેખર બાવનકુલે મહારાષ્ટ્રમાં બીજેપીનો જાણીતો ચહેરો છે. તેઓ હાલમાં નાગપુરના MLC છે. તેઓ ડિસેમ્બર 2021માં એમએલસી તરીકે ચૂંટાયા હતા. ચંદ્રશેખર બાવનકુળે ઓબીસી સમુદાયમાંથી આવે છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્રમાં ભાજપને પણ આનો ફાયદો થઈ શકે છે.
ચંદ્રશેખર બાવનકુલે કામઠી વિધાનસભા બેઠકનું ત્રણ વખત પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. બાવનકુળેએ ગ્રાસરુટ રાજનીતિ કરી છે. તેઓ ભાજપના નાગપુર જિલ્લા એકમમાં મહાસચિવ અને જિલ્લા પરિષદના સભ્ય પણ રહી ચૂક્યા છે.