નવી દિલ્લીઃ આઝાદીના 75 વર્ષ નિમિત્તે સમગ્ર દેશ 'આઝાદીના અમૃત મહોત્સવ'ની ઉજવણી કરી રહ્યો છે. આ દરમિયાન મોદી સરકારે 'હર ઘર તિરંગા' અભિયાન પણ શરૂ કર્યુ હતુ જે અંતર્ગત ભારતીય ટપાલ સેવાએ રેકોર્ડ બનાવ્યો છે. વિભાગના જણાવ્યા અનુસાર તેમણે 10 દિવસના ટૂંકા ગાળામાં એક કરોડ રાષ્ટ્રધ્વજનુ વેચાણ કર્યું છે. જેમાં 1.5 લાખ પોસ્ટ ઓફિસમાં ઓનલાઈન વેચાણ અને ઓનલાઈન ઓર્ડરનો સમાવેશ થાય છે. ગુરુવારે સંચાર મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી.
મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યુ છે કે પોસ્ટ વિભાગ તેની 1.5 લાખ પોસ્ટ ઑફિસ 'હર ઘર તિરંગા' અભિયાનને સફળ બનાવવા માટે વ્યસ્ત છે. તેમનો ઉદ્દેશ્ય દરેક નાગરિકને આ અભિયાન સાથે જોડવાનો છે. આ અંતર્ગત 10 દિવસના ટૂંકા ગાળામાં એક કરોડથી વધુ રાષ્ટ્રધ્વજનું વેચાણ થયુ હતુ. આમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને વેચાણનો સમાવેશ થાય છે. વિભાગે આ ઝંડાઓની કિંમત રૂ.25 નક્કી કરી છે.
ખાસ વાત એ છે કે ટપાલ વિભાગ ફ્રી ડોરસ્ટેપ ડિલિવરીની સેવા પૂરી પાડે છે. ધ્વજ ઓનલાઈન ઓર્ડર કરો, ત્યારપછી ટપાલ વિભાગનો સ્ટાફ તમને સમયસર ધ્વજ પહોંચાડશે. દેશમાં અત્યાર સુધીમાં લગભગ 1.75 લાખ લોકોએ ધ્વજ ઓનલાઈન ઓર્ડર કર્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર ઓનલાઈન ઓર્ડરની કિંમત પણ 25 રૂપિયા રાખવામાં આવી છે.
મંત્રાલયે વધુમાં જણાવ્યુ હતુ કે દેશભરના 4.2 લાખ મજબૂત પોસ્ટલ કર્મચારીઓએ શહેરો, નગરો, ગામડાઓ, સરહદી વિસ્તારો, ડાબેરી ઉગ્રવાદના જિલ્લાઓ અને આદિવાસી વિસ્તારોમાં 'હર ઘર તિરંગા'ના સંદેશનો ઉત્સાહપૂર્વક પ્રચાર કર્યો છે. આ માટે બાઇક રેલી, પ્રભાતફેરી જેવા માધ્યમોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોસ્ટ ઓફિસ દ્વારા રાષ્ટ્રધ્વજનુ વેચાણ 15 ઓગસ્ટ, 2022 સુધી ચાલુ રહેશે.
આ રીતે કરો ઑર્ડર
જો તમને પણ રાષ્ટ્રધ્વજ જોઈતો હોય તો તમે નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકો છો અથવા તમે ઈ-પોસ્ટ ઓફિસ (epostoffice.gov.in) પર લોગઈન કરીને ઓર્ડર કરી શકો છો.