શ્રીનગર, 11 ઓગસ્ટ : સ્વતંત્રતા દિવસ પહેલા એક મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. જમ્મુ-કાશ્મીરના પરગલમાં કેટલાક આતંકીઓ આર્મી કેમ્પમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, આ દરમિયાન સુરક્ષા દળોએ તકેદારી બતાવતા ફાયરિંગ કર્યું, આ ફાયરિંગમાં બે આતંકીઓ માર્યા ગયા છે.
જમ્મુ ઝોનના એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું હતું કે, કેટલાક લોકોએ રાજૌરીના દરહાલ વિસ્તારમાં પરગલ કેમ્પમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગોળીબાર શરૂ થયો હતો. વધારાના સુરક્ષા દળોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે, જ્યારે બે જવાન ઘાયલ થયા છે.
ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, આતંકવાદી હુમલો રાજૌરીથી 25 કિલોમીટરના અંતરે કરવામાં આવ્યો છે, જ્યાં બે આતંકવાદીઓએ આર્મી કંપનીના ઓપરેટિંગ બેઝ પર આત્મઘાતી હુમલો કર્યો હતો. બંને આતંકવાદીઓ માર્યા ગયા છે. આ હુમલામાં 3 જવાન શહીદ થયા છે. હાલમાં આ કામગીરી ચાલી રહી છે.