નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ નામ લીધા વિના તેમના પર નિશાન સાધીને કહ્યુ છે કે હું દેશના દરેક નાગરિક માટે મફત આરોગ્ય સેવા, શિક્ષણ, વીજળી અને બેરોજગારી ભથ્થાની માંગ કરુ છુ. જે લોકો તેને રેવડી કહી રહ્યા છે તેઓ દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છે.
વાસ્તવમાં, વડા પ્રધાન મોદીએ બુંદેલખંડ એક્સપ્રેસવેના ઉદ્ઘાટન પછી સભાને સંબોધિત કરતા કહ્યુ હતુ કે, 'આપણા દેશમાં મફત રેવડી વહેંચીને વોટ એકત્રિત કરવાની સંસ્કૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ રેવડી સંસ્કૃતિ દેશના વિકાસ માટે ખૂબ જ ખતરનાક છે. દેશના લોકોએ આ રેવડી સંસ્કૃતિથી ખૂબ કાળજી રાખવી પડશે.'
જેના જવાબમાં સીએમ કેજરીવાલે પત્રકાર પરિષદ યોજીને કહ્યુ હતુ કે, નાગરિકોને મફતમાં પાયાની સુવિધાઓ આપવાને રેવડી બોલાવનારા લોકો દેશદ્રોહી છે. સીએમ કેજરીવાલે એમ પણ કહ્યુ કે દેશમાં એવુ વાતાવરણ બનાવવામાં આવી રહ્યુ છે કે મફત શિક્ષણ, મફત વીજળી અને મફત પાણી આપવું એ ગુનો ગણાવવામાં આવી રહ્યો છે. તેઓ વધુમાં કહે છે કે તેમણે તેમના કેટલાક મિત્રોની 10 લાખ કરોડ રૂપિયા સુધીની લોન માફ કરી દીધી છે પરંતુ કોઈ તેના વિશે વાત કરતુ નથી.