કોલકાતા : શનિવારે કોલકાતાના ઈન્ડિયન સંગ્રહાલયમાં CISF જવાને તેના સાથીઓ પર ગોળીબાર કર્યો. આ ઘટનામાં 1 જવાન શહીદ થયો હતો, જ્યારે એક જવાન ઘાયલ થયો છે. CISF જવાને કથિત રીતે એકે-47 રાઈફલથી તેના સાથીદારો પર ગોળીબાર કર્યો હતો. પોલીસે આરોપી જવાનની ધરપકડ કરી લીધી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. મામલાની તપાસ ચાલી રહી છે.
લગભગ 6.30 વાગ્યે જવાહરલાલ નેહરુ રોડ પર મ્યુઝિયમ પાસે CISFના જવાને ગોળીબાર કર્યો હતો. આ પછી મ્યુઝિયમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. ઓપરેશન માટે બે ટીમો બનાવવામાં આવી હતી. તેમાંથી એક ટીમ કોલકાતા પોલીસ કમાન્ડોની પણ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શૂટર અને ટીમો વચ્ચે ઝપાઝપી થઈ હતી. 15 થી વધુ ગોળીઓ ચલાવવામાં આવી હતી. ગોળીબારમાં એક જવાન શહીદ થયો હતો, જ્યારે બીજો ઘાયલ થયો હતો.
થોડી જ વારમાં શૂટરે આત્મસમર્પણ કર્યું હતું. મળતી માહિતી મુજબ આરોપીનું નામ એકે મિશ્રા છે. તે CISFમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કામ કરે છે. પોલીસ કમિશનર વિનીત ગોયલે કહ્યું કે, સાંજે લગભગ સાડા છ વાગ્યે અમને આ ઘટનાની જાણકારી મળી. સમાચાર મળતાં જ અમારી ટીમ અહીં પહોંચી ગઈ. અમે તે વ્યક્તિની સફળતાપૂર્વક ધરપકડ કરી છે. આ ફાયરિંગમાં એક આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરનું મોત થયું હતું. તપાસ ચાલુ છે.