નવી દિલ્લીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતાઓ સામે EDની કાર્યવાહી ચાલુ છે. આ દરમિયાન શુક્રવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરતા મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે આપણે લોકશાહીના પતનના સાક્ષી છીએ. લગભગ એક સદી પહેલા ભારતે જે ઈંટો અને પથ્થરો બાંધ્યા છે તે તમારી નજર સામે નષ્ટ થઈ રહ્યા છે. કોઈપણ જે સરમુખત્યારશાહીની શરૂઆતના વિચારની વિરુદ્ધ ઉભો થાય છે તેના પર દુષ્ટ હુમલો કરવામાં આવે છે, કેદ કરવામાં આવે છે, ધરપકડ કરવામાં આવે છે અને મારવામાં આવે છે.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યુ કે સરકારનુ માનવુ છે કે સમાજમાં મોંઘવારી, બેરોજગારી, હિંસા જેવા લોકોના મુદ્દા ઉઠાવવા જોઈએ નહિ. સરકારનો એક માત્ર એજન્ડા 4-5 લોકોના હિતોના રક્ષણ માટે ચલાવવામાં આવી રહ્યો છે. આ તાનાશાહી 2-3 મોટા ઉદ્યોગપતિઓના હિતમાં બે લોકો દ્વારા ચલાવવામાં આવી રહી છે. તેમણે કહ્યુ કે શાસક પક્ષ કાયદાકીય માળખુ, ન્યાયિક માળખુ, ચૂંટણી માળખાના આધારે લડે છે. આ તમામ માળખા સરકારને સમર્થન આપી રહ્યા છે કારણ કે સરકારે તેના લોકોને આ સંસ્થાઓમાં મૂક્યા છે. ભારતમાં કોઈ સંસ્થા સ્વતંત્ર નથી, તે RSSના નિયંત્રણમાં છે.
કોંગ્રેસ નેતાએ કહ્યુ કે હું જેટલો લોકોનો અવાજ બુલંદ કરુ છુ, જેટલું સત્ય બોલુ છુ, તેટલા જ મારા પર હુમલો થાય છે. હું લોકશાહી માટે ઉભા રહેવાનુ મારુ કામ કરતો રહીશ. સમજો કે જે ધમકી આપે છે તે ડરે છે. મારુ કામ આરએસએસના વિચારનો વિરોધ કરવાનુ છે અને હું તે કરવા જઈ રહ્યો છુ. જેટલું હું આ કરીશ, મારા પર વધુ હુમલા થશે. હું ખુશ છુ, મારા પર હુમલો કરો. રાહુલ ગાંધીએ કહ્યુ કે હિટલર પણ ચૂંટણી જીતતો હતો. તેણે તે કેવી રીતે કર્યુ? જર્મનીની તમામ સંસ્થાઓ પર તેનુ નિયંત્રણ હતુ. મને આખી સિસ્ટમ આપો પછી હું તમને બતાવીશ કે ચૂંટણી કેવી રીતે જીતાય છે.