ચંદીગઢઃ પંજાબમાં મગના ખેડૂતોને મોટી રાહત આપતા મુખ્યમંત્રી ભગવંત માને લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ મગના પાકની ખરીદીની તારીખ 10 ઓગસ્ટ સુધી લંબાવી છે. અગાઉ રાજ્યમાં લઘુત્તમ ટેકાના ભાવે મગના પાકની ખરીદી 31 જુલાઈના રોજ સમાપ્ત થવાની હતી. તેમણે કહ્યુ કે ખેડૂતોને તેમનો પાક વેચવા માટે સુવિધા આપવા માટે રાજ્ય સરકારે આ ખરીદીની સિઝન 10 ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. ભગવંત માને કહ્યુ કે જે ખેડૂતોએ હજુ સુધી પોતાનો પાક વેચ્યો નથી તેઓ હવે લંબાયેલી તારીખ સુધી મંડીઓમાં વેચી શકશે.
મુખ્યમંત્રીએ કહ્યુ કે પ્રાપ્તિ માટે રાજ્યની નોડલ એજન્સી, માર્કફેડના મેનેજિંગ ડિરેક્ટર (MD) રામવીરને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. તેમની સરકારે મગના દાણા સંકોચાઈ જવાના કારણે ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવથી ઓછા ભાવે વેચાયેલ મગના પાક માટે1000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધીની રકમ આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યુ કે આ રકમ તે તમામ મગની ખેતી કરનારાઓને પણ આપવામાં આવશે જેમણે પોતાનો પાક વેપારીઓને વેચી દીધો છે. ભગવંત માને કહ્યુ કે તેમણે અધિકારીઓને પહેલેથી જ સૂચના આપી દીધી છે કે સંબંધિત ખેડૂતોને આ રકમ ચૂકવવાની પ્રક્રિયા વહેલી તકે સુનિશ્ચિત કરવામાં આવે.
મુખ્યમંત્રીએ કહ્યુ કે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં રાજ્યમાં 4807 મેટ્રિક ટન ઉનાળુ મગની ખરીદી કરી છે. આ સાથે ખેડૂતોને તેમની ઉપજ માટે રૂ.32.23 કરોડની ચુકવણી કરવામાં આવી છે. જે કુલ ચુકવણીના 92.15 ટકા છે. ભગવંત માને જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં બાકીની ચૂકવણી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ખેડૂતોને પાક વૈવિધ્યકરણ માટે પ્રોત્સાહિત કરવા અને તેમની આવક વધારવા માટે મુખ્યમંત્રીની પહેલ હેઠળ ખેડૂતો પાસેથી ઉનાળુ મગના પાકના લઘુત્તમ ટેકાના ભાવ રૂ.7275 પ્રતિ ક્વિન્ટલના ભાવે સીધી ખરીદી શરૂ કરવામાં આવી હતી. આ પગલાથી ખેડૂતોને ઘઉંની લણણી અને ડાંગરની ખેતી દરમિયાન પ્રતિ એકર પાંચ ક્વિન્ટલની સરેરાશ ઉપજના સંદર્ભમાં 36,000 રૂપિયાની વધારાની આવક થશે. મુખ્યમંત્રીની અપીલને સકારાત્મક ટેકો આપતા રાજ્યના ખેડૂતોએ આ વર્ષે લગભગ એક લાખ એકર વિસ્તારમાં ઉનાળુ મગનુ વાવેતર કર્યુ છે જે ગયા વર્ષે 50,000 એકર વિસ્તારમાં હતુ.