જમ્મુ-કાશ્મીર : જમ્મુ-કાશ્મીરના પુલવામાના ગદૂરા વિસ્તારમાં ગુરુવારે આતંકવાદીઓ દ્વારા પ્રવાસી મજૂરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમને નિશાન બનાવીને તેમના પર ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો હતો. આ હુમલામાં બિહારમાં રહેતા એક પરપ્રાંતિય મજૂરનું મોત થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા. આ તમામ મજૂરો બિહારના રહેવાસી છે અને પુલવામામાં મજૂર તરીકે કામ કરતા હતા. પોલીસે કહ્યું કે આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
શ્રીનગરના પૂર્વ ડેપ્યુટી મેયર શેખ ઇમરાને આ હુમલાની નિંદા કરતા જણાવ્યું કે, હિંસા ક્યારેય કોઈપણ સ્વરૂપમાં ન્યાયી ન હોઈ શકે. તેમણે પુલવામામાં કહ્યું કે, હું પુલવામામાં બિન-સ્થાનિક મજૂરો પરના ઘૃણાસ્પદ હુમલાની નિંદા કરું છું, જેમાં એક મજૂરે પોતાનો જીવ ગુમાવ્યો હતો. હિંસા કોઈ પણ સંજોગોમાં ક્યારેય ન્યાયી ઠેરવી શકાય નહીં.
શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મેયરે ઘાયલ કામદારોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી.