નવી દિલ્લીઃ રાજધાની દિલ્લીમાં મંકીપૉક્સના કેસ સતત વધી રહ્યા છે. દિલ્લીમાં ચોથો મામલો સામે આવ્યો છે. બુધવારે દિલ્લીમાં વધુ એક કેસ પ્રકાશમાં આવ્યો જ્યાં એક નાઇજીરિયન મહિલા ચેપગ્રસ્ત મળી આવી હતી. આ સાથે દેશમાં મંકીપૉક્સના કેસ વધીને 9 થઈ ગયા છે. આ પહેલા મંગળવારે એક નાઈજીરિયન પુરુષ મંકીપૉક્સથી સંક્રમિત જોવા મળ્યો હતો અને હવે 35 વર્ષની એક મહિલા આ ખતરનાક બિમારીથી સંક્રમિત મળી આવી છે.
પ્રારંભિક માહિતી મુજબ તેણે તાજેતરમાં જ ક્યાંક મુસાફરી કરી હતી ત્યારબાદ તે હવે મંકીપોક્સથી પીડિત હતી. હવે જ્યાં દિલ્લીમાં આ રોગથી પીડિત દર્દીઓની સંખ્યા વધીને 4 થઈ ગઈ છે, ત્યાં દેશમાં કુલ 9 કેસ નોંધાયા છે. દિલ્લીની લોક નાયક જયપ્રકાશ હૉસ્પિટલમાં દર્દીઓની સારવાર ચાલી રહી છે. દિલ્લી સરકારે મંકીપૉક્સ રોગની સારવાર માટે 6 હૉસ્પિટલોને અલગ-અલગ બેડની વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો છે. મંકીપૉક્સની સારવાર માટે અલગથી આઇસોલેશન વૉર્ડ બનાવવાની તૈયારી ચાલી રહી છે. દિલ્લીમાં સંક્રમિત મળી આવેલી મહિલા મંકીપૉક્સથી સંક્રમિત થનારી દેશની પ્રથમ મહિલા છે.
જ્યારે આ લોકોના લક્ષણો ગંભીરતાથી તપાસવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યુ કે મોટાભાગના લોકોને તાવની સમસ્યા હતી. હાથ-પગમાં સોજો જેવી સમસ્યા જોવા મળી છે. જો તમે તેના અન્ય લક્ષણો પર નજર નાખીએ તો વારંવાર તાવ, શરીરમાં દુખાવો, ત્વચા પર ફોલ્લીઓ, સોજો, ખંજવાળ, સુસ્તી વગેરે જોવા મળે છે. તે ચહેરાથી શરૂ થાય છે અને ચેપ 10થી 12 દિવસ પછી આખા શરીરમાં ફેલાય છે. આ રોગ ચેપ દ્વારા એકબીજાથી ફેલાય છે.