પેલોસીના પ્રવાસથી તણાવ
પેલોસી છેલ્લા 25 વર્ષમાં તાઈવાનની મુલાકાત લેનાર પ્રથમ ઉચ્ચ સ્તરીય અમેરિકન રાજકારણી છે. પેલોસી લાંબા સમયથી તાઇવાનના સમર્થક છે અને આ મુદ્દે ચીનની ટીકા કરતા હતા. એક તરફ જ્યાં ચીન તાઈવાનને પોતાનો ભાગ માને છે તો બીજી તરફ પેલોસી તાઈવાનમાં લોકશાહીની હિમાયત કરે છે. પેલોસીએ જે રીતે તાઈવાન જવાની વાત કરી હતી તે પછી ચીન તરફથી કહેવામાં આવ્યુ હતુ કે તેને ચીનની આંતરિક બાબતોમાં મોટો હસ્તક્ષેપ ગણવામાં આવશે, જેના ગંભીર પરિણામો આવશે તેવી ચીને ચેતવણી આપી હતી.
રશિયાનુ શું કહેવુ છે
આ સમગ્ર સંકટ વચ્ચે રશિયા તરફથી એક સત્તાવાર નિવેદન બહાર આવ્યુ છે કે અમેરિકા ઇચ્છે છે કે વિશ્વમાં એકવાર યુદ્ધ થાય, પછી તે યુક્રેનનો મુદ્દો હોય કે તાઇવાનનો મુદ્દો. રશિયા તરફથી કહેવામાં આવ્યુ હતુ કે આ ખૂબ જ ઉશ્કેરણીજનક કૃત્ય હોઈ શકે છે. તેનાથી વાતાવરણ ખરાબ થઈ શકે છે, તણાવ વધી શકે છે. જો કે આ સમયે રશિયા ચીનની સાથે ઉભુ હોય તેવુ લાગી રહ્યુ છે, પરંતુ સોવિયત સંઘના વિઘટન પહેલા રશિયા ચીનની અંતિમ ચેતવણીની મજાક ઉડાવતુ આવ્યુ છે.
શું છે ચાયનાઝ ફાઈનલ વૉર્નિંગ
રશિયન ભાષામાં ચાયનાઝ ફાઈનલ વૉર્નિંગ(China's final warning) ખૂબ જ લોકપ્રિય શબ્દસમૂહ છે જેનો લોકો ઉપયોગ કરે છે. આ શબ્દસમૂહ સોવિયત યુનિયનના સમયમાં દેખાયો. આ રૂઢિપ્રયોગ એવી ધમકીઓ માટે વપરાય છે કે જેના કોઈ પરિણામ નથી. આવી સ્થિતિમાં ચીને જે રીતે અમેરિકાને ધમકી આપી છે તેને પણ તેની સાથે જોડવામાં આવી રહી છે. હવે જ્યારે નેન્સી પેલોસી તાઈવાન પહોંચી ગઈ છે અને ચીન દ્વારા કોઈ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આ અંતિમ ચેતવણી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે ચાઈનીઝ અંતિમ ચેતવણીનો લાંબો ઈતિહાસ છે અને તેના વિશે વિકીપીડિયા પર આખુ પૃષ્ઠ છે.
તાઈવાન સ્ટ્રેટ સંકટ સમયે સામે આવી હતી પહેલી ધમકી
1950-1960 વચ્ચે અમેરિકાના ઘણા અધિકારીઓએ તાઈવાનની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ચીને અમેરિકાને ધમકીઓ આપવાનુ ચાલુ રાખ્યુ હતુ. દર બીજા દિવસે એક પત્ર લખવામાં આવતો હતો કે તે આખરી ચેતવણી છે પરંતુ અંતે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જે બાદ ચીનની અંતિમ ચેતવણીની મજાક ઉડવા લાગી હતી. લોકોએ આ ધમકીને એવી રીતે લેવાનુ શરૂ કર્યુ કે આ ધમકી નકલી છે, તેનુ કોઈ પરિણામ આવવાનુ નથી.
કેવી રીતે થઈ હતી શરુઆત
રિપબ્લિક ઑફ ચાઇના અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા વચ્ચેના સંબંધો 1950 અને 1960ના દાયકામાં તાઇવાન સ્ટ્રેટ પર નોંધપાત્ર રીતે બગડ્યા હતા. અમેરિકી ફાઈટર પ્લેન તાઈવાન સ્ટ્રેટ પર સતત પેટ્રોલિંગ કરી રહ્યા હતા, જેના કારણે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા સત્તાવાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને તે સમયે કહેવામાં આવ્યુ હતુ કે આ અંતિમ ચેતવણી છે. પરંતુ આના કોઈ નોંધપાત્ર પરિણામો ન હતા, યુએસએ આ ચેતવણીઓ પર કોઈ ધ્યાન આપ્યુ ન હતુ અને તેની અવગણના કરી હતી.
અમેરિકાને 900 પત્ર લખ્યા
ચીન તરફથી યુએસને પ્રથમ અંતિમ ચેતવણી 7 સપ્ટેમ્બર 1958ના રોજ આપવામાં આવી હતી, જ્યારે તાઈવાન સ્ટ્રેટ કટોકટીનો બીજો રાઉન્ડ શરૂ થયો હતો. વાસ્તવમાં, ચીને જે રીતે અમેરિકાને એક પછી એક સેંકડો અંતિમ ચેતવણીઓ આપી તે પછી તેની ચેતવણીની મજાક ઉડાવવામાં આવી. 1964 સુધીમાં ચીને યુએસને 900થી વધુ અંતિમ ચેતવણીઓ આપી હતી. સોવિયેત યુનિયનના વિઘટન પછી અંતિમ ચેતવણી સામાન્ય રીતે લોકો દ્વારા મજાક ઉડાડવા માટે ઉપયોગમાં લેવાતા શબ્દસમૂહ તરીકે ઉભરી આવી. આ શબ્દ ઈસ્ટોનિયામાં પણ વપરાય છે.