કૂચ બિહારઃ પશ્ચિમ બંગાળના કૂચ બિહાર જિલ્લામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં એક વાહનમાં વીજ કરંટ લાગવાથી 10 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. અહેવાલ મુજબ રવિવારની રાત્રે ઘણા લોકો પીકઅપ વાહનમાં જલ્પેશ તરફ જતા હતા ત્યારે અચાનક કરંટ લાગવાથી 10 લોકોના મોત થયા હતા. માથાભાંગાના એડિશનલ એસપીએ જણાવ્યુ કે પ્રાથમિક તપાસમાં એવુ સામે આવ્યુ છે કે વાહનમાં જનરેટરના વાયરિંગને કારણે કરંટ આવ્યો હતો. વાહનના પાછળના ભાગમાં જનરેટર લગાવવામાં આવ્યુ હતુ. જે વાહનમાં ડીજે વગાડવા માટે ફીટ કરવામાં આવ્યુ હતુ.
વાહનમાં કુલ 27 લોકો સવાર હતા જેમાંથી 16 લોકોને સારવાર માટે જલપાઈગુડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલિસના જણાવ્યા મુજબ ડીજે સિસ્ટમ વગાડવા માટે વાહનમાં જનરેટર લગાવવામાં આવ્યુ હતુ. તેના વાયરિંગમાં ખામીને કારણે આ અકસ્માત થયો હતો. એડિશનલ એસપી અમિત વર્માએ જણાવ્યુ કે ધરલા બ્રીજ પાસે આ દુર્ઘટના રાત્રે લગભગ 12 વાગે થઈ હતી. પ્રાથમિક તપાસમાં કારના વાયરિંગમાં ખામીના કારણે અકસ્માત થયો હોવાનું સામે આવ્યુ છે.
આ દુર્ઘટનામાં 10 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. વાહનમાં સવાર મુસાફરો સીતલકુચી પોલિસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે. પીડિતોના પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી છે. વાહન કબજે કરી લેવામાં આવ્યુ છે જ્યારે વાહન ચાલક ઘટના બાદ સ્થળ પરથી નાસી ગયો હતો. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આ મામલે વધુ માહિતી હાથ ધરી છે.