નવી દિલ્લીઃ દિલ્લીની અરવિંદ કેજરીવાલ સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે હવે રાજધાનીની નવી એક્સાઈઝ પૉલિસીમાં નવો વળાંક આવ્યો છે. દિલ્લી સરકારે નિર્ણય લીધો છે કે આગામી 6 મહિના સુધી જૂની એક્સાઇઝ પૉલિસી અમલમાં રહેશે. નોંધનીય છે કે દિલ્લી સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે જૂની એક્સાઇઝ પૉલિસી સમાપ્ત થવામાં માત્ર બે દિવસ બાકી છે. વાસ્તવમાં, દિલ્લીની 'આબકારી નીતિ 2021-22'નો સમયગાળો 31 માર્ચ સુધીનો હતો પરંતુ સરકારે તેને 2-2 મહિના માટે બે વાર લંબાવ્યો અને તે 31 જુલાઈએ સમાપ્ત થવાનો હતો.
દિલ્લીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા કે જેઓ એક્સાઇઝ મિનિસ્ટ્રી સંભાળી રહ્યા છે તેમણે ડિપાર્ટમેન્ટને નવી લિકર પૉલિસી આવે ત્યાં સુધી જૂની પોલિસીને છ મહિના સુધી અમલમાં રાખવાનો નિર્દેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે દિલ્લી સરકારની નવી એક્સાઈઝ નીતિમાં દારૂની હોમ ડિલિવરી સહિત ઘણી નવી ભલામણો સામેલ છે. આબકારી વિભાગ હાલમાં આ નીતિ પર કામ કરી રહ્યુ છે. આબકારી વિભાગના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે ડ્રાફ્ટ પૉલિસી એલજી વીકે સક્સેનાને મંજૂરી માટે મોકલવાની બાકી છે.
આબકારી નીતિ માટે ગરમાયુ રાજકારણ
આ પહેલા શુક્રવારે સાંજે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલજી વીકે સક્સેના સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યુ કે એલજી સાથે તેમના મતભેદ હોઈ શકે છે પરંતુ કોઈ મનભેદ નથી. હકીકતમાં, તાજેતરમાં જ એલજી વીકે સક્સેનાએ દિલ્લી સરકારની એક્સાઈઝ નીતિની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. જેના પછી રાજધાનીમાં રાજકીય વાતાવરણ ગરમાયુ હતુ. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે તેમની પાસે લાંબા સમયથી માહિતી હતી કે કેન્દ્ર સરકાર ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને કોઈ કેસમાં ફસાવીને તેમની ધરપકડ કરવા માંગે છે.