ચંદીગઢઃ બહારના રાજ્યોમાંથી ડાંગરની દાણચોરી રોકવા માટે પંજાબ સરકાર નવી મિલિંગ પૉલિસી લાવી છે. કેબિનેટની બેઠક દરમિયાન આ માહિતી આપવામાં આવી હતી. જ્યાં મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે 1 ઓક્ટોબરથી પંજાબમાં એ જ ડાંગરની ખરીદી કરવામાં આવશે જેનુ ઉત્પાદન અહીં થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતુ કે હવે અન્ય રાજ્યોમાંથી દાણચોરી કરાયેલા ડાંગરને MSP માટે વેચવામાં આવશે નહિ. તેમનુ કહેવુ છે કે નવી નીતિ પંજાબના ખેડૂતો માટે તેમના પાકનુ વેચાણ કરવાનુ સરળ બનાવશે.
સરકાર તરફથી કહેવામાં આવી રહ્યુ છે કે, હવે નવી પૉલિસી હેઠળ ડાંગરના વહન માટે ઉપયોગમાં લેવાતા વાહનોમાં લગભગ 3000 જીપીએસ લગાવવામાં આવશે. તે વાહનોને જીપીએસ દ્વારા ટ્રેક કરવામાં આવશે. ટાઈમિંગ મેચ હશે તો જ એન્ટ્રી આપવામાં આવશે. જે વાહનના ફોટો અને તેના લોકેશન સાથે મેચ ન થાય તે વાહન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. અન્ય રાજ્યોમાંથી ડાંગર લઈ જતા વાહનોને પકડવા માટે જિલ્લા કક્ષાએ ખાસ ટીમો તૈયાર કરવામાં આવશે જે સમયાંતરે ચેકિંગ કરશે.
નવી પૉલીસી આવ્યા બાદ રાજ્યની મિલોના વીજ મીટરો પર પણ નજર રાખવામાં આવશે. હકીકતમાં, ગત સિઝનમાં લગભગ 94 ટ્રકો સામે કાર્યવાહી કર્યા પછી ટ્રકને જપ્ત કરવામાં આવી હતી અને એફઆઈઆર નોંધવામાં આવી હતી. હવે નવી નીતિમાં એવી જોગવાઈ હશે કે અન્ય રાજ્યોમાંથી ડાંગર લાવતા વાહનો ઓછામાં ઓછા છ મહિના માટે જપ્ત કરવામાં આવશે. સીએમ માને પોતે કહ્યુ છે કે જો નવી નીતિની જોગવાઈઓનો કડક અમલ કરવામાં આવે તો બહારના રાજ્યોમાંથી ડાંગર લાવીને પંજાબમાં વેચાણ અટકાવી શકાય છે. આ માટે મંડી ગેટથી નીકળતી વખતે ટ્રકનો ફોટો લેવામાં આવશે. ફોટો અને જીપીએસનો સમય મેચ થાય ત્યારે જ શેલરમાં એન્ટ્રી આપવામાં આવશે.