આજે દ્રૌપદી મુર્મુએ દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે અને આ સાથે તે દેશના પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બની ગયા છે. આટલું જ નહીં, દ્રૌપદી મુર્મુએ શપથ લેતાની સાથે જ સાત અજોડ રેકોર્ડ પણ બનાવ્યા છે.
શપથ લીધા બાદ પોતાના પ્રથમ સંબોધનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે 'ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ માટે ચૂંટાવા બદલ હું તમામ સાંસદો અને વિધાનસભાના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તમારો મત દેશના કરોડો નાગરિકોની આસ્થાની અભિવ્યક્તિ છે. મારો જન્મ ઓડિશાના આદિવાસી ગામમાં થયો હતો પરંતુ દેશની લોકશાહીની શક્તિ જ મને આ સ્થાને લઈ ગઈ છે. આ પણ યોગાનુયોગ છે કે જ્યારે દેશ તેની આઝાદીના 50માં વર્ષની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે મારી રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી અને આજે આઝાદીના 75માં વર્ષમાં મને આ નવી જવાબદારી મળી છે.