શપથ સમારંભનો કાર્યક્રમ
દ્રૌપદી મુર્મૂ શપથ સમારંભ માટે સવારે લગભગ 8.15 વાગ્યે દિલ્લીમાં તેમના નિવાસસ્થાનેથી નીકળશે. તે પહેલા રાજઘાટ જશે. રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેઓ લગભગ 9.22 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન પહોંચશે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, મંત્રી પરિષદના સભ્યો, રાજ્યપાલો, મુખ્ય પ્રધાનો, રાજદ્વારી મિશનના વડાઓ, સંસદના સભ્યો અને સરકારી નાગરિક અને લશ્કરી અધિકારીઓના વડાઓ સમારોહમાં હાજરી આપશે. સંસદના સેન્ટ્રલ હોલમાં સમારોહના સમાપન પર, રાષ્ટ્રપતિ 'રાષ્ટ્રપતિ ભવન' માટે રવાના થશે, જ્યાં તેમને 'ઇન્ટર-સર્વિસ ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવશે અને વિદાય લેતા રાષ્ટ્રપતિ સાથે સૌજન્ય મુલાકાત કરવામાં આવશે.
મુર્મુએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી
તમને જણાવી દઈએ કે દ્રૌપદી મુર્મૂએ ગુરુવારે વિરોધ પક્ષોના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. મુર્મૂને ઇલેક્ટોરલ કૉલેજ સહિત સાંસદો અને ધારાસભ્યોના 64 ટકાથી વધુ માન્ય મતો મળ્યા અને મતોના વિશાળ માર્જિનથી ચૂંટણી જીતી. સિન્હાના 3,80,177 મત સામે મુર્મૂને 6,76,803 મત મળ્યા અને તેઓ દેશના 15માં રાષ્ટ્રપતિ બનશે. આઝાદી પછી જન્મ લેનાર તે પ્રથમ અને ટોચના પદ પર રહેનાર સૌથી યુવા રાષ્ટ્રપતિ હશે. રાષ્ટ્રપતિ બનનાર તેઓ બીજી મહિલા પણ છે. ઉલ્લેખનીય છે કે નિવૃત્ત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી પરિષદના સભ્યો માટે ડીનરનુ આયોજન કર્યુ હતુ.
ભારતના અત્યાર સુધીના રાષ્ટ્રપતિ
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરી 1950ના રોજ શપથ લીધા હતા. 1952માં તેમણે પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી. રાજેન્દ્ર પ્રસાદ બીજી રાષ્ટ્રપતિની ચૂંટણી પણ જીત્યા અને મે 1962 સુધી આ પદ પર રહ્યા. સર્વપલ્લી રાધાકૃષ્ણને 13 મે, 1962ના રોજ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને 13 મે, 1967 સુધી પદ પર રહ્યા. ઝાકિર હુસૈન અને ફખરુદ્દીન અલી અહેમદ - તેમનુ અવસાન થતાં તેમનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા ન હતા. ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ 25 જુલાઈ 1977ના રોજ શપથ લીધા હતા. ત્યારથી, 25 જુલાઈના રોજ, જ્ઞાની ઝૈલ સિંહ, આર. વેંકટરામન, શંકર દયાળ શર્મા, કે.આર. નારાયણન, એ.પી.જે. અબ્દુલ કલામ, પ્રતિભા પાટીલ, પ્રણવ મુખર્જી અને રામનાથ કોવિંદે એ જ તારીખે પદના શપથ લીધા હતા. કોવિંદે 25 જુલાઈ 2017ના રોજ ભારતના 14માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.