નવી દિલ્લીઃ સ્કૂલ હેલ્થ એન્ડ વેલફેર પ્રોગ્રામ (SHWP) હવે દિલ્લીની સરકારી શાળાઓમાં લાગુ કરવામાં આવશે. આ સંદર્ભે શિક્ષણ નિયામક કચેરી દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ કાર્યક્રમમાં શિક્ષણ નિયામક અને પરિવાર કલ્યાણ નિયામક બંને એકબીજાને સહકાર આપશે. વર્તમાન શૈક્ષણિક સત્ર 2022-23માં પશ્ચિમ A અને પશ્ચિમ B જિલ્લાની 143 શાળાઓમાં આ કાર્યક્રમ લાગુ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ શિક્ષણ વિભાગ આ કાર્યક્રમના પ્રથમ તબક્કામાં પશ્ચિમ દિલ્લીના A અને B જિલ્લાની 143 શાળાઓમાં આ કાર્યક્રમ લાગુ કરશે. આ માટે સરકાર દ્વારા શિક્ષકોને તાલીમ પણ આપવામાં આવશે. આ પછી તેમને વેલનેસ એમ્બેસેડર બનાવવામાં આવશે. આના દ્વારા તેઓ આ સમગ્ર કાર્યક્રમને સારી રીતે અમલમાં પણ મૂકી શકશે. શિક્ષણ નિયામકના જણાવ્યા મુજબ પશ્ચિમ A જિલ્લાની 15 શાળાઓના 30 શિક્ષકોની પ્રથમ બેચને 26થી 29 જુલાઈ દરમિયાન તાલીમ આપવામાં આવશે. આ 15 શાળાઓમાંથી દરેકે 2 શિક્ષકોને વેલનેસ એમ્બેસેડર તરીકે નામાંકિત કર્યા છે.
આ શિક્ષકોના કાર્યમાં મુખ્યત્વે સ્કૂલમાં સાપ્તાહિક રીતે આરોગ્ય જાગૃતિ લાવવી, રોગ નિવારણ અને શાળાના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ સત્રોનુ આયોજન કરવામાં આવશે. શિક્ષણ નિયામકની કચેરીએ શાળાના એચઓડીને સૂચના આપી છે કે તે સુનિશ્ચિત કરે કે તમામ પ્રશિક્ષિત શિક્ષકોના સત્રો શાળાઓમાં પ્રશિક્ષણ મુજબ ગોઠવવામાં આવે. શાળાઓએ તેનો રિપોર્ટ સંબંધિત જિલ્લાના નાયબ શિક્ષણ નિયામક (DDE)ને માસિક મોકલવો પણ ફરજિયાત રહેશે.