પંજાબઃ પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને જણાવ્યુ હતુ કે રાજ્યમાં લગભગ 51 લાખ ઘરોને મફત વીજળી બિલ મળશે અને ઉમેર્યું હતું કે 1 જુલાઈથી 300 યુનિટ મફત વીજળીનુ વચન લાગુ કરવામાં આવ્યુ છે. પંજાબના સીએમ ભગવંત માને ટ્વીટ કર્યુ, 'પંજાબવાસીઓ સાથે વીજળીની ગેરંટી સંબંધિત એક સારા સમાચાર શેર કરુ છુ. મફત વીજળીનુ વચન 1 જુલાઈથી અમલમાં આવ્યુ છે. જુલાઈ-ઓગસ્ટનુ બિલ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં આવશે. સારા સમાચાર એ છે કે લગભગ 51 લાખ ઘરોનુ વીજળી બિલ શૂન્ય હશે. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ.'
આમ આદમી પાર્ટી (AAP)ના નેતૃત્વવાળી સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે તે 1 જુલાઈથી દરેક ઘરમાં 300 યુનિટ મફત વીજળી આપશે. પંજાબ વિધાનસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના મુખ્ય ચૂંટણી વચનોમાંનુ એક 300 યુનિટ મફત વીજળી આપવાનુ હતુ. AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ગયા વર્ષે જૂનમાં રાજ્યમાં ઘર દીઠ 300 યુનિટ સુધી મફત વીજળી આપવાનુ વચન આપ્યુ હતુ.
કેજરીવાલે રાજ્યમાં ચોવીસ કલાક વીજ પુરવઠો બાકી રહેલ વીજ બિલો માફ કરવાનુ વચન પણ આપ્યુ હતુ. ભગવંત માને એપ્રિલમાં કહ્યુ હતુ કે જો બે મહિનામાં વીજળીનો વપરાશ 600 યૂનિટથી વધી જાય તો ગ્રાહકે સમગ્ર વીજળી વપરાશ માટે ચૂકવણી કરવી પડશે. અનુસૂચિત જાતિઓ, પછાત જાતિઓ, ગરીબી રેખા હેઠળના પરિવારો અને સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે માત્ર 600 યુનિટથી વધુ માટે ચાર્જ લેવામાં આવશે.