કોલંબોઃ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા છે. રિપોર્ટ અનુસાર તે બુધવારે સવારે શ્રીલંકાથી નીકળીને માલદીવ જતા રહ્યા. રિપોર્ટ મુજબ જે રીતે દેશમાં આર્થિક સંકટ ઘેરી બની રહ્યુ છે તે જોતા રાષ્ટ્રપતિ રાજીનામુ આપવાના હતા. ગોટાબાયા રાજપક્ષેએ ગયા અઠવાડિયે વચન આપ્યુ હતુ કે તેઓ રાજીનામુ આપશે અને સત્તાના શાંતિપૂર્ણ સ્થાનાંતરણનો માર્ગ ખોલશે. તમને જણાવી દઈએ કે રાજપક્ષે પહેલા જ કોલંબોમાં તેમના સત્તાવાર નિવાસસ્થાનથી નીકળી ગયા હતા. જ્યાં બાદમાં વિરોધીઓ પહોંચ્યા અને હોબાળો મચાવ્યો.
તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિને દેશમાં ધરપકડમાંથી મુક્તિ આપવામાં આવી છે. એવુ માનવામાં આવતુ હતુ કે રાજીનામુ આપતા પહેલા તેઓ વિદેશ જવા માંગતા હતા જેથી રાજીનામુ આપ્યા બાદ તેમની અટકાયત કરવામાં ન આવે. રાષ્ટ્રપતિ, તેમના પત્ની અને એક અંગરક્ષક સાથે એન્ટોનોવ 32 લશ્કરી વિમાનમાં શ્રીલંકાથી મુખ્ય આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી રવાના થયા. માલે એરપોર્ટના અધિકારીએ જણાવ્યુ કે માલદીવ પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિને પોલીસ સુરક્ષા હેઠળ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ ગોટાબાયા એક સમયે ધ ટર્મિનેટર તરીકે જાણીતા હતા. આ પહેલા કોલંબો એરપોર્ટ પર રાષ્ટ્રપતિનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એરપોર્ટ સ્ટાફ તેમની સાથે ખરાબ વર્તન કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ દુબઈ જવા ઈચ્છતા હતા પરંતુ સ્ટાફે તેમને વીઆઈપી સેવા આપવાનો ઈન્કાર કરી દીધો અને કહ્યુ કે તમામ મુસાફરોએ પબ્લિક કાઉન્ટર પરથી જવુ પડશે. જ્યાં સામાન્ય લોકોએ તેમનો વિરોધ કર્યો, જેના કારણે તેઓ તેમની ફ્લાઈટ ચૂકી ગયા અને તેઓ યુએઈ જઈ શક્યા નહીં.
રાજપક્ષેના નાના ભાઈ બાસિલ, જેમણે એપ્રિલમાં નાણામંત્રી પદેથી રાજીનામુ આપ્યુ હતુ, તે પણ મંગળવારે દુબઈ જઈ શક્યા ન હતા. તેમણે એરપોર્ટ સ્ટાફ સાથે પણ બોલાચાલી કરી હતી. બેસિલ અમેરિકાની નાગરિકતા ધરાવે છે પરંતુ શ્રીલંકામાં ઇમિગ્રેશન સ્ટાફે તેમની ફાસ્ટ ટ્રેક સર્વિસ પાછી ખેંચી લીધી હતી. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યુ હતુ કે કેટલાક મુસાફરોએ બેસિલનો વિરોધ કર્યો હતો અને તેમને ફ્લાઈટમાં બેસવા દીધા ન હતા. આ ખૂબ જ તણાવપૂર્ણ પરિસ્થિતિ હતી જેના કારણે તે ઉતાવળમાં એરપોર્ટથી બહાર નીકળી ગયા હતા.