નવી દિલ્લીઃ આજથી દેશમાં આગામી 75 દિવસ માટે તમામ પુખ્ત વયના લોકોને એક વિશેષ ઝુંબેશ હેઠળ સરકારી કેન્દ્રો પર કોરોના વાયરસની રસીના બૂસ્ટર ડોઝ મફત આપવામાં આવશે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. આ અભિયાન ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠના અવસર પર સરકાર દ્વારા ચલાવવામાં આવ્યુ છે. જેનો ઉદ્દેશ્ય કોવિડ-19 બૂસ્ટર ડોઝમાં ત્રીજા ડોઝના કવરેજને સુધારવાનો છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ એક અધિકારીને ટાંકીને જણાવ્યુ હતુ કે, 'જો કે, 60 વર્ષ અને તેથી વધુ વયની અંદાજિત 160 મિલિયન લાયક વસ્તીમાંથી લગભગ 26 ટકા તેમજ હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કામદારોએ પહેલેથી જ બૂસ્ટર ડોઝ લઈ લીધો છે.' કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યુ કે, ''આઝાદીના અમૃત મહોત્સવના ભાગ રૂપે આજથી સમગ્ર દેશની પુખ્ત વસ્તીને મફત પ્રીકૉશન ડોઝ આપવાનો 75 દિવસનો કાર્યક્રમ શરૂ થયો છે. હું તમને વિનંતી કરુ છુ કે તમારો વારો આવે ત્યારે બૂસ્ટર ડોઝ લો. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર 'સ્વસ્થ ભારત, સુરક્ષિત ભારત' બનાવવા માટે પ્રતિબદ્ધ છે.''
તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 18-59 વર્ષની વયજૂથના 77 કરોડ લોકોની વસ્તીમાંથી 1 ટકાથી પણ ઓછા લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે. એક અધિકારીએ જણાવ્યુ કે, "મોટાભાગની ભારતીય વસ્તીને નવ મહિના પહેલા તેમનો બીજો ડોઝ મળ્યો હતો. ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ) અને અન્ય આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓના અભ્યાસોએ સૂચવ્યુ છે કે બંને ડોઝ સાથે પ્રાથમિક રસીકરણના છ મહિના પછી એન્ટિબોડીનુ સ્તર ઘટે છે. બૂસ્ટર આપવાથી રોગપ્રતિકારક પ્રતિક્રિયામાં વધારો થાય છે.