કોલંબો, 14 જુલાઇ : ગોટાબાયા રાજપક્ષેએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી દીધું છે. ગોટાબાયાએ પોતાનું રાજીનામું શ્રીલંકાની સંસદના અધ્યક્ષને ઈ-મેલ દ્વારા મોકલી આપ્યું છે. જણાવી દઈએ કે ગોટાબાયા રાજપક્ષે બુધવારે દેશ છોડીને માલદીવ ગયા હતા. ત્યાં એક દિવસ રોકાયા બાદ આજે તેઓ સિંગાપોર પહોંચ્યા છે.
સિંગાપોર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ગોટાબાયા રાજપક્ષે ખાનગી મુલાકાતે આવ્યા છે. સિંગાપોરે કહ્યું કે ન તો ગોટાબાયાએ અમારી પાસે આશ્રય માંગ્યો છે અને ન તો અમે તેમને આશ્રય આપ્યો છે. આ દરમિયાન શ્રીલંકામાં પ્રદર્શન ચાલુ છે, જેને ઠીક કરવા સેનાએ મેદાનમાં ઉતરવું પડ્યું છે. એક નિવેદનમાં શ્રીલંકાના સૈન્યએ વિરોધીઓને તમામ પ્રકારની હિંસાથી દૂર રહેવા અથવા પરિણામોનો સામનો કરવા માટે તૈયાર રહેવા વિનંતી કરી છે, કારણ કે સશસ્ત્ર દળોના સભ્યોને માનવ જીવન માટે જોખમ, જાહેર સંપત્તિને નુકસાનની સ્થિતિમાં બળનો ઉપયોગ કરવાની કાયદેસર મંજૂરી છે.
બુધવારે શ્રીલંકામાં વડા પ્રધાનના કાર્યાલય અને સંસદની મુખ્ય શેરીમાં સુરક્ષા દળો સાથે વિરોધીઓની અથડામણ પછી ઓછામાં ઓછા 84 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે અવરોધો તોડીને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા ભીડ પર ટીયર ગેસ અને વોટર કેનન છોડ્યા હતા.
આ સાથે શ્રીલંકામાં શુક્રવારે યોજાનારી સંસદની બેઠક અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. સ્પીકર મહિન્દા યાપા અભયવર્ધનેએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિનું રાજીનામું પત્ર મળ્યાના ત્રણ દિવસમાં સંસદ બોલાવવામાં આવશે. ગોટાબાયા રાજપક્ષે આજે સાંજે રાજીનામું આપી દેતાં સંસદ બોલાવવાની પ્રક્રિયા ફરી શરૂ થવાની ધારણા છે. અગાઉ પક્ષના નેતાઓની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે 13 જુલાઈએ રાજીનામું સુપરત કર્યા પછી 15 જુલાઈએ સંસદ બોલાવવામાં આવશે.