શ્રીનગરઃ અમરનાથ યાત્રા ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. વાદળ ફાટવાની ઘટના બાદ જે રીતે અમરનાથ યાત્રા આંશિક રીતે રોકી દેવામાં આવી હતી તે પછી ફરી એકવાર આ પવિત્ર યાત્રા શરૂ થઈ છે. અમરનાથ યાત્રા માટે જમ્મુના બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના કરવામાં આવી છે. ભક્તોનુ કહેવુ છે કે અમે પ્રતિજ્ઞા લઈને નીકળ્યા છીએ કે ભલે અમારો જીવ જાય પણ અમે બાબા ભોલેનાથના દર્શન કર્યા વિના પાછા નહિ ફરીએ. અમે બાબાના દર્શન કરવા આવ્યા હતા પરંતુ આ દુર્ઘટનાને કારણે યાત્રા બંધ થઈ ગઈ હતી પરંતુ અમે ખુશ છીએ કે સરકારે ફરી એકવાર યાત્રા શરૂ કરી છે. બેઝ કેમ્પ ચાંદવાડીથી ફરી એકવાર અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે વાદળ ફાટવાના કારણે અમરનાથ યાત્રા અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રવિવારે પહેલગામના નુનવાન બેઝ કેમ્પની મુલાકાત લીધી હતી. તેઓએ ફરી યાત્રા કેવી રીતે શરૂ કરવી તેની ચર્ચા કરી. નોંધનીય છે કે દક્ષિણ કાશ્મીરમાં પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે વાદળ ફાટ્યુ હતુ. જેના કારણે આ વિસ્તારમાં અચાનક પાણી ભરાઈ ગયુ હતુ. આ અકસ્માતમાં 16 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 40 લોકો હજુ પણ લાપતા છે જેમની શોધખોળ ચાલુ છે.
એક ટોચના અધિકારીએ જણાવ્યુ હતુ કે ઉપરાજ્યપાલે રાહત અને બચાવ કામગીરીની વ્યક્તિગત દેખરેખ કરી છે અને તેમને વહેલી તકે પરિસ્થિતિને સુધારવાનો નિર્દેશ આપ્યો છે જેથી મુસાફરોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. અધિકારીએ જણાવ્યું કે ઉપરાજ્યપાલ યાત્રાળુઓને મળ્યા અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી.